ચોખાનો સ્ટોક સંતોષજનક સપાટીએ અંકુશો દૂર કરવા ગોઠવાતો તખ્તો

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ચોખાનો સ્ટોક સંતોષજનક સપાટીએ અંકુશો દૂર કરવા ગોઠવાતો તખ્તો 1 - image


- પ્રસંગપટ

- ખેતમજૂરોની અછત સર્જાતાં ચોખાનું ડાયરેકટ વાવેતર 

- જોકે વિવિધ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓના કારણે અનાજ બજાર તથા ભાવ પર સરકારની બારીક નજર

દેશમાં અનાજ-બજાર તથા વિશેષરૂપે ચોખા બજાર અને ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો પલ્ટાતા જોવા મળ્યા છે. ખરીફ પાકના વાવેતરના આંકડા જે તાજેતરમાં બહાર આવ્યા છે એ આંકડા મુજબ આ વર્ષે ચોખા (ડાંગર)ના વાવેતર હેઠળનો વિસ્તાર વધ્યાના નિર્દેશો મળ્યા છે. 

ગયા વર્ષે ખરીફ પાકમાં ડાંગરના વાવેતરનો વિસ્તાર ૩૯૭થી ૩૯૮ લાખ હેકટર્સનો નોંધાયો હતો તે વિસ્તાર આ વર્ષે વધી ૪૦૦ લાખ હેકટર્સની સપાટી પાર કરી ૪૦૮થી ૪૦૯ લાખ હેકટર્સ તાજેતરમાં નોંધાયાના સમાચાર મળ્યા હતા. ઓગસ્ટ અંત સુધી આ પ્રાપ્ત થયેલા આંકડા વાવેતરના વિસ્તારમાં ૪થી ૫  ટકાની વૃદ્ધી બતાવતા હતા. ખરીફ પાકના ચોખા માટે સરકાર દ્વારા પ્રાપ્તી-ખરીદીનો ટારગેટ ૪૮૫ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. 

૨૦૨૪-૨૫ના માર્કેટિંગ વર્ષ માટે ઓકટોબરથી સપ્ટેમ્બરના ગાળા માટે આ ટારગેટ રાખવામાં આવ્યાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા. સરકાર દ્વારા ૪૬૩ લાખ ટન જેટલી ચોખાની ખરીદી આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં કરન્ટ મોસમ ૨૦૨૩-૨૪ માટે કરી લેવામાં આવી છે અને ઓકટોબરથી શરૂ થનારી નવી માર્કેટિંગ મોસમ માટે હવે આવી ખરીદીનો ટારગેચ વધારી ૪૮૫ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. 

૨૦૨૩-૨૪ની માર્કેટિંગ મોસમ માટે સરકારે ખરીફ પાકના ચોખાની ખરીદીનો ટારગેટ ૫૨૪થી ૫૨૫ લાખ ટનનો રાખ્યો છે જ્યારે રવિ પાકના ચોખાની આવી ખરીદીનો ટારગેટ ૧૦૧થી ૧૦૨ લાખ ટનનો રાખવામાં આવ્યો હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા. 

તાજેતરમાં કેન્દ્રના ફૂડ સેક્રેટરીએ હવે પછી થનારી ખરીદીની રૂપરખા નક્કી કરવા તાજેતરમાં  વિવિધ રાજ્યોના ફુડ સચિવો તથા એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ટોચના અધિકારીઓ સાથે મિટિંગ કરી ચર્ચા વિચારણા કરી આ વિષયક તખ્તો ગોઠવ્યાના સમાચાર મળ્યા હતા. સરકાર પાસે ચોખાનો જથ્થો હવે સંતોષકારક બન્યો છે.

