લઘુતાગ્રંથિ-ગુરૂતાગ્રંથિ : માનવ સ્વભાવ સાથે ચિંતા-ભયનું કનેક્શન
- ચિંતા પાછળ અજ્ઞાત ભય રહેલો છે
- પ્રસંગપટ
- અભિમાન અનેક વાર તૂટતું હોવા છતાં લોકો સમાધાનકારી વલણ અપનાવી શકતા નથી
મન ખૂબ ચંચળ છે. તે આખો દિવસ વિચાર્યા કરતું હોય છે ને સહેજે નવરું પડતું નથી. જાગૃતાવસ્થામાં તો અવિરત દોડયા જ કરે છે, રાત્રે સ્વપ્નમાં પણ તે જંપીને બેસતું નથી. જરા શાંત ચિત્તે માનવી વિચારે તો તેને ખ્યાલ આવશે કે તે અહીં જ બેઠો છે, છતાંય એનું મન તો ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું હોય છે. આ મન શરીરમાં જ રહે છે. દસેય ઇંન્દ્રિયો પર તે સંપૂર્ણ કાબૂ ધરાવે છે એટલે એ જે કંઈ કરે એની અસર શરીર પર વર્તાય છે. પરિણામે માનસિક થાક લાગે છે અને શારીરિક સ્તરે પણ એની અસર વર્તાય છે. મનુષ્ય સતત મનનું દબાણ અનુભવતો હોય છે.
માનવીનું મન જાતજાતના કોમ્પલેક્સ, અથવા કહો કે, ગ્રંથિઓ પાળીને બેઠેલું હોય છે. ગ્રંથિઓ આમ તો અનેક પ્રકારની છે, પણ આપણને સૌથી વધારે અસર કરતી ગ્રંથિ આ બે - લઘુતાગ્રંથિ (ઇન્ફીરીયર કોમ્પ્લેક્સ) અને ગુરુતાગ્રંથિ (સુપિરીયર કોમ્પ્લેક્સ). ઘણી વ્યક્તિઓ પોતાને હીન માનતી હોય છે.
હું દેખાવડો નથી, હું તંદુરસ્ત નથી, હું પૈસાવાળો નથી, મારી ઊંચાઈ ઓછી છે, હું બહુ કાળો છું, મને ચશ્માં આવી ગયાં છે, મારા વાળ ખરી ગયા છે, હજી તો હું જુનિયર જ છું, હું ક્યારેય આગળ આવી નહીં શકું વગેરે વગેરે... લઘુતાગ્રંથિ ધરાવતી વ્યક્તિ આવા વિચારોથી પીડાયા કરે છે. એ સતત દુઃખી જોવા મળે છે. એ સતત વ્યગ્ર રહે છે.
માણસ માટે મુશ્કેલી પેદા કરતી બીજી ગ્રંથિ છે, ગુરુતાગ્રંથિ. હું કંઇક છું, મારા જેવો કોઇ નથી, હું દેખાડી દઈશ, મારી પાસે શું નથી, મારી પ્રગતિ જોઈને સૌ ઈર્ષ્યા કરે છે, સમાજમાં મારા જેવો માન-મોભો કોઈનો નથી, મારા સાહેબ પણ મારાથી બીવે છે, મને વહીવટ સોંપે તો હું દેખાડી દઉ... આવા બધા વિચારો કરી કરીને ગુરુતાગ્રંથિથી પીડાતો માણસ ગગનમાં વિહર્યા કરતો હોય છે. પૃથ્વી તેને નાની લાગે છે. બીજા લોકો એને તુચ્છ લાગે છે. ઝીણવટથી જુઓ તો તેનામાં તમને કદાચ ગાંડપણનાં સૂક્ષ્મ લક્ષણો પણ દેખાય.
