ધક્કામુક્કીની ઘટના માટે મંદિરના ટ્રસ્ટીઓની જવાબદારી નક્કી કરો
- તિરૂપતિ મંદિરની ધક્કામુક્કીમાં છના મોતથી ગમગીની
- પ્રસંગપટ
- મંદિરોમાં જોવા મળતા વીઆઇપી કલ્ચર પર સત્વરે પૂર્ણવિરામ મૂકાઈ જવું જોઇએ
મંદિરોમાં થતી જીવલેણ ધક્કામુક્કી માટે હંમેશા મંદિરના વહીવટકારો જવાબદાર સાબિત થયા છે. જોકે વગદાર વહીવટકારોનો વાળ પણ વાંકો થતો નથી અને નિર્દોષ ભકતો લેવાદેવા વગર સ્વધામ પહોંચી જાય છે. શ્રદ્ધાળુઓ પાસેથી સ્વયંશિસ્તની અપેક્ષા રાખવી વધારે પડતું છે, પણ વહીવટકારો માટે એક કડક આચારસંહિતા તૈયાર કરવાની જરૂર છે. જેમ સહકારી બેંકોમાં થતા આર્થિક ગોટાળા માટે તમામ ડિરેક્ટરોને જવાબદાર ગણવામાં આવે છે, એમ મંદિરમાં ચાલતા ગેરવહીવટ અને ધક્કામુક્કીની ઘટનાઓ માટે મંદિરના ટ્રસ્ટીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ અને તેમના માટે જેલની સજા સુધીનાં પગલાં લેવાવાં જોઈએ.
પોતાના કુટુંબની સુખાકારી માટે ભગવાનની કૃપા મેળવવા ઇચ્છતા શ્રદ્ધાળુઓના કમોત થાય એનાથી વધારે મોટી કમનસીબી બીજી કઈ હોવાની. મંદિરમાં બેઠેલા ભગવાન ક્યારેય બચાવવા આવતા નથી, પરંતુ એ લોકોને જાગૃત રહેવાની પ્રેરણા જરૂર આપી શકે છે. તિરૂપતિ મંદિરમાં અણધારી ધક્કામુક્કી થવાથી છ લોકો ચગદાઈને મોતને ભેટયા અને ૩૦ માણસોને ઇજા થઇ. આવી ઘટનાઓ ભૂતકાળમાં કેટલીય વાર બની છે. ક્યારેક કોઇ કથામંડપમાં તો ક્યારેક કોઇ બાબાના આશીર્વાદ લેવા માગતા શ્રદ્ધાળુઓની ભીડમાં એકાએક આંધાધૂંધી ફેલાય છે ને લોકો મોતને ભેટે છે. જવાબદારો સામે સખત પગલાં લેવાશે જેવાં ચવાઈ ગયેલાં નિવેદનો રાજકીય સત્તાધીશો આપતા હોય છે, પણ સમય જતાં સમગ્ર ઘટનાક્રમનું ફિંડલું વાળી દેવામાં આવતું હોય છે.
આવતા અઠવાડિયાથી પ્રયાગરાજમાં કુંભમેળો શરૂ થઇ રહ્યો છેે, જેેમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લેશે.જે રીતે ઉત્તર પ્રદેશની સરકાર સતર્ક બનીને વ્યવસ્થા કરી રહી છે તે જોતાં અહીં ઘાતક આંધાધૂંધી નહીં સર્જાય તેવી આશા ઊભી થાય છે.
નાથદ્વારા સ્થિત શ્રીનાથજીના મંદિરમાં સવારે મંગળા દર્શન માટે ટોકન લેવા લોકોની લાઇન લાગતી હોય છે. અંબાજી, સોમનાથ તેમજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે લાઇનો લાગે છે. દ્વારકા અને ડાકોરના મંદિરમાં મંગળાના દર્શન બુઝુર્ગો કરી શકતા નથી, કેમ કે અહીં ધક્કામુક્કી કરનારાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. અંબાજીના મદિરમાં લોકો કલાકો ઊભા રહીને પછી શાંતિથી દર્શન કરી શકે એવી વ્યવસ્થા છે. તમામ દર્શનાર્થીઓને સારી વ્યવસ્થાની અપેક્ષા હોય છે, પરંતુ જ્યાં શિસ્તના નામે દંડાવાળી થાય છે ત્યાં નાસભાગ થઈ જાય છે. મંદિરોમાં સૌ કતારબદ્ધ ઊભા રહે તે માટે માણસો લાઠી લઇને ખડા કરી દેવામાં આવ્યા હોય તે શ્રદ્ધાળુઓને ગમતું નથી. હાથમાં મશીનગન લઇને ઉભેલા રક્ષકો મંદિરમાં ડરનો માહોલ ઉભો કરતા હોય છે.
ધક્કામુક્કી કરનારાઓ સામે ક્યારેક વહીવટકારો પણ લાચાર થઈ જાય છે. આ લાચારી જોકે તેમની વહીવટી ઉણપની ચાડી ખાય છે. લોકોને દર્શન માટે એટલી તાલાવેલી હોય છે કે તેઓ ધક્કા મારવાને તે સામાન્ય ગણે છે.
ઉતરાણના દિવસોમાં દર્શનાર્થીઓની સંખ્યા વધશે, તેથી તમામ મંદિરોમાં ભીડનું વિશેષ મેનેજમેન્ટ કરવાની તૈયારી રાખવી પડશે. મંદિરોમાં ભીડનું મેનેજમેન્ટ માટેની ખાસ તાલીમ પદ્ધતિ યા તો કોર્સ સરકારે તૈયાર કરાવવા જોઈએ. આ કોર્સ કરનાર વ્યક્તિ જ મંદિરનો ટ્રસ્ટી બનવા માટે હકદાર બનવી જોઇએ. સામાન્યપણે વગદાર અને ધનિક લોકો જ મંદિરોમાં ટ્રસ્ટી બનતા હોય છે, જે મંદિરની એ.સી. ઓફિસોમાં બેસીને પોતાના ઓળખીતાઓને વીઆઇપી દર્શન કરાવતા રહે છે. જે-તે રાજ્યના શાસકોના મળતિયા પણ ટ્રસ્ટી તરીકે ગોઠવાઈ જતા હોય છે. અનેક શ્રદ્ધાળુઓનું માનવું છે કે મંદિરોમાં વીઆઇપી કલ્ચર પર પૂર્ણવિરામ લાગી જવું જોઈએ.
તિરૂપતિ મંદિરમાં થયેલી ધક્કામુક્કી પરથી બોધપાઠ લેવાની જરૂર છે. અગિયારસ કે પૂનમ સિવાયના દિવસોમાં, કે જ્યારે મંદિરમાં ભીડ ઓછી હોય, ત્યારે દર્શન કરવા જવાનું પસંદ કરવું જોઇએ. જો દર્શનાર્થીઓનો વધારે પડતો ધસારો હોય તો ભીડ વધારવાને બદલે થોડો સમય રાહ જોવી જોઈએ. દરેક રાજ્ય સરકારે દર્શનાર્થીઓની સલામતીની જવાબદારી લેવી જોઇએ. મંદિરોના વહીવટદારો પ્રત્યે રાખવામાં આવતી કૂણી લાગણી તેમને તુમાખીભર્યા બનાવી દે છે.