લઘુતમ જરૂરિયાતવાળી જીંદગી ટેન્શન ફ્રી અને વિવાદ ફ્રી રહે છે
- મેરી જરૂરીયાત હૈ કમ ઇસી લીયે મુઝમેં હૈ દમ
- પ્રસંગપટ
- આજકાલ મિનિમાલીઝમનો કોન્સેપ્ટ બહુ ચર્ચાઇ રહ્યો છે ગાંધીજીએ અપનાવેલી સાદાઇનું અનુકરણ કોઇએ કર્યું નથી
બહુ વખણાયેલી ફિલ્મ સિંઘમનો એક બહુ અભિમાન ઉપજાવતો ડાયલોગ છે કે મેરી જરૂરીયાત હૈ કમ ઇસી લીયે મુઝમેં હૈ દમ.. લોકોને ડાયલોગ સાંભળવાની મજા આવી પરંતુ તેનો મર્મ સમજતાં બહુ વાર લાગી. આજકાલ મિનિમાલીઝમનો કોન્સેપ્ટ બહુ ચર્ચાઇ રહ્યો છે. ઓન લાઇન કેટલાક લાકો તે સમજાવતા હોય છે. જીવનમાં જેટલી ચીજોની જરૂર છે એટલીજ ચીજો સાથે રહેવાનો આગ્રહ રાખવાને મિનિમા લીઝમ સાથે સરખાવાય છે. ટૂંકમાં લઘુત્તમ ચીજ વસ્તુઓ સાથે રહેવાની જરૂર છે.
નેટ ફ્લિક્સ પર મિનિમાલિઝમનો એપિસોડ જોનારાઓમાં જાગૃતિનો નવો પવન ફૂંકાઇ રહ્યો છે. ઉદાહરણ એવી રીતે અપાય છે કે જીવનમાં તમારે જેટલી ચીજોની જરૂર છે એટલીજ વસાવો. જો તમે વધુ ચીજો વસાવશો તો તેને સાચવવાની મથામણમાં શાંતિ ગુમાવી દેશો. તમારે શાંત લાઇફ અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો તમારી જીવનની જરૂરીયાત ઓછી રાખો.
સિમ્પલિસિટી અનેક લોકોમાં જોવા મળે છે.જોઇએ અટેલુંજ વસાવવું અને ખાઇ શકાય એટલુંજ ભાણામાં લેવાની સિસ્ટમ વર્ષોથી ચાલી આવે છે પરંતુ નવી આધુનિકરણની હવામાં આડેધડ વસાવવું અને એંઠુ મુકવાની પ્રથા જાણે અજાણે વિકસી છે. તાજેતરમાં એક બ્રહ્મ સમાજના સંમેલનમાં જોવા મળ્યું હતું કે જમ્યા પછી જ્યાં ડિશ મુકાતી હતી તે જગ્યા પર સમાજના અગ્રણીઓ ઉભા રહી ગયા હતા અને એંઠુ મુકનાર દરેકને ડિશ સાફ કરીને ખાઇ જવાની ફરજ પાડતા હતા. સજા રૂપે તેમની પાસે ડિશ પણ સાફ કરાવતા હતા. જે લોકો એંઠી થાળી મુકવા આવતા હતા તે શરમાઇને બધું ખાઇ જતા હતા અને પોતાની ભૂલ પણ સ્વિકારતા હતા. પડિયા પતરાળાની સિસ્ટમ હતી ત્યારે ગામના અગ્રણી બે પંગતની વચ્ચે ફરતા હતા અને એંઠું નહીં મુકવા જણાવતા હતા.
આજે ભલે નેટફ્લિક્સ પર મિનિમાઇઝેશનના વિડીયો સાંભળવા લોકો સમય ફાળવતા હોય પરંતુ આ વિષયને સાદાઇ સાથે સરખાવી શકાય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાદાઇનું પ્રતિક હતા. તે પોતાના કપડાં જાતેજ વણતા હતા. પેન્સિલનેા ટુકડો પણ તે સાચવીને વાપરતા હતા. આ એક અલગ વિભૂતિ હતી. ભારતના વડાપ્રધાનો (લાલ બહાદુર શાસ્ત્રી સિવાયના) રાજાશાહી ઠાઠથી જીવ્યા છે. જોકે રાષ્ટ્રપિતા ગાંધીજીએ અપનાવેલી સાદાઇનું અનુકરણ કોઇએ કર્યું નથી.
