Get The App

અંગ્રેજોએ ભારતને ક્રિકેટ પ્રેમી બનાવ્યા એટલે બાકીની સ્પોર્ટસ ભુલાઇ ગઇ

Updated: Aug 12th, 2021


Google NewsGoogle News
અંગ્રેજોએ ભારતને ક્રિકેટ પ્રેમી બનાવ્યા એટલે બાકીની સ્પોર્ટસ ભુલાઇ ગઇ 1 - image


- બહુરત્ના વસુંધરાઃ અનેક રત્નો દાટી દેવાયા છે

- પ્રસંગપટ

- આઝાદી પછી સ્પોર્ટસ પર ધ્યાન આપ્યું હોત તો આજે ભારત પાસે ગોલ્ડ મેડલોની વણઝાર હોત

બહુ રત્ના વસુંધરા... ભારતના ઇતિહાસમાં દટાયેલા અનેક રત્નોને જાણી જોઇને વધુ ઉંડે દાટી દેવાયા હોય એમ લાગી રહ્યું છે. મોગલોના રાજ સમયે તેમની સામે લડનારા ભારતના રાજાઓ તેમજ મોગલોના આક્રમણ પહેલાના ભારતના જાંબાજ લોકોની વાતો પણ દાટી દેવામાં આવી છે એમ કહી શકાય. જોકે આવા રત્નો સમય આવે સપાટી પર આવી જતા હોય છે. વર્ષો સુધી જમીનમાં દટાઇ રહેલું રત્ન નામે મેજર ધ્યાનચંદ અચાનક સપાટી પર આવી ગયું છે. અચાનક નિર્ણય લેવાની વડાપ્રધાન મોદીની ટેવના દર્શન રાજીવ ગાંધી ખેલ રત્ન એેવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ કરાયું ત્યારે થયા હતા. જ્યારે કોચ જેવી કોઇ સવલતો નહોતી ત્યારે ધ્યાનચંદના નામે સિક્કા પડતા હતા. હોકીના જાદુગર તરીકેની તેમની નામના હતી.

આજે ગોલ્ડન બોય નિરજ ચોપ્રા પર ઇનામોનો વરસાદ વર્ષી રહ્યો છે પરંતુ ધ્યાનચંદના કાળમાં કોઇ તેમને ખભે ઉંચકીને નહોતું ચાલ્યું. ત્યારે શાસન અંગ્રેજોનું હતું, પરંતુ આઝાદી પછી પણ ધ્યાનચંદની સિધ્ધિ પર કોઇએ ધ્યાન નહોતું આપ્યું. જો ત્યારે ધ્યાનચંદને બોલાવીને સ્પોર્ટસ મિનિસ્ટર બનાવાયા હોત તો આજે ભારત પાસે એક નહીં પણ ૨૧ ગોલ્ડ મેડલ હોત. 

ભારતના રાજકારણીઓ સત્તા મેળવવા અને તેને ટકાવી રાખવાની ઉરાંગ-ઉટાંગ નિતીમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની નજરમાં સ્પોર્ટસ એટલે ક્રિકેટ એવું વસી ગયું હતું. યથા રાજા તથા પ્રજા જેવું થયું હતું. લોકો પણ ક્રિકેટ પાછળ પાગલ રહેતા હતા. અન્ય રમતોને પ્રોત્સાહન નહોતું અપાતું અને એવા રમતવીરોની કોઇ કદર પણ નહોતી કરાઇ.

આઝાદી પછી શહેર અને ગામડાં એમ બે ભાગ પડી ગયા હતા. ગામડાના લોકોના ભાગે કેટલીક સવલતો ભાગ્યેજ આવતી હતી. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને ધ્યાનચંદ રખાતા ઘણાના ભવાં સંકોચાયા હતા. કોંગ્રેસે રાજીવ ગાંધીના નામ સાથે જોડાયેલ એવોર્ડ બદલીને ધ્યાનસીંગનુ નામ અપાયું ત્યારે વિરોધ કરતી કોંગ્રેસ સામે અનેક સવાલો ઉભા થયા હતા. ગાંધી પરિવારના નામે અનેક એવોર્ડ અને સંસ્થાએની યાદી બહાર આવવા લાગી હતી. 

