ટ્રમ્પે ગેરકાયદે રહેતા લોકોને તગેડયા, ઇદી અમીને તમામ ભારતીયોને ભગાડયા
- 1972ના ઓગસ્ટની શરૂઆતના દિવસોની ઘટના
- ઇદી અમીન
- પ્રસંગપટ
- યુગાન્ડા છોડનારા પોતાની સાથે ફક્ત 220 કિલો વજન જેટલો સામાન અને 120 ડોલર જ સાથે લઇ જઇ શકે તેમ હતા
આજકાલ જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે વસતા ભારતીયોને પાછા તગેડી રહ્યા છે, ત્યારે ૧૯૭૨ના ઓગસ્ટની શરૂઆતના દિવસોમાં યુગાન્ડાના ઇદી અમીને ભારતીયો વિરૂદ્ધ બોલાવેલો સપાટો યાદ આવે છે. ડોનાલ્ડ ટ્રેમ્પે તો ગેરકાયદે વસેલા વિદેશીઓને તગેડી મુકવાની ગતિવિધિ આરંભી છે, જ્યારે ઇદી અમીને કાયદેસર રીતે વસેલા અને વર્ષોથી યુગાન્ડામાં બિઝનેસ કરતા ભારતીયોને ૯૦ દિવસનું અલ્ટિમેટમ આપીને દેશ છોડવાનું ફરમાન બહાર પાડયું હતું. ૪ ઓગસ્ટ ૧૯૭૨નું ફરમાન સંદિગ્ધ હતું, પરંતુ ત્યાર બાદ ૯મી ઓગસ્ટે બહાર પાડેલું બીજું ફરમાન તો સ્પષ્ટ હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે યુગાન્ડામાં વસતા ભારતીયો, બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ માટે દેશ છોડવો ફરજીયાત છે.
ઇદી અમીને નોધ્યું હતું કે યુગાન્ડામાં વસતા ભારતીયો દેશ પ્રત્યે વફાદાર નથી અને પોતાના બિઝનેસ મારફતે સ્થાનિક લોકોને લૂંટી રહ્યા છે. યુગાન્ડામાં ભારતીયો વિરોધી વાતાવરણ ઊભું કરવામાં ઇદી અમીન સફળ થયા હતા, જેના કારણે એકલદોકલ ભારતીયો યુગાન્ડાના લોકોના શિકાર બનવા લાગ્યા હતા. એક તરફ ૯૦ દિવસમાં દેશ છોડવાનું અલ્ટિમેટમ અને બીજી તરફ ભારતીયો તરફ ઊભી થયેલી નફરત - સરવાળે યુગાન્ડામાં વર્ષોથી રહેતા ભારતીયોએ ભાગવું પડયું હતું. યુગાન્ડાને તેની મૂળ સંસ્કૃતિ તરફ પાછા વળવું છે તેવું કારણ આગળ ધરીને બહારના દેશોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સને યુગાન્ડામાંથી તગેડી મૂકવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
પોતના નિર્ણયને વળગી રહેનારા ઇદી અમીન કોઇનું માનવા, સમાધાન કરવા કે પોતાનું ફરમાન પાછું ખેંચવા તૈયાર નહોતા. આજે ટ્રમ્પ જેમ અમેરિકા ફર્સ્ટનો ચીપિયો પછાડે છે એેેમ ત્યારે યુગાન્ડામાં ઇદી અમીન યુગાન્ડાની સંસ્કૃતિના પુનઃ સ્થાપન માટે પ્રયાસ કરતા હોવાનો દાવો કરતા હતા. કેટલાક ભારતીયો કેનેડા જતા રહ્યા હતા, કેટલાક કેનિયા કે પાકિસ્તાન જતા રહ્યા હતા, જ્યારે કેટલાક ભારત પરત આવી ગયા હતા. જેમની યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરવામાં આવી તેમાં ૨૭,૨૦૦ વ્યક્તિઓ તો યુનાઇટેડ કિંગડમના હતા.