માણસની મેન્ટલ હેલ્થ પર નકારાત્મક અસર કરતું ત્રીજું પરિબળ છે, ચિંતા. અમુક લોકો એક યા બીજી વાતે ચિંતા કર્યા જ કરતા હોય છે. વાતની શરૂઆત એવી કરે કે જાણે એના પર દુઃખનો પહાડ તૂટી પડયો હોય. આજે એક્સિડન્ટ એટલા બધા થાય છે કે સાંજે સાજાસમા ઘેર પાછા આવ્યા તો ગનીમત... આવું બધું એ બોલ્યા કરે છે ને બોલતો ન હોય તો વિચાર્યા કરે છે. આને જ તો આપણે ચિંતા કહીએ છીએ. ચિંતા સાવ કોરી કટ નથી હોતી, તેની પાછળ અજ્ઞાત ભય રહેલો હોય છે. ભયભીત વ્યક્તિ વધુ ચિંતાતુર રહે છે. આ ભય પ્રત્યક્ષ પણ હોઈ શકે અને અપ્રત્યક્ષ પણ. ચિંતા, ભય, ગુસ્સો, વ્યાધિ, ઉપાધી, દ્વેષ, મોહ, માયા આ બધા ભાવો એકમેક સાથે જોડાયેલા હોય છે.
હવે ચિંતા થવાનાં થોડાં કારણો જોઇએ. પતિ કે પત્નીનું મરણ, સંબંધવિચ્છેદ, છૂટાછેડા, સગા સંબંધીનું મૃત્યુ, ઇજા અથવા બિમારી, ઉપરી અધિકારીનો ઠપકો, રિટાયર્ડ થવું, નોકરીની બદલી, બેંકની કે બીજાકોઈની નોટિસ, નવા મકાનમાં રહેવા જવું, રોંગ પાર્કિંગ જેવા નાના નાના કાયદાનો ભંગ - આવાં અનેક કારણો છે. ચિંતાનું ઝાપટું આનંદના વાતાવરણને એક સેકન્ડમાં ઉદાસીમાં પલટી નાખે છે. કકડીને લાગેલી ભૂખને પળભરમાં ગાયબ કરી શકે છે. આનો અનુભવ આપણને સૌને છે.
માનસિક તાણથી છૂટવાના અથવા કહો કે ટેન્શન ઘટાડવાના થોડા ઉપાયો આ પ્રમાણે હોઈ શકે. શાંત વાતાવરણમાં જાવ, રીલેક્સ થાવ, મનગમતું કાર્ય કરો, સંગીત સાંભળો, વાંચન યા બીજી કોઈ મનગમતી પ્રવૃત્તિ કરો, મેડિટેશન કરો, મિત્રો સાથે સમય પસાર કરો. કુટુંબજનો સાથે બેસી વાતો કરો. ગમ્મત કરો, ટીવી કે સિનેમા જુવો. મનગમતી પ્રવૃત્તિમાં મશગુલ રહો. ઘરકામ, મિત્રોનું કામ કે સામાજિક પ્રવૃત્તિ પણ ઘણી વાર માનસિક તાણ ઓછી કરી નાખે છે. કામ કરતાં થાક લાગે તો થોડો આરામ કરો.
સૌથી મહત્ત્વનો મુદ્દો આ છેઃ સોશિયલ મીડિયાથી દૂર રહો, તેનો ખપ પૂરતો જ ઉપયોગ કરવો. વધુ પડતો સ્ક્રીનટાઇમ આપણને થકવી નાખે છે. માનસિક તાણને કારણે ઘણા રોગ થાય છે. જેમ કે બી.પી. હાયપર ટેન્શન, ડાયાબિટીસ, અલ્સર, વગેરે. ઉપરના ઉપાયો અજમાવવાથી મનને ઘણી રાહત મળશે. આજકાલ સંબંધો વધારે ટોક્સિક બની ગયા છે, જે મનની શાંતિને હણી લે છે. સાચી આધ્યાત્મિકતાની નિકટ જવા જેવું છે.
ક્રિયાકાંડ કે બાહ્યાચાર નહીં, પણ સાચી આધ્યાત્મિકતા માનસિક સ્પષ્ટતા લાવે છે, આપણને આત્મજ્ઞાનની નજીક લઈ જાય છે, જના પરિણામે મનની કેટલીય ગ્રંથિઓ આપોઆપ આગળી જાય છે. આ નવું વર્ષ આપણા સૌ માટે માનસિક શાંતિથી ભરપૂર રહે...