યુનિયન કાર્બાઇડના ઝેરી ગેસનો વેસ્ટ દૂર કરવાના પ્રયાસ અતિ જોખમ
- 337 મેટ્રીક ટન વેસ્ટ દૂર કરાયાના દાવાને પડકાર
- પ્રસંગપટ
- ઝેરી રસાયણોના મલબાને છંછેડવાના બદલે કેમિકલ પ્રોસેસ કરીને તેને અસરવિહોણો બનાવવો જોઇતો હતો
૧૯૮૪માં દુર્ધટનાના પહેલાં જ દિવસે ૪૦૦૦ લોકોનો કોળિયો કરી જનાર ભોપાલ ગેસ દુર્ઘટનાનું ભૂત હજુ બોટલમાં પૂરેપૂરું કેદ થયું હોય એમ લાગતું નથી. વિદેશની કંપનીઓ સામે લાચાર બની જતી ભારત સરકાર સામે ફરી એક વાર યુનિયન કાર્બાઇડ કંપનીનો પડકાર ઊભો થયો છે. છેલ્લાં ૪૦ વર્ષથી જે કેમિકલ વેસ્ટનો મલબો એટલે કે કદડો (સેમી-સોલિડ કેમિકલ) ભોપાલની સાઇટ પર પડી રહ્યો હતો, જેને દૂર કરવાની કામગીરીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
ટીકાકારોના મતે આ મલબો નથી, પણ ઝેરી ગેસનો પહાડ છે. આ કેમિકલ વેસ્ટ સેમી સોલીડ હોવાથી તે એક પ્રકારનો કાદવ બની ગયો છે. મધ્યપ્રદેશની સરકારે એવો દાવો કર્યો હતો કે મલબો શિફ્ટ થઇ ગયો છે, પરંતુ સ્થાનિક લોકો અને પર્યાવરણના રક્ષકો કહે છે કે સરકાર ગપ્પાબાજી ચલાવે છે, કેમ કે ભોપાલની સાઇટ પર હજારો ક્વિન્ટલ મલબો પડેલો છે. પર્યાવરણના રક્ષકોએ મધ્યપ્રદેશની સરકારને ચેતવી હતી કે આ મલબો દાટી શકાય એમ નથી કે સળગાવી શકાય એમ નથી. તેને કેમિકલ પ્રોસેસ કરીને ન્યૂટ્રલ એટલે કે અસરવિહોણો બનાવવો જોઇએ.
પરંતુ સરકારે મલબો હટાવવામાં થોડી ઉતાવળ કરી નાખી છે. આ કદડામાં રહેલું ઝેરી દ્રાવણ ધીરેધીરે જમીનમાં ઉતર્યું છે. છેલ્લાં ૪૦ વર્ષ દરમિયાન વરસાદના પાણીની સાથે મલબાનું પ્રવાહી પણ જમીનમાં ઉતર્યું છે. એેટલે જ યુનિયન કાર્બાઇડની ફેક્ટરીની જગ્યા ફરતે આવેલાં ખેતરોની ફળદ્રૂપ જમીનનો નાશ થયો છે. ત્યાં હવે બાવળીયા સિવાય બીજું કશુંજ ઉગતું નથી.
મધ્યપ્રદેશની સરકારના જણાવ્યા અનુસાર યુનિયન કાર્બાઇડના કમ્પાઉન્ડમાં ૩૩૭ મેટ્રીક ટન વેસ્ટ પડયો છે. એક અંદાજ પ્રમાણે એક સિક્સ-વ્હીલ ટ્રકમાં ૧૫ મેટ્રીક ટન કેમિકલ વેસ્ટ લઇ જઇ શકાય છે. એટલે ૩૩૭ મેટ્રીક ટન મલબો ખસેડવા ૨૨થી ૨૫ ટ્રકો જોઇએ અથવા તો ઓછી ટ્રકો હોય તો તેના વધુ ફેરા કરવા પડે.
સરકાર કહે છેકે તેને ખાસ પ્રકારના લીક-પ્રૂફ અને આગ ન લાગે તેવા ૧૨ કન્ટેનરમાં પીથમપુર લઇ જવામાં આવશે એમ જણાવાયું હતું. એક ટ્રકમાં ૩૦ ટન માલ ભરવમાં આવ્યો હતો. ૧૦૦ જેટલા કામદારો તે પ્રોસેસમાં જોતરાયા હતા.૧૦૦૦ પોલીસ ઓફિસરો પણ કામે લગાડાયા હતા. સાથે ડોક્ટરોની ટીમ પણ હતી. આ બારેય કન્ટેનર કલાકના ૫૦ કિલોમીટરની સ્પીડે આખી રાત આગળ વધ્યો હતો. આટલો મોટો રસાલો જોવા લોકો ઊભા રહી જતા હતા. આ ટ્રકોને પીથમપુર પહોંચતા પહેલાં ભોપાલ, શિહોર, દેવાસ અને ઇન્દોરમાંથી પસાર થવાનું હતું. આખો રસ્તો માનવવસ્તીથી ભરચક હતો થતાં સરકારે ઝેરી મલબો શિફ્ટ કરવાનું આંધળું સાહસ કર્યું હોવાનો આરોપ થઇ રહ્યો છે.
બીજી ડિસેમ્બર ૧૯૮૪ના રોજ યુનિયન કાર્બાઇડના પ્લાંટમાંથી મિથાઇલ આઇસોસાઇનેટ ગેસ લીક થયો હતો, જેમાં કુલ ૧૫,૦૦૦ લોકોના મોત થયા હતા અને ૬૦,૦૦૦ જેટલા લોકોને તેની અસર થઇ હતી. યુનિયન કાર્બાઇડ પ્લાન્ટમાંથી લીક થયેલો ગેસ એટલો ખતરનાક હતો કે તેની અસર લાંબા સમય સુધી રહી હતી અને કિડની-ફેફસાના રોગીઓ વધ્યા હતા. પ્રેગનન્ટ મહિલાઓને મૃત બાળક અવતાર્યા હતા. મલબાના પાણીમાં કેન્સરજન્ય તત્ત્વો જોવા મળ્યાં હતાં.
પર્યાવરણના નિષ્ણાતો કહે છે કે ઝેરી કેમિકલના મલબાને છંછેેડવા જેવો નહોતો, કેમ કે તેમાં રહેલાં ઝેરી રસાયણો ફરી એક્ટિવ થઇ શકે છે. તેન બદલે મલબાનો કેટલોક ભાગ કાઢીને તેને કેમિકલ પ્રોસેસથી ન્યૂટ્રલ બનાવવો જોઇએ.
યુનિયન કાર્બાઇડ કંપનીમાં પડી રહલોે કેમિકલ વેસ્ટ-મલબો ન્યૂટ્રલ કરવાનો ખર્ચ યુનિયન કાર્બાઈડની મેઇન કંપની ડાઉ કેમિક્લસ પાસેથી વસૂલ કરવાની જરૂર હતી. યુનિયન કાર્બાઇડ ગેસ લીકથી અસર પામેલાઓના હક માટે લડતી સંસ્થાઓ કહે છે કે ૩૩૭ ટન મલબો દૂર કરવાનો દાવો કરી રહેેલી મધ્યપ્રદેશની સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.