આ વર્ષે સરકારે ઘઉં-ચોખા ઉપરાંત શ્રીઅન્ન-મિલેટની ખરીદી પર પણ વિશેષ લક્ષ આપવાનું નક્કી કર્યાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા. દરમિયાન, ૨૦૨૩-૨૪ની ખરીફ મોસમ માટેની ચોખાની સરકારી ખરીદી જૂનના અંતે પુરી થઈ ગઈ છે તથા આ ગાળામાં આવી ખરીદી ૬થી ૭ ટકા ઘટી છે જે તે પૂર્વના પાછલા વર્ષમાં ૪૯૫થી ૪૯૬ લાખ ટન થઈ હતી. 

સરકારે પ્રજાકિય વિવિધ રાહત યોજનાઓ ચાલુ રાખવા વાર્ષિક ધોરણે ૪૦૦થી ૪૧૦ લાખ ટન ચોખાની જરૂર પડે છે. સરકાર પાસે ચોખાનો સરપ્લસ સ્ટોક આશરે ૧૭૦થી ૧૮૦ લાખ ટનનો મનાય છે. આ સ્ટોકમાંથી સરકારે ચોખાનું વેંચાણપણ ઓક્શન મારફત ટ્રેડરોને કરવાનું શરૂ કર્યું છે તથા ઈથેનોલના ઉત્પાદન માટે પણ સરકારે ૨૨થી ૨૩ લાખ ટન ચોખા ફાળવવાનું નક્કી કર્યું છે. દરમિયાન,સરકાર હવે  ચોખાની નિકાસ પરના વિવિધ અંકુશો હવે ક્યારે દૂર કરે છે તેના પર બજારની નજર આ લખાય છે ત્યારે રહી હતી. 

દરમિયાન, દક્ષિણ ભારતમાં આંધ્ર તથા તલંગણામાં ચોખા ઉગાડતા ખેતરોમાં તાજેતરમાં ખેતમજૂરોની અછત સર્જાતાં ઘણા ખેડૂતો હવે ચોખાનું ડાયરેકટ વાવેતર કરતાં થયાના સમાચાર પણ મળ્યા હતા. હવે  ત્યાંના ખેડૂતો પોતે વેટ-ડ્રમ સીડીંગ તથા ડ્રાય-ડાયરેકટ સીડ રાઈસના વાવેતરની નીતિ અપનાવતા થયા છે. 

આ પૂર્વે ત્યાં નર્શરી ગ્રો કરીને પછી સીડલીંગ પ્લાન્ટ કરવાની પરંપરા અનુસરવામાં આવતી હતી પરંતુ હવે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ત્યાં આ વર્ષે ખેતમજૂરોની અછત સર્જાતાં ખેત મજૂરોની મજૂરીના દર પણ ખાસ્સા ઉંચા ગયાના વાવડ મળ્યા હતા. 

ત્યાં નવી પદ્ધતિના વાવેતરમાં આશરે ૮થી ૧૦ લાખ એકર્સનો વિસ્તાર સમાવાયો હોવાની જાણકારી મળી હતી. તાજેતરમાં પંજાબ રાઈસ ઈન્ડસ્ટ્રી એસોસીએશનના પ્રતિનિધિઓ દિલ્હી  જઈ ફૂડ મિનિસ્ટરને મળ્યા હતા અને સ્ટોરેજ ક્ષમતા વધારવા સહિતની વિવિધ માગણીઓ રજૂ કરાયાના સમાચાર હતા. દરમિયાન, કેન્દ્ર સરકારે વિતેલા વર્ષમાં સપ્ટેમ્બરમાં ચોખાની નિકાસ પર વિવિધ અંકુશો લાદયા હતા જેમાં નિકાસ ડયુટીનો પણ સમાવેશ કરાયો હતો. 

આ વાતને એક વર્ષ થઈ ગયું છે અને હવે નિકાસ અંકુશો ટૂંકમાં દૂર થશે એવાં સંકેતો વહેતા થયા છે. જો કે વિવિધ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓ વચ્ચે અનાજ બજાર પર સરકારની બારીક નજર રહી છે.

Prasangpat

Google NewsGoogle News