ટ્રમ્પ કેનેડાને લાલ આંખ દેખાડે અનેે ચૂપ કરી દે તેવી શક્યતા
- ટ્રમ્પ, ટ્રુડો અને ટાર્ગેટ ઇન્ડિયા
- પ્રસંગપટ
- સત્તા પર ટકી રહેવા ટ્રુડો જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે
અમેરિકાના ચૂંટણી યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે. તેમની ભારત-તરફી નીતિઓ દેખીતી રીતે જ આપણા માટે અનુકૂળ માહોલ સર્જશે. ટ્રમ્પ સત્તા પર આવતાં જ અમેરિકાની ભારતવિરોધી લોબી ઘાંઘી થઈ ગઈ છે. ખાસ તો, કેનેડામાં ચાલતી ભારતવિરોધી ઉછળકૂદ પર પણ બ્રેક લાગી જશે તે નક્કી છે.
ખાલિસ્તાની ત્રાસવાદી હરદીપસિંહ નિજ્જરનો પ્રભાવ જુઓ કે મર્યા પછી પણ ભારત અને કેનેડા વચ્ચેના સુમેળભર્યા સંબંધોને તોડી શક્યો છે. કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો એ હદે વણસ્યા છે કે હવે કેનેડામાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓને પાર્ટ-ટાઇમ નોકરી મેળવવાના ફાંફા પડી ગયા છે. ભારતમાં વસતા તેમના વાલીઓ ચિંતાતુર છે.
વર્ષોથી કેનેડામાં રહેતા ભારતીયો માટે પણ કેનેડાની સરકાર ચિંતા ઉપજાવે તેવા નિર્ણયો કરી રહી છે. કેનેડાના મામલામાં સાથે ભારતે આખરે 'જેવા સાથે તેવા'નું હથિયાર પણ ઊગામવું પડયું છે.
હરદીપસિંહ નિજ્જર માટે આંસુ સારનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડો ક્યારે કઇ દિશામાં ધૂણશે તે કોઇ જાણી શકતું નથી. કેનેડામાં મંદિરો પર હુમલા કરનારા અને હિંદુ ભક્તોને લાકડીઓથી ફટકારનારા ખાલિસ્તાનવાદીઓ પર વિશ્વભરમાંથી ફિટકાર વરસી રહ્યો છે. કેનેડા જેવા દેશમાં ખાલિસ્તાનવાદીઓ જાહેરમાં મારપીટ કરે ત્યારે એ દેશના વડાપ્રધાનની નીતિઓ પર શંકા ગયા વગર ન રહે. મંદિરોમાં ભક્તો સાથેના મારપીટ થઈ ત્યારે ત્યાં હાજર પોલીસો પર પગલાં લેવાં જેવી અર્થહીન કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેનાથી મદિરમાં જતા ભક્તોનો, અથવા કહો કે સ્થાનિક હિંદુઓનો ભરોસો જીતી શકાય એમ નથી.
હરદીપસિંહ નિજ્જરને કેનેડાની સરકારે હીરો બનાવી દીધો છે. એને સંત તરીકે ચીતરવાના કેનેડાની સરકારના પ્રયાસ પાછળ સત્તા ટકાવી રાખવાનો કારસો છે. ટ્રૂડોએ એક ડગલું આગળ વધીને જ્યારે એમ કહ્યું કે ગહપ્રધાન અમિત શાહ ચંંચુપાત કરી રહ્યા છે ત્યારે ભારતે સખત શબ્દોમાં કેનેડાની સરકારની ઝાટકણી કાઢી હતી અને કેટલા કેનેડિયન ડિપ્લોમેટ્સની હકાલપટ્ટી કરી હતી. વૈશ્વિક રાજકારણના અભ્યાસુઓ કહે છે કે ભારતે ચીન સાથે સંબંધો સુધારવા જે પ્રયાસ કર્યા તેની પાછળ પણ કેનેડા અને અમેરિકામાં ધમધમતી ભારતવિરોધી લોબી કારણભૂત છે. ભારતવિરોધી લોબીએ કલ્પ્યું પણ નહોતું કે ચીન સાથે ભારતના સંબંધો સુધરશે અને સરહદેથી બંને દેશો સેનાને પાછળ હટાવવામાં આવશે.
ભારતની પ્રગતિથી આ લોબી છંછેડાયેલી છે. વૈશ્વિક રાજકીય નિષ્ણાતોનો માનવું છે કે લગભગ ફેંકાઇ ગયેલા ખાલિસ્તાની ત્રાસવાદને ફરી જગાડવાનું મોટું કાવત્રું કરાયું છે અને જસ્ટીન ટ્રૂડો સત્તા ટકાવી રાખવાની લાલચમાં તેનો જાણે-અજાણે શિકાર બની ગયા છે.
કેનેડાના મંદિરોમાં ઘૂસીને દર્શન કરવા આવનારાઓને ફટકારવાની ઘટનાનો જસ્ટીન ટ્રૂડોએ વિરોધ કર્યો છે, પરંતુ સૌ જાણે છે કે ટ્રૂડોએ ખાલિસ્તાન-તરફીઓએ આપેલા છૂટા દોરનું આ પરિણામ છે. કેનેડામાં હિંસાચારને દોર શરૂ થવાની સંભાવના જોવામાં આવી રહી છે.
કેનેડાના વડાપ્રધાનના રાજીનામાની માંગ હવે મંદિરો પર થયેલા હુમલા બાદ તીવ્ર બની છે. કેનેડામાં ખાલિસ્તાન તરફી રાજકીય પક્ષો જોર કરી રહ્યા છે, એટલેસ્તો નિજ્જર જેવા ક્રિમિનલની આરતી ઉતારવામાં આવે છે. મંદિરોને ટાર્ગેટ એેટલા માટે બનાવાય છે કે તેાફાનીઓ ભારતને પોતાની તાકાતનો સંકેત આપી શકે.
મંદિરો પર હુમલાની ઘટના બની પછી સ્થાનિક હિંદુઓ રસ્તા પર ઉતરી આપવ્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ટ્રૂડો જાણે છે કે નિજ્જરના કેસમાં કાચું કપાયું છે, પરંતુ સત્તા પર ટકી રહેવા માટે એ આંખ આડા કાન કરી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે ચાલતી પડદા પાછળની વાતો અનુસાર કેનેડાને અમેરિકાની ભારતવિરોધી લોબીનો ટેકો છે. કેનેડાએ ખાલિસ્તાની ત્રાસવાદને ટેકો આપીને પોતાના દેશની શાંતિ ડહોળવાના પગલાં ભર્યા છે. આ બેલ મુજે માર તે આનું નામ.