સાદાઇ અપનાવવી આસાન નથી. જ્યારે લોકો આધુનિક જમાનાના નવા વેવમાં ફરતા હોય છે ત્યારે કોલ્ડ ડ્રીંક્સ બોટલમાં થોડું બાકી રાખવું તેને પણ એટીકેટમાં ખપાવવામાં આવે છે. બૂફે ડિનરની પાછળ ગમતો અને જોઇતો ખોરાક વ્યકિગત સ્તરે લઇ શકાય એવો આશય હતો પરંતુ તે એંઠુ મુકવાની પ્રથાને પ્રોત્સાહન આપતી હોય એમ લાગે છે. દરેક બૂફે ડિનરમાં એંઠુ મુકવાની ફેેશન શરૂ થઇ હોેય એમ લાગે છે.
લઘુતમ જરૂરિયાત પર કરાયેલા કેટલાક પ્રયોગામાં એક એવો છે કે જરૂરીયાત વાળી આઇટમ ઉદાહરણ તરીકે રસોડામાં વપરાતી વાસણ જેવી ચીજોને એક બોક્સમાં ભરી દેવાઇ હતી. તેમાંથી જોઇતા પ્રમાણમાંજ ચીજો લેવાતી હતી. આ પ્રયોગો એક માસ માટે કરાયો તેના અંતે એવો ખ્યાલ આવ્યો હતો કે કેટલીક ચીજોની જરૂર તો મહિનામાં એક પણ વાર નહોતી પડી. એનો અર્થ એકે રસોડામાં તે વધારાની આઇટમ તરીકે છે. જેમને વસાવવાથી ખર્ચો વધેે છે અને ઘરમાં જગ્યા પણ રોકે છે.
જીવનમાં ઓછી ચીજોથી ચલાવી શકાય છે. વિદેશમાં કેટલાક તહેવારોમાં શોપિંગ મોલમાં કોઇ પણ ચીજ એક રૂપિયામાં કે મફતમાં મળતી હોય છે. તેમાં ટીવી અને વોશિંગ મશીન પણ હોય છે. લોકો આખી રાત બેસીને સ્ટોર ખુલે તેની રાહ જુએ છે . સવારે સ્ટોર ખુલતાંજ માલ માટે લૂંટફાટ મચે છે, લોકો મારામારી પર ઉતરી આવે છે.
આ લોકોના ઘેર આવી ચીજો હોયજ છે છતાં લાઇનમાં ઉભા રહીને મફત ચીજો લેવા દોડે છે. એક જ કામ માટેના વધુ મશીનો ઘરમાં જગ્યા રોકે છે અને ડસ્ટ વધારે છે. આપણે ત્યાં કાળી ચૌદશના દિવસે માત્ર જુની ચીજો બહાર મુકી દેવાનો કે ડસ્ટબીનમાં પધરાવવનો રિવાજ નથી પણ મનમાં ઘુસી ગયેલા જુના વિવાદોને પણ ચાર રસ્તે નાખી આવવાનો રિવાજ છે.
તત્વજ્ઞાાનીઓ કહે છે કે ખેતરમાં ખેડૂત નિંદામણ એટલા માટે કાપતો ફરે છે કે જેથી છોડને ઉછેરવામં કોઇ આડશ ઉભી ના થાય એમ લોકેા એ પણ ઘરમાં રહેલી બીનજરૂરી ચીજોને વારે તહેવારે ડસ્ટબીનમાં પધરાવીને ઘરને બીનજરૂરી ચીજોથી ફ્રી બનાવી દેવું જોઇએ. આમ કરવાથી મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટીવીટી પ્રવેશવાનો ચાન્સ રહે છે. લઘુતમ જરૂરિયાત વાળી જીંદગી ટેન્શન ફ્રી રહે છે, વિવાદ ફ્રી રહે છે અને નવા વિચારને પ્રવેશવાની તક આપે છે.