આશ્ચર્ય તો એ વાતનું હતું કે યુગાન્ડા છોડનારા લોકો તેમની સાથે ફક્ત ૨૨૦ કિલોની પ્રોપર્ટી અને ૧૨૦ ડોલર જ સાથે લઇ જઇ શકે એ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો. ભારતીયોએ યુગાન્ડામાં જે કંઇ કમાયા હતા અને જે સંપત્તિ ઊભી કરી હતી તે જેમની તેમ પડી રહેવા દઈને દેશ છોડયો હતો. વર્ષેાથી યુગાન્ડામાં સ્થાયી થયેલા ઇમિગ્રન્ટ લોકો માટે બધું મળીને ૫૬૫૫ દુકાનો, રહેઠાણો, ખેતરો સહિતની સંપત્તિ મુકીને પહેરેલાં કપડે દેશ છોડવાનો વખત આવ્યો હતો. ઇદી અમીનના આ ઊભડક પગલાંને કારણે વૈશ્વિક તખ્તા પર યુગાન્ડાની ઇમેજ ખરડાઇ હતી, તેનું આર્થિક તંત્ર નબળું પડી ગયું હતું અને ભારત તેમજ યુકેએ યુગાન્ડા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા.
યુગાન્ડામાં બેન્કિંગ સહિતના સરકારી ક્ષેત્રોમાં ભારતીયોની ભરતી થવા માંડી હતી, જેને લીધે અનેક ક્ષેત્રોમાં ભારતીયોનું વર્ચસ્વ વધ્યું હતું. મોટા બિઝનેસ ભારતીયોના હાથમાં હોવાથી સમગ્ર યુગાન્ડામાં ઇન્ડિયન-ફોબિયા જોવા મળતો હતો. એક આરોપ એવો પણ છે કે યુગાન્ડામાં વસતા ભારતીયો સ્થાનિક લોકોનું શોષણ કરતા હતા અને તેમને નોકરની જેમ રાખતા હતા. ઇદી અમીનને આ જ વાત ખૂંચતી હતી.
૧૯૭૧ની ફેબુ્રઆરીમાં ઇદી અમીનનું શાસન સ્થપાતાં જ ત્યાં વસતા ભારતીયો સામે જોખમની શરૂઆત થઇ હતી. યુગાન્ડામાં દુકાનો ધરાવતા ભારતીયો સામે નફરત વધી હતી. આ ભારતીયો મૂળ યુગાન્ડાના લોકોને ઊંચા વ્યાજે પૈસા આપીને તેમનું શોષણ કરતા હોવાના આક્ષેપો થતા હતા. ઇદી અમીને યુગાન્ડામાં રહેતી એશિયન લઘુમતીને સુપ્રીમ ઓથોરીટી ન બનવા ચેતવ્યા હતા. ઇદી અમીને સિટીઝનશીપ મેળવવાની ૧૨,૦૦૦ જેટલી અરજીઓ પહેલા ધડાકે જ કેન્સલ કરી હતી.
જેમ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ કેટલાક એક્ઝિક્યુટીવ ઓર્ડર દ્વારા પોતાની રીતે કામ શરૂ કરી દીધું હતું એમ ઇદી અમીને પણ સત્તાસ્થાને બેસતાં જ યુગાન્ડા પર પ્રભાવ ઊભો કરી રહેલી ઇન્ડિયન કોમ્યુનિટીને ટાર્ગેટ કરી હતી. અગાઉ ૧૯૬૯-૭૦માં યુગાન્ડામાંથી કેનિયાના ૩૦,૦૦૦ લોકોને ભગાડવામાં આવ્યા હતા. ૧૯૭૨માં ભારતીયેાને યુગાન્ડા છોડવાની ફરજ પડાઇ ત્યારે સ્થાનિક લોકોએ અને સૈનિકોએ ભારતીયોના ઘરોમાં લૂંટફાટ કરી હોવાના અહેવાલો પણ મળ્યા હતા.