અમેરિકા કરતાં ભારતમાં ઘૂસેલાઓ વધુ સવલતો અને સુરક્ષા ભોગવે છે
- ભારતમાં ઘૂસેલાં તત્ત્વો સામે આકરાં પગલાં ક્યારે લેવાશે?
- પ્રસંગપટ
- મેક્સિકો સરહદેથી ઘૂસનારાઓએ સપનું બતાવવામાં આવ્યું હોય છે કે એક વાર અમેરિકા પહોંચી જાવ, પછી જલસા જ જલસા છે
ઘૂસણખોરી કરીને અમેરિકામાં રહેનારા કરતાં ભારતમાં ઘૂસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશીઓઓ અને રોહિંગ્યાઓ વધુ સુખી છે. ભારતમાં ઘૂસતા બાંગ્લાદેશીઓ કે મ્યાનમારના રોહિંગ્યાઓ કોઈ રોકટોક વિના ભારતના કોઇ પણ શહેરમાં નાનોમોટો છૂટક ધંધો કરી શકે છે. જો એ પકડાય તો તેને છોડાવવા વકિલો ઉપલબ્ધ હોય છે, તેને ખોટી રીતે પકડયો છે એમ કહીને તેનો બચાવ કરનારો એક વર્ગ તાત્કાલિક ઊભો થઇ જાય છે. આવા ઘૂસણખોરોને બાપડા-બિચ્ચારા કહીને તેમનો પોષતો વર્ગ પણ છે.
આ બાજુ, અમેરિકામાં ઘૂસવામાં સફળ થનારા ભારતીયો માટે પહેલા દિવસથી જ નર્ક જેવો માહોલ શરૂ થાય છે. નથી તો તેને આસાનીથી રહેઠાણ મળતું કે નથી એ પેટનો ખાડો પૂરી શકતો. પંજાબ અને હરિયાણાના લોકોને ટ્રાવેલ એજન્ટોએ બહુ મોટાં સપનાં બતાવીને તેમના લાખો રૂપિયા પડાવી લીધા હોય છે. મેક્સિકો સરહદેથી ઘૂસનારાઓને સપનું બતાવાય છે કે એક વાર અમેરિકા પહોંચી જાવ પછી જલસા જ જલસા છે. મેક્સિકો સરહદેથી અંદર ઘૂસાડી આપતા એજન્ટોને એડવાન્સ પૈસા આપવા પડે છે. ગેરકાયદે જનારાઓ એવી ભ્રમણામાં જીવતા હોય છે કે એકવાર ઘૂસી ગયા પછી ધીરે ધીરે બધું થાળે પડી જશે, પરંતુ એવું ૂબનતું નથી. તેમની પાસે પોતાને માથા પર છત અને કામધંધો આપનારા સંભવિત લોકોનાં નામ-સરનામાં તો હોય છે, પણ તેઓ મોં ફેરવી લેતા હોય છે.
કેટલાક ઘૂસણખોરોના નજીકના સંબંધી અમેરિકામાં વસતા હોય છે, પરંતુ ગેરકાયદે પ્રવેશેલા માણસની બાજુમાં ઊભો રહેવા એનો સગો ભાઇ પણ ઊભો ન રહે, તેવું બને. એનું કારણ એ છે કે ગેરકાયદે ઘૂસી આવેલી વ્યક્તિને આશરો આપનાર નાગરિક સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે. અમેરિકામાં અનેક ભારતીય સંગઠનો છે. તેઓ પોતાના સભ્યોને સ્પષ્ટ સલાહ આપે છેકે ગેરકાયદે આવેલા કોઈ ઘૂસણખોરને તમારા ઘરમાં રાખતા નહી.
ગેરકાયદે ઘૂસણખોરીના પાપે અમેરિકાથી તગેડી મૂકવામાં આવેલા લોકો આજે આપણે ત્યાં ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોની જીંદગી નર્ક સમાન બની જતી હોય છે. છૂપાઇ-છૂપાઇને, ડરીડરીને રહેવાનું, લોકોનું હડે હડે સાંભળવાનું અને પેટ ભરવા માટે કોઇ પણ નીચા સ્તરનું કામ કર્યા કરવાનું. આટલું જાણે ઓછું હોય તેમ વતનમાં ફોન કરીને જુઠ્ઠું બોલવાનું કે હું જલસા કરું છું, અહીં બધું ફર્સ્ટ ક્લાસ છે.
મેક્સિકો સરહદેથી ગેરકાયદે ઘૂસેલા એક ભારતીયે પોતાના રોજીંદા જીવનને સતત ડરમાં જીવતા રખડુ સાથે સરખાવ્યું હતું. એ કહે છે, 'રોજ સવારે ઉઠીને ન્હાયા-ધોયા વગર હું મારા નોકરીના સ્થળે એટલે કે પેટ્રોલ પમ્પ પર પહોંચી જાઉં છું. ત્યાંથી રાત્રે પરત ફરું છું, કાચુંપાકું જમીને થોડો આડો પડું ને ફરી પાછો સવારે નોકરી પર જાઉં છું. મારા કોઇ ફેમિલી મેમ્બરનો ફોન આવે તો હું કહી દઉં છું કે હું સેટ થઈ ગયો છું. ઘરથી દૂર સારાં સ્થળો બતાવીને તેમના ચહેરા પર સંતોષ જોઇને ખુશ થાઉં છું.'
હીકકત એ છે કે એ ખોટું બોલીને અને ખોટું બતાવીને ફેમિલીને છેતરે છે. આવા લોકો બીમાર પડે તો તેમના માટે સારવાર મોટી સમસ્યા બની જાય છે. એ ગેરકાયદે રહેતા હોવાથી સારી ઓફિસો-કંપનીઓમાં તેમને નોકરી મળતી નથી, ન એ હોસ્પિટલમાં સારવારલઈ શકે છે.
ભારતમાં આવતા ઘૂસણખોરોને આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ વગેરે બનાવી આપતી એજન્સીઓ કામ કરતી હોય છે, જેના આધારે તેનું મતદાર કાર્ડ વગેરે આસાનીથી નીકળી જાય છે. આશ્ચર્ય તો એ વાતનું છેકે તેમના બેંકમાં ખાતાં હોય છે. તેમની પાસે મતદાન કરાવાય છે અને હિંસાચાર ફેલાવવામાં પણ તેમનો ઉપયોગ થાય છે. આપણે ત્યાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનારા ૨૪કલાકમાં છૂટી જતા હોય છે. બાંગ્લાદેશના ઘૂસણખોરોની વણઝાર ભારતમાં આવી ત્યારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓે તેમને જમાડવા માટે સરહદે ભંડારા ખોલ્યા હતા. આવી કહેવાતી સેવા એક રીતે તો દેશ માટે નુક્સાનકારક સાબિત થાય છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોજગારી છીનવાઈ જવાનો ડર હોતો નથી. કાશ્મીરમાં રોહિંગ્યાઓને લઈને રાજકારણ રમાઈ રહ્યું છે.
ટ્રમ્પે ગેરકાયદે ઘૂસનારા સામે લાલ આંખ બતાવી છે ત્યારથી આપણા દેશના નાગરિકો વિચારતા થઈ ગયા છે કે ભારતની સરકાર ઘૂસણખોરો સામે આવાં આકરાં પગલાં ક્યારે લેશે?