Get The App

પાર્કિન્સનથી ડરવાની નહીં, પણ વહેલા નિદાનની તથા યોગ્ય માહિતી મેળવવાની જરૂર છે

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
પાર્કિન્સનથી ડરવાની નહીં, પણ વહેલા નિદાનની તથા યોગ્ય માહિતી મેળવવાની જરૂર છે 1 - image


- 11 એપ્રિલ એટલે 'વર્લ્ડ પાર્કિન્સન ડે' 

- પ્રસંગપટ

વિશ્વભરમાં લગભગ ૧ કરોડ લોકો પાર્કિન્સન (કંપવાત)થી પીડાય છે, જેમાંના લગભગ ૧૦ ટકા દર્દીઓ ભારતમાં હોવાનો અંદાજ છેપાર્કિન્સન એટલે કે કંપવાતના રોગ વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પાર્કિન્સન વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વભરમાં દર વર્ષે ૧૧ એપ્રિલે વર્લ્ડ પાર્કિન્સન ડે ઉજવવામાં આવે છે. પાર્કિન્સન મગજના ચેતાતંત્રનો એક રોગ છે. મગજના જ્ઞાાનતંતુઓમાં 'સબસ્ટેન્શિયા નાયગ્રા' નામના કોષો કોઈ કારણસર ક્ષતિગ્રસ્ત થઈ નાશ પામતા જાય છે ત્યારે ડોપામિન નામનું મગજનો અગત્યનો અંતઃસ્ત્રાવ (રસાયણ) બનવાનો ઓછો થઈ જાય છે. તેના કારણે શરીરમાં ધૂ્રજારી, સ્નાયુઓ અક્કડ થઈ જવા, હલનચલન ધીમું થવું વગેરે લક્ષણો ઉદ્ભવે છે. ડો. જેમ્સ પાર્કિન્સને ૧૮૧૭માં આ રોગનાં લક્ષણોની વિસ્તૃત માહિતી આપી હતી, તેથી આ રોગ તેમના નામે ઓળખાય છે. પ્રાચીન ભારતમાં ચરક ઋષિએ 'ચરકસંહિતા'માં પણ પોતાનાં અવલોકનો આપ્યાં છે, જે 'કંપવાત'નાં હોવાનાં જણાય છે.

જાણકારોના મતે વિશ્વભરમાં લગભગ ૧ કરોડ લોકો પાર્કિન્સનથી પીડાય છે, જેમાંના લગભગ ૧૦ ટકા દર્દીઓ ભારતમાં હોવાનો અંદાજ છે. મોટા ભાગે ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં આ રોગ જોવા મળે છે. કેટલાક કિસ્સામાં ૨૧થી ૪૦ વર્ષની વયમાં પણ તે જોવા મળે છે જેને Young Onset Parkinson's Disease (YOPD) કહે છે. લગભગ ૧૦-૧૫ ટકા કિસ્સામાં આ રોગ થવા પાછળ જનીનિક વિકૃતિ કે વારસાગત કારણો જવાબદાર હોય છે. પાર્કિન્સન રોગની તીવ્રતા તેમજ આગળ વધવાની ગતિ દરેક દર્દી મુજબ અલગ હોય છે. રોગનાં લક્ષણોની શરૂઆત મોટે ભાગે શરીરની એક બાજુના અંગથી થાય છે. અમુક દર્દીઓમાં થોડાં વર્ષોમાં તે ડાબે-જમણે એમ બંને તરફના અંગોમાં પ્રસરે છે. 

તબીબી દ્રષ્ટિએ આ રોગને જુદી જુદી પાંચ અવસ્થામાં વહેંચી શકાય છે. 

T - Tremors at rest:  હાથ-પગની આંગળીઓમાં થતી લયબદ્ધ ધૂ્રજારી. 

R - Rigidity: હાથ-પગ તથા ચહેરાના સ્નાયુઓ કડક થવા.

A - Akinesia/Bradykinesia:  ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાઓ ઓછી તથા ધીમી થવી.

