ભારતમાં 17 મિલિયન ડેવલપર્સ AI ક્ષેત્રે વધુ સંશોધનો માટે પ્રયાસ
- ભારતમાં 30,594 જેટલા AI પ્રોજક્ટ્સ
- પ્રસંગપટ
- માઇક્રોસોફ્ટનું ત્રણ અબજ ડોલરનું રોકાણ AI ક્ષેત્રે બૂસ્ટ સમાન સાબિત થઇ શકે છે
માઇક્રોસોફ્ટે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે ત્રણ અબજ ડોલર રોકવાની જાહેરાત કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઇ, AI) ક્ષેત્રે ભારતને મોટી છલાંગ મારવા માટે આ નાણું અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. AI ક્ષેત્રે એક કરોડ લોકોને તાલીમ આપવી તે પણ બહુ મહત્ત્વનું કદમ બની રહેશે. AI સ્કિલ ડેવલપમેન્ટની ભારતને ખૂબ જરૂર છે. AIને કારણે અનેક કંપનીઓમાં જોબ કપાશે તે વાત હવે ઠગારી લાગે છે, કેમ કે કંપનીઓમાં વર્તમાન કર્મચારીઓને AIની તાલીમથી અપડેટ કરવામાં આવશે અને લાગતાવળગતા સૌને રિફ્રેશમેન્ટ કોર્સ કરાવવામાં આવશે.
ભારત વિશ્વનું ચીપ મેકિંગ હબ બનવા માટે પ્રયાસો કરે છે. તે માટેનાં રોકાણો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પરંતુ તે માટે આવશ્યક AI સ્કિલ્ડ લેબરનો અભાવ છે. ૨૦૨૬માં માઇક્રોસોફ્ટનું ચોથું ડેટા સેન્ટર શરૂ થઇ જશે. માઇક્રોસોફ્ટની રીસર્ચ લેબ પણ તે સમય દરમ્યાન શરૂ થઇ જવાની છે.
GitHub પર હાલ ૧૭ મિલિયન ભારતીય ડેવલપર્સ છે. ડેવલપર્સની સંખ્યાની બાબતમાં અમેરિકા પછી ભારત બીજા નંબરે છે. ૨૦૨૮માં વિશ્વમાં સૌથી વધુ ડેવલપર્સ ભારતમાં હશે એમ માનવામાં આવે છે. જ્યાં ડેવલપર્સ વધુ હાય ત્યાં AIને વિકસવાનો ચાન્સ વધુ રહે છે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ કહ્યું હતું કે ભારતમાં ૩૦,૫૯૪ જેટલા AI પ્રોજક્ટ્સ આકાર લઈ રહ્યા છે. AIનો સ્વીકાર કરવામાં અને નવા પ્રોજેક્ટ્સનો અમલ કરવામાં ભારત મોખરે છે. વિશ્વમાં ૭૧ ટકાના દરે જુદા જુદા પ્રોજક્ટ્સમાં AIનો સમાવેશ થઇ રહ્યો છે, જ્યારે તે દર ભારતમાં ૧૨૨ ટકાનો છે, જે દર્શાવે છે કે ભારતમાં AIનો અમલીકરણ વધુ ઝડપે થઇ રહ્યું છે. ભારતમાં AI આધારિત પ્રોજેક્ટ્સ માટે તાલીમબધ્ધ થવા કર્મચારીઓ પોતાના કુલ સમયના ૫૦ ટકાથી વધુ સમય આપે છે.
ભારતમાં વિવિધ ક્ષેત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ દ્વારા ટ્રાન્સફોર્મ થઇ રહ્યાં છે. તેમાં હેલ્થ કેર, ફાયનાન્સ અને શિક્ષણ ક્ષેત્ર મુખ્ય છે. AIના રીસર્ચ અને ડેવલપમેન્ટ પર ભારત ભાર આપી રહ્યું છે. AI સ્ટાર્ટઅપ અને કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને AI સાથે સાંકળવા માટે કેબિનેટે ૧૦,૩૦૦ કરોડનું ઇન્ડિયા AI મિશન એપ્રૂવ કર્યું છે. ભારતમાં AI ઇકો સિસ્ટમ ઊભી કરવા માટે આ મિશન પરિણામ કારક સાબિત થશે એવું જણાય છે.
ઇન્ડિયા AI કમ્પ્યુટ કેપેસીટી, ઇન્ડિયા AI ઇનોવેશન સેન્ટર (IAIC), ઇન્ડિયા AI ઇનેાવેશન સેન્ટર, ઇન્ડિયા AI ડેટાબેઝ પ્લેટફોર્મ, ઇન્ડિયા AI એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇનિશિયેટીવ, ઇન્ડિયા AI ફ્યુચર સ્કિલ, ઇન્ડિયા AI સ્ટાર્ટઅપ ફાયનાન્સ જેવી યોજનાઓ ભારતની AI ક્ષમતા વધારી શકે તેમ છે. ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓ - ટાટા કન્સલ્ટન્સી અને ટીસીએસ - તેમના કર્મચારીઓને AI અને જનરેટીવ AI સંબંધિત જ્ઞાાન માટે સુસજ્જ કરવા અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહી છે. ટીસીએસ કંપની ઝોન ઊભાં કરવાનું નક્કી કર્યું છે, જે દેશના જુદા જુદા ભાગોમાં એન્જિનીયરો અને અને અન્ય જિજ્ઞાાસુઓને AI તેમજ જનરેટીવ AIનો કેવી રીતે ઉપયોગ કરવો તે સમજાવશે.
ભારતમાં ઘણાં સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. તેમને ફંડીંગ પણ મળી રહ્યું છે. ઓટો ક્ષેત્રે આવા સ્ટાર્ટઅપને સફળતા મળી રહી છે. પ્રાઇવેટ કંપનીઓ AI એન્જિનીયરો નીમી રહ્યા છે. દેશની પાંચ જેટલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ ૨૦૨૫ના પહેલાં ત્રણ માસમાં ૫,૦૦૦ સુપર સ્કિલ્ડ પ્રોફેશનલ તૈયાર કરશે, જે પછી ટયુટર તરીકે કામ કરીને રીફ્રેશમેન્ટ કોર્સ શરૂ કરી શકશે. ભારતની આઇટી કંપનીઓ ક્લાઉડ આધારીત બિઝનેસ યુનિટો ઊભાં કરીને તેમના કર્મચારીઓને તૈયાર કરશે.
જે રીતે ભારતની આઇટી કંપનીઓ AIના ઉપયોગ માટે તૈયાર થઇ રહી છે તે જોતાં એમ લાગે છે કે માઇક્રોસોફ્ટનું ત્રણ અબજ ડોલરનું રોકાણ બૂસ્ટ સમાન સાબિત થશે. ૨૪ લાખ લોકોને ટ્રેનિંગ આપી ચૂકેલું માઇક્રોસોફ્ટ આ સંખ્યા વધારશે ત્યારે ભારતની આઇટી કંપનીઓ પણ ટ્રેનિંગ માટેનો વ્યાપ વધારશે. ભારત AIની બસ ચૂકી ગયું છે તેવો ડર વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે આ તમામ પ્રયત્નો સામૂહિકપણે આ ડર વત્તેઓછે અંશે આ ડર દૂર કરી શકશે તેવી આશા જરૂર જાગે છે.