ભરાયેલાં વરસાદી પાણીએ હવે રોગચાળોનો ખતરો ઊભો કર્યો છે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
ભરાયેલાં વરસાદી પાણીએ હવે રોગચાળોનો ખતરો ઊભો કર્યો છે 1 - image


- વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓથી દવાખાનાં ઉભરાયાં

- પ્રસંગપટ

- રોગચાળો ફેલાવવાનું મુખ્ય કારણ વરસાદી ભેજ અને જમીન ઉપરનો કોહવાટ છે

વરસાદનાં ભરાયેલાં પાણી માત્ર ગંદકી કે માટીનો કાંપ નથી ખેંચી લાવતાં, તે રોગચાળો પણ ખેંચી લાવે છે. બે-ત્રણ દિવસ સતત વરસાદ પડે એટલે  વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓથી દવાખાનાં ઉભરાવા માંડે છે. ભરાયેલાં પાણી ઉતરે છે ત્યારે વિવિધ વાઇરસ છોડતાં જાય છે. જેવો થોડો તડકો પડે છે કે આ વાઇરસ જીવંત થઇને માનવ સમુદાયમાં હવા કે પાણી મારફતે પ્રવેશે છે. એટલે જ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે.

સખત તડકામાં કેટલાક વાઇરસ મોતને ભેટે છે, પરંતુ બચેલા વાઇરસ થોડો ઉઘાડ નીકળ્યા પછી આતંક મચાવી શકે છે. વરસાદ, પૂર કે કોઈ પણ કારણસર સતત ઘરમાં પુરાઇ રહેલા લોકોનો ઇમ્યુનિટી પાવર એટેલે કે રોગનો પ્રતિકાર કરાવાની શક્તિ ક્ષીણ થઇ ગઇ હોય છે, તેથી તેમના શરીરમાં વિવિધ વાઈરસને પ્રવેશવામાં આસાની રહે છે. સામાન્ય વાઇરલ ફીવરને તો લોકો મેડિકલ સ્ટોરમાં મળતી તાવની ગોળીઓથી થોડો દૂર રાખી શકે છે, પરંતુ તાવ ન ઉતરે કે ખાંસી બંધ ન થાય ત્યારે ડોક્ટરની સલાહ લેવા જવું પડે છે.

તાજેતરમાં કચ્છના લખપત અને અબડસામાં પંથકમાં વિચિત્ર પ્રકારના વાઇરસે ૧૪ લોકોનો ભોગ લીધો. કહે છે કે પીવાના પાણીના ધાંધિયાના કારણે લોકો તાવની ઝપટમાં આવી ગયા હતા. કચ્છનાં જે ગામોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યાં પીવાના પાણીનો કોઇ સોર્સ જ નથી. વરસાદી પાણી ભરાવવાના કારણે  કૂવા છલકાઇ ગયા હતા અને નદી-નાળાં ઊભરાઇ ગયા હતાં. છેલ્લા દસ દિવસથી લોકોની પીવાનું પાણી મળ્યું નથી. લોકોના પીવાના પાણીના સ્રોતોમાંથી પશુઓે પણ પાણી પીતા હોય છે. પાણીનો કોઇ વિક્લ્પ નથી. શહેરોમાં મળતી મિરલ વોટરની બોટલો હજુ ગામેગામ પહોંચી નથી. 

ભરાયેલાં વરસાદી પાણી રોગચાળાનો આતંક સર્જી શકે છે. ગામડાંમાં ઠેર ઠેર ભરાઈ રહેતાં પાણીમાં મૃત પશુઓ અને ગંદકીના ઢગલા કોહવાઇ જતાં હોય છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો બગડી ગયેલાં ગાદલા-ગોદડાં, ફર્નિચર વગેરે રોડ પર ફેંકતા હોય છે. આ સામાનનો સમયસર નિકાલ ન થાય તો  રોગચાળો પ્રસરવાનો ભય પેદા થાય છે.

વરસાદનાં ભરાયેલાં પાણી ખેતીમાં ઊભો પાક બગાડે છે અને માનવવસ્તીમાં રોગચાળો ફેલાવે છે. રોગચાળો ફેલાવવાનું મુખ્ય કારણ વરસાદી ભેજ અને જમીન ઉપરનો કોહવાટ હોય છે. સરકાર ત્વરિત પગલાં ભરે તો તે નિવારી શકાય છે, પરંતુ જે ગામમાં પીવાનાં ચોખ્ખા પાણી પણ પહોંચ્યાં ન હોય ત્યાંની સ્થિતિ રામ ભરોસે જ રહે છે. 

વરસાદ બંધ થતાં પાણી હવે ઉતરી ગયાં છે અને લોકો કાદવ ઉલેચીને પોતાનાં ઘરોની સફાઈ કહી રહ્યા છે. રસ્તાઓની અને જાહેર જગ્યાઓની સફાઈ તો સત્તાવાળાઓએ કરવાની હોય. અમદાવાદમાં નવા વિકસેલા વિસ્તારોની સોસાયટીઓમાં ચાર-ચાર દિવસ સુધી પાણી ભરાયેલાં રહ્યાં હતાં. કરોડો રૂપિયા ખર્ર્ચીને બનાવેલા પોતાના જ બંગલા કે મોંઘા ફ્લેટ સુધી પાણીને કારણે જઈ શકાતું નહોતું અથવા તો બહાર નીકળી શકાય તેમ નહોતું. અનેક સોસાયટીઓની બહાર લાંબો સમય સુધી પાણી ભરાયેલું રહ્યું હતું. જ્યાં વર્ષોથી પાણી ભરાય છે એવા વિસ્તારોમાં લોકોએ અગમચેતી વાપરી હતી, પરંતુ નવા ડેવલપ થયેલા વિસ્તારોના રહેવાસીઓ તો વહિવટીતંત્રના ધાંધિયા જોઈને માથું કૂટતા હતા. આ પ્રકારના વિસ્તારોમાં રોગચાળો પ્રસરવાની શક્યતા રહેતી હોય છે. 

હકીકત એ છે કે ભરાયેલાં વરસાદી પાણીવાળાં તમામ ગામો અને ટાઉન લેવલના વિસ્તારો, મોટાં શહેરોના નીચાણવાળા વિસ્તારો વગેરે રોગચાળાનો મુખ પર બેઠા છે. આજકાલ જરા ઉઘાડ નીકળ્યો છે એટલે માખી અને મચ્છરાનોે ત્રાસ વધવા માંડશે.  આ દિવસોમાં વાઇરલ ઇન્ફેક્શન મોટા પાયે જોવા મળે છે. ભરાયેલાં પાણી ઉતરે ત્યાં સુધીમાં તે માનવજાતને વાઇરલ ઇન્ફેક્શનની થાપટ લાગી ચૂકી હોય છે. સત્તાધારીઓએ ચેતી જવાની જરૂર છે.

રોગચાળાનો આ પ્રારંભિક તબક્કો છે. વરસાદ હવે સંપૂર્ણપણે વિરામ લેશે એમ માનવાની જરૂર નથી. ભાદરવા માસમાં પણ વરસાદ જોઈ શકે છે. વરસાદી પાણીથી ગુજરાત તરબતર છે. હવે ગુજરાતમાં જે વરસાદ આવશે તે નુક્સાનીને સાથે લેતો આવશે. 

Prasangpat

Google NewsGoogle News