ઇન્ડિયન-અમેરિકનોના વોટ લેવા ટ્રમ્પ અને હેરીસ વચ્ચે હૂંસાતૂંસી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ઇન્ડિયન-અમેરિકનોના વોટ લેવા ટ્રમ્પ અને હેરીસ વચ્ચે હૂંસાતૂંસી 1 - image


- અમેરિકન ગુજરાતીઓ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ ઢળેલા છે

- પ્રસંગપટ

- ડોનાલ્ડ ટ્રમ્પ-કમલા હેરીસ

- ટેક્સાસમાં થયેલા 90 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના સ્થાપનનો વિવાદ ચૂંટણીના માહોલમાં ચગશે

અમેરિકામાં પ્રમુખ તરીકે આ વખતે કોણ ચૂંટાશે તે જાણવામાં આખી દુનિયાને સ્વાભાવિક રીતે જ બહુ રસ છે. ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તા પર આવવા મથી રહ્યા છે, તો હાલની સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરીસને મેદાનમાં ઉતારીને તરંગો પેદા કર્યા છે. અમેરિકાના ચૂંટણી જંગમાં ઇન્ડિયન અમેરિકન મતદારોને રીઝવવા ટ્રમ્પ અને હેરીસ બંને પ્રયાસ કરી રહ્યાં છે.  ઇન્ડો- અમેરિકન વોટ્સ મેળવવા માટે બન્ને પ્રતિસ્પર્ધીઓની લોબી સક્રિય છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં વધુને વધુ ઇન્ડિયન-અમેરિકનો ભાગ લે તે માટે 'ઇન્ડો-અમેરિકન  વોટ્સ મેટર' ટાઇટલ હેઠળ અમેરિકામાં વસતા ભારતીયોએ કેમ્પેઇન શરૂ કર્યું છે.

ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ(FIIDS) મારફતે શરૂ કરાયેલા આ કેમ્પેઇનનો મૂળ આશય ઇન્ડિયન-અમેરિકનોનો ચૂંટણીમાં પ્રભાવ ઊભો કરવાનો છે. પાંચમી નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ૧૦ લાખ ઇન્ડિયન- અમેરિકનો ભાગ લે તેવી ગતિવિધિ થઈ રહી છે. ડેમોક્રેટિક અને રીપબ્લિકન પાર્ટીના પ્રચારકો પણ ગુજરાતી સંગઠનોમાં સક્રિય બની રહ્યા છે. ઇન્ડિયન-અમેરિકન ઇમિગ્રન્ટ્સના વોટ મહત્ત્વના બની રહેવાના હોવાથી બંને પક્ષો વિવિધ વચનો આપી રહ્યા છે.  ફ્લોરિડા, જ્યોર્જીયા, એરીઝોના, વર્જિનિયા, ન્યુ જર્સી, ટેક્સાસ, કેલિફોર્નિયા વગેરે રાજ્યોમાં ઇન્ડિયનની વસ્તી નોંધપાત્ર છે.

ઇન્ડિયન-અમેરિકનોને સતાવતો સૈાથી મોટો પ્રશ્ન વિઝા પોલિસીનો હોય છે. ઇન્ડિયન ડાયાસ્પોરા નરેન્દ્ર મોદીના ચાહક છે. હવે જ્યારે ટ્રમ્પ 'માય ફ્રેન્ડ મોદી' એમ કહેતા હોય ત્યારે ઇન્ડિયન-અમેરિકનો ટ્રમ્પ તરફ ઢળે તે સ્વાભાવિક છે. જોકે કમલા હેરીસનાં ભારતીય કનેક્શનના કારણે અમેરિકામાં રહેતા સાઉથ ઇન્ડિયનો કમલાને ટેકો આપવાનું વિચારી રહ્યા છે. સાઉથ એશિયન અમેરિકનોએ હેરીસને પ્રચાર ફંડ પણ આપ્યું છે. સલમાન રશદી જેવી એકાધિક જાણીતી હસ્તીઓએ હેરીસને ટેકો જાહેર કર્યો છે. જોકે કમલા હેરીસ વિશે ભારતીયોમાં એવી છાપ પણ છે કે એ આ ડેમોક્રેટ હિન્દુવિરોધી છે અને ભારતવિરોધી છે. ટૂંકમાં, ઇન્ડિયન-અમેેરિકનો કોને વોટ આપવો તે બાબતે મૂઝાયેલા છે. અલબત્ત, ચૂંટણીને હજુ ઘણી વાર છે. ચૂંટણી પહેલાંના સમયગાળામાં બંને પક્ષો ઇન્ડિયન-અમેરિકનોને વધુને વધુ પ્રલોભનો આપશે અને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે તે નિશ્ચિત છે. 

ગયા મહિને ઇન્ડિયન અમેરિકનોએ, ખાસ કરીને ગુજરાતીઓએ, હ્યુસ્ટન ખાતે ભગવાન હનુમાનજીની ૯૦ ફૂટ ઉંચી પ્રતિમાની  સ્થાપના કરી તે પછી અન્ય ધર્મનાં સ્થાનિક સંગઠનોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. આ વિવાદ લાંબો ચાલ્યો છે. અન્ય ધર્મના લોકોનો પ્રભાવ હ્યુસ્ટનના સત્તાધારીઓ પર વધુ છે, પરંતુ હવે ચૂંટણી નજીક આવતાં ઇન્ડિયન-અમેરિકનોને કેટલાક પ્રોમિસ આપવા પડશે. 

મોદી અને ટ્રમ્પના ચૂંટણી પ્રચાર વચ્ચે સામ્ય જોવામાં આવે છે. હ્યુસ્ટન ખાતે યોજાયેલી 'હાઉડી મોદી' ઇવેન્ટ જેણે પણ જોઈ છે એ જાણે છે કે ટ્રમ્પ અને મોદી વચ્ચેનો સંબંધો બહુ મજબૂત છે. ૨૦૧૯ની ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાયેલી તે ઇવેન્ટમાં લગભગ ૫૦,૦૦૦ લોકોની હાજરીમાં ટ્રમ્પ ખૂબ ગેલમાં હતા, કેમ કે તેમને મોદીની હાજરીમાં પ્રચાર કરવાનું મોકળું મેદાન મળ્યું હતું. 

અમેરિકામાં રહેતા ભારતીય લોકો સ્થાનિક પરિવેશમાં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. ભારતીયોના ખાસ કરીને ગુજરાતી સંગઠનો દ્વારા યોજાતા ધાર્મિક અને મનોરંજનના કાર્યક્રમોમાં અમેરિકાના સનેટરો ઉત્સાહભેર હાજર રહેતા હોય છે. 

અમેરિકામાં વસતા ભારતીયો  હરખઘેલા નથી. મતદાનના મામલામાં ઇન્ડિયન-અમેરિકનો ગાડરીયા પ્રવાહમાં સામેલ થતા નથી. ઇન્ડિયન -અમેરિકનોે હજુ સુધી પોતાનો મત કોને આપશે તે કળવા દીધું નથી.  ભારત અને અમેરિકાની ચૂંટણી પ્રથામાં  ફર્ક છે, પરંતુ ઉત્તેજના એક સમાન છે.

Prasangpat

Google NewsGoogle News