ટ્રમ્પ ટેરિફના ડર વચ્ચે આર્થિક તંત્રને સ્થિર રાખવાના પ્રયાસો
- સરકાર બાદ બાદ હવે સેન્ટ્રલ બેંકનું પ્રેરકબળ
- પ્રસંગપટ
- ભારતના અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા સંરક્ષણવાદની નીતિ સાથે ભારત સરકાર અને RBIનો ડબલ બૂસ્ટર ડોઝ
ભારતીય અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે અને તે બાહ્ય પડકારો ઝીલી શકે તે માટે તેને આંતરિક રીતે સક્ષમ કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા વ્યાજદરમાં પાંચ વર્ષ બાદ પા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ શુક્રવારે સમાપ્ત થયેલ મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયો જણાવતાં રેપો રેટ પચ્ચીસ બેસિસ પોઈન્ટ ઘટાડીને ૬.૨૫ ટકા કર્યો છે. કોરોના મહામારીના આગમન સાથે અર્થતંત્રને કપરાકાળમાં સપોર્ટ આપવા માટે આરબીઆઈ છેલ્લે મે, ૨૦૨૦માં વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડયા હતા.
કોવિડ-૧૯ના બે તબક્કા બાદ મોંઘવારીએ દુનિયાભરમાં માઝા મૂકી હતી તેથી વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું હતુ. અમેરિકન ફેડરલ રિઝર્વ, ઈસીબી, જાપાનની સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં તબક્કાવાર વધારો કર્યા બાદ ૨૦૨૪ના મધ્યથી વ્યાજદર ઘટાડવાની શરૂઆત પણ કરી હતી, પરંતુ ભારતની મધ્યસ્થ બેંક - આરબીઆઈએ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી હતી. અનેક દબાણો છતા મોંઘવારી જ્યાં સુધી કાબૂમાં ન આવે અને દેશનું અર્થતંત્ર ફરી પાટે ન ચડે ત્યાં સુધી આરબીઆઈએ વ્યાજદર પકડી રાખ્યા હતા.
ગઈ કાલે ૭ ફેબ્રુઆરીએ કરેલો ઘટાડો એ આરબીઆઈ દ્વારા છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં થયેલો ફેરફાર છે. અગાઉ રિઝર્વ બેંકે ફેબ્રુઆરી, ૨૦૨૩માં વ્યાજદર ૦.૨૫ ટકા વધારીને ૬.૫ ટકા કર્યા હતા. આરબીઆઈની છેલ્લાં પાંચ વર્ષની અનેક પડકારો ભરેલી આ સફર દર્શાવે છે કે અત્ર-તત્ર જોયા વગર માત્ર દેશના અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસ માટે શું જરૂરી છે તે મુજબના જ પગલાં લેવાયાં છે. આરબીઆઈએ ઈન્ફલેશન ૪ ટકાના અંદાજની નજીક પહોંચવાની અને બાદમાં અર્થતંત્રને ટેકો આપવા વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવ્યા બાદ હવે જ્યારે અર્થતંત્રને ખરેખર જરૂર છે ત્યારે સરકારની સાથે તાલથી તાલ મિલાવીને વ્યાજદરમાં ઘટાડો કરી લાંબાગાળાના વિકાસને વેગ આપવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રિય બજેટ ૨૦૨૫-૨૬માં નાણામંત્રી નિર્મલા સીતારામને ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર કરતાં અર્થતંત્રમાં વધારાની ૧ લાખ કરોડની રોકડ ઈન્ફયુઝ થવાનો અંદાજ છે. આમ સરકાર પણ અર્થતંત્રને હવે આંતરિક રીતે સુદ્રઢ કરવા માટે શક્ય તમામ પગલાં લઈ રહી છે, ત્યારે આરબીઆઈનું આ પગલું રોકેટે ગતિએ અર્થતંત્રને આગળ વધારી શકે છે. મોદી સરકારે આગામી વર્ષ માટે મૂડી ખર્ચમાં અગાઉનાં વર્ષોની અપેક્ષાએ ઓછી વૃદ્ધિનો અંદાજ મુકતાં હવે ખાનગી રોકાણના જોરે સામૂહિક રીતે દેશના ભવિષ્ય નિર્માણ માટેની તૈયારી કરવી જરૂરી બની છે.
સારા વરસાદ બાદ હવે રવિ પાકના વાવેતરની મજબૂત ગતિએ કૃષિ સેક્ટરને પણ ડ્રાઈવર સીટમાં મુકવામાં આવ્યું છે. કૃષિ સેક્ટર વધવાની સાથે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ ઝડપી બનશે અને આરબીઆઈનો વ્યાજદર કાપનો નિર્ણય શહેરી વિકાસને બળ પુરૃં પાડશે. આમ આરબીઆઈ અને સરકાર સાથે મળીને દેશના વિકાસને ફરી ટોચે લઈ જવા માગે છે તેમ છેલ્લા બે સપ્તાહના નિર્ણયો પરથી વર્તાય છે.
ભારત માટે હાલ આંતરિક કરતાં બાહ્ય પડકારો વધારે આકરા છે. આ પડકારો આરબીઆઈના તાબા હેઠળના નથી, તેથી તે એની પર અંકુશ લાદી શકાશે નહીં, પરંતુ આગામી સમયના સંભવિત પડકારોનો સામનો કરવા માટે અર્થતંત્રને અત્યારથી જ મજબૂતી આપીને તૈયાર કરવા માટે આરબીઆઈ દ્વારા વ્યાજદરકાપનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ આરબીઆઈના ગર્વનર સંજય મલ્હોત્રાએ સ્વીકાર્યું હતું.
વૈશ્વિક દેશોની સંરક્ષણવાદની નીતિ અને ટ્રમ્પના ટેરિફ વોરની અસરથી ભારતની માંગને અસર થઈ શકે છે. આ નકારાત્મક અસરને ઓછી કરવા માટે, અર્થતંત્રને 'અંદરથી' મજબૂત કરવા માટે વ્યાજદર ઘટાડીને જનતાના હાથમાં વધુ પૈસા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અર્થશાસ્ત્રીઓના મતે રેટ કટની સાથે દેશની આંતરિક માંગ વધશે, લોકોનું લોનનું વ્યાજનું ભારણ ઘટશે, બિઝનેસ ઈન્ડસ્ટ્રીની બેલેન્સશીટ હળવી બનશે, વિસ્તરણ અને કારોબાર માટે વધુ પૈસા મળશે તેવો આશવાદ વ્યકત કરાયો છે. આ સાથે અપેક્ષા સેવવામાં આવી છે કે મસમોટું રોકાણ અને જોખમ માગી લેતા રિયલ્ટી સેક્ટરને આ વ્યાજદર કાપથી મોટો બૂસ્ટર ડોઝ મળશે, વધી રહેલી ઈન્વેન્ટરી ઝડપથી ખાલી થશે અને દેવાનો બોજ ઘટશે.
ભારત હાલ ટ્રમ્પના ટેરિફ વોર માટેના હિટ લિસ્ટમાં સામેલ તો છે જ. કેનેડા, ચીન, હોંગકોંગ, મેક્સિકો પર ઈમ્પોર્ટ ડયુટી લાદ્યા બાદ હવે ભારત અને યુરોપિયન દેશો ટ્રમ્પના નિશાને છે, પરંતુ પીએમ મોદીની આગામી સપ્તાહની અમેરિકામાં ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ભારત તરફથી નમતું જોખાય છે કે નહીં તેના આધારે ટ્રમ્પ કડકાઈ દાખવી શકે છે.