P - Postural instability: ચાલતી વખતે બેલેન્સ બગડવું, નાના ઝડપી પગલાં ભરી નમીને ચાલવું, ચાલતાં સ્થગિત થવું (Freezing of gait). 

આ ઉપરાંત અવાજ ધીમો-એકરસ થવો, ચહેરાના હાવભાવ ઓછા થવા, અક્ષર નાના થઈ જવા, આંખોની પાંપણ બંધ કરવાની ક્રિયા મંદ થવી જેવાં મોટર ફીચર્સથી માંડીને મહત્ત્વનાં નોન-મોટર્સ ફીચર્સ લક્ષણો જેવા કે યાદશક્તિમાં ઘટાડો થવો, ડિપ્રેશન, સનેપાત, ઊંઘની તકલીફ, કબજિયાત, સુંઘી શકવાની ક્ષમતા ઘટી જવી, પેશાબની તકલીફથી માંડીને શરીરના સતત દુઃખાવાનો સમાવેશ થાય છે.

પાર્કિન્સનનાં લક્ષણો જણાય તો વહેલી તકે નિષ્ણાત ન્યૂરોલોજીસ્ટ/મુવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયલિસ્ટને મળી રોગનું યોગ્ય નિદાન કરવું જરૂરી બને છે. નિદાનમાં શંકા હોય કે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમની શક્યતા હોય ત્યારે વિશિષ્ટ પ્રકારના એમઆરઆઈ, પેટ એમઆરઆઈ કે ઘછ્ DAT Scan/TRODAT Scan ઈમેજીંગ કરવામાં આવે છે. વિશિષ્ટ કિસ્સામાં  યંગ ઓનસેટ પાર્કિન્સોનીઝમ કે મોટેભાગે ફેમિલીયલ પાર્કિન્સન ડિસીઝના કેસમાં જિનેટીક ટેસ્ટ કરવામાં આવે છે. 

પાર્કિન્સનના જે દર્દીને લિવોડોપા નામની દવાની અસર રૂપે ચિહ્નોમાં સુધારો ન થતો હોય, જે ૭૫ વર્ષ કે તેથી ઓછી વયના હોય, ખાસ કરીને YOPD (યંગ ઓનસેટ પાર્કિન્સન ડીસીઝ)નો ભોગ બન્યા હોય, જેમને હાથની વધુ પડતી ધૂ્રજારી હોય જે દવાના યોગ્ય સંયોજનથી કાબૂમાં ન આવતી હોય, જેમને પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ ન હોય તેવા દર્દીઓમાં બ્રેઇન પેસમેકર સર્જરી-ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશનથી સારાં પરિણામો જોવા મળે છે, તેમના જીવનની ગુણવત્તા સુધરે છે, સર્જરી બાદ પાર્કિન્સનની દવાઓમાં મહત્તમ ઘટાડો થઈ શકે છે. 

સો વાતની એક વાત એટલી જ કે પાર્કિન્સન રોગથી હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. શક્ય તેટલું વહેલું નિદાન, સચોટ સારવાર, નિષ્ણાત મુવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયલિસ્ટ કે ન્યુરોલોજીસ્ટનું માર્ગદર્શન, સમૂહ કસરત, યોગ, દવાઓ, ટાર્ગેટેડ  પર્સનલાઇઝડ થેરાપી, પ્રાણાયામ, સ્પીચ તથા સ્વોલોઈંગ થેરાપી, સંગીત, ડાન્સ, તાઈ-ચી તથા યોગ્ય કિસ્સામાં સર્જરી દ્વારા આ રોગને મહદંશે નાથી શકાય છે. આ રોગ જડમૂળમાંથી તો નાબૂદ કરી શકાતો નથી, પરંતુ આ દિશામાં ઘણાં નવા સંશોધનો થઈ રહ્યાં છે, જે આશાનાં કિરણ સમાન છે. 

- ડૉ. હેલી શાહ 

(ન્યૂરોલોજીસ્ટ તથા 

મુવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ)

Tags :