શું ભૂતકાળની સરકારોેને દેશના શહીદો કે રમતવીરોના નામે અવોર્ડ કે સંસ્થાઓ ઉભી  કરવાનો કોઇ આઇડયા નહીં આવ્યો હોય? વિરોધ કરીને કોંગ્રેસ ફસાઇ ગઇ હતી. ધ્યાનચંદની હિટલર સાથેની મિટીંગ પણ બહુ જાણીતી છે. ૧૯૩૮માં જ્યારે ધ્યાનચંદની ટીમે જર્મનીને હરાવ્યું ત્યારે ખુદ હિટલર પણ અન્ય પ્રેક્ષકોની સાથે ઉભો થઇને તાળીઓથી અભિનંદન આપતો હતો. 

ઇતિહાસમાં દબાયેલી સ્ટેારી એવી છે કે બીજા દિવસે હિટલરે ધ્યાનચંદને બોલાવીને તેમનો બાયો ડેટા પૂછ્યો હતો. જ્યારે ધ્યાનચંદે કહ્યું કે તે ભારતના લશ્કરમાં લાન્સ નાયક છે. ત્યારે હિટલરે તેમને કહ્યું હતું કે તમને હું જર્મન સિટીઝન બનાવી દઉં અને અહીં લશ્કરમાં તાત્કાલીક ફિલ્ડ માર્શલ બનાવી દઇશ. કહે છે કે ધ્યાનચંદે આવી ઓફર ઠુકરાવીને કહ્યું હતું કે સોરી,હું ભારતના લશકર સાથે ખુશ છું. 

આવા દેશને વફાદાર લોકોની કદર કરવાની અક્કલ કોઇને નહોતી આવી. દરેક સત્તા અને પરિવારવાદમાં રચ્યા પચ્યા રહેતા આવ્યા છે. હિટલરે ધ્યાનચંદને ઓફર કરી તે વાત આઝાદી પછી પણ ચર્ચામાં આવી હતી પરંતુ કોઇ પાસે સ્પેાર્ટસ બાબતે ચર્ચાનો સમય નહોતો. દરેક  પોલીટીકલ સ્પોર્ટ રમ્યા કરતા હતા.

 ધ્યાનચંદ જેવા કેટલાક નામોને દબાઇ દેવાયા છે. તેનું કારણ હજુ શોધવાનું બાકી છે પણ સખ્ખત સંધર્ષ કરીને આગળ આવેલા લોકો માટે કોઇ નોંધ નહોતી રખાઇ તે તો ઠીક પણ  શિક્ષણ ક્ષેત્રે તેમનું કોઇ નામ ના આવે એવા પ્રયાસો પણ કરાયા હતા. તેમના નામની કોઇ ડોક્યુમેન્ટરી પણ બનાવાઇ નહોતી. કેટલાક મોગલ રાજાઓના નામ અને તેમના વંશજોના નામ લોકોના માથે ફટકારાયા હતા પણ ધ્યાનચંદ જેવાના કોઇ નામ નહોતા. 

આવું અનેક ક્ષેત્રે થયું હશે એમ માની શકાય. એટલેજ મોદી સરકારે એક સંશોધન કમિટી બેસાડીને ઇતિહાસમાં દટાઇ ગયેલા ધ્યાનચંદ જેવા નામોને બહાર ખેંચી લાવવની જરૂર છે. આઝાદી પહેલાં અને આઝાદી માટેના સંધર્ષ દરમ્યાન અનેક ધ્યાનચંદો એવા હશે કે જેમણે પોતાના બળે સંધર્ષ કર્યા હશે અને દુશ્મનના દાંત ખાટા કર્યા હશે કે સમાજ ઉત્કર્ષ માટે ખપી ગયા હશે.

ધ્યાનચંદના સંધર્ષની વાતો વાંચીએ તો ગૌરવ થાય છે. હિટલર જેવાની સામે આ માણસે સ્પષ્ટતાઓ કરીને પોતાનું ખમીર બતાવ્યું હતું. આવા લોકો સેલ્યુટને પાત્ર છે. ખરેખર ભારત એટલે બહુ રત્ના વસુંધરા..

Prasangpat

Google NewsGoogle News