Get The App

ગુજરાતમાં સૂર્યગ્રહણનો શું રહેશે સમય? ભારતમાં નહીં દેખાય, અમેરિકામાં બપોરે થશે અંધારપટ

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં સૂર્યગ્રહણનો શું રહેશે સમય? ભારતમાં નહીં દેખાય, અમેરિકામાં બપોરે થશે અંધારપટ 1 - image


- ૫ચાસ વર્ષ પછી આવું સંપૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે

- 8 એપ્રિલ અમદાવાદમાં સૂર્યગ્રહણ રાત્રે 10:04 વાગે શરૂ થશે અને મધ્યરાત્રિ 1:31 વાગે પુરૂં થશે

- પ્રસંગપટ

૮ એપ્રિલની અમાસને  સોમવારે સૂર્યગ્રહણ છે. સૂર્યગ્રહણ વખતે ભારતમાં રાત્રીનો સમય હોવાથી આપણને તે જોવા નહીં મળે. તેથી ભારતીયો પર તેની કોઇ સીધી કે આડકતરી અસર નહીં થાય. 

આ સૂર્યગ્રહણ પાંચ કલાક સુધી ચાલશે. આટલું લાંબુ ગ્રહણ ખગોળશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય છે, જ્યારે  સામાન્ય પ્રજા માટે તે કૌતુક સમાન છે. ૫૦ વર્ષ પછી આટલું લાંબુ સૂર્યગ્રહણ થવાનું હોવાથી ખગોળવિજ્ઞાાનીઓ તેની શુભાશુભ અસરો સમજવા માટે કેમેરા તેમજ અન્ય ઉપકરણો સાથે સજ્જ થઈ ગયા છે. નોર્થ અમેરિકા, મેક્સિકો, નોર્વે અને કેનેડા સહિતના કેટલાક દેશોમાં ભરબપોરે પાંચ કલાક માટે અંધારપટ છવાઇ જશે. જેવું અંધારૂં થશે કે તરત પક્ષીઓ તેમના માળા તરફ ગતિ કરશે, પરંતુ ફરી સૂર્યપ્રકાશ ફેલાશે ત્યારે દિવસ બહુ જલદી ઊગી ગયો તેમ સમજીને ફરી બહાર ઉડતાં થશે.

ભારતમાં રાત્રીના સમયે સૂર્યગ્રહણ થવાનું હોવાથી લોકો બેફિકર છે, પરંતુ સૂતક અને શુભ કામો જેવી કેટલીક બાબતો પર ધ્યાન રાખવું પડશે. ૮ એપ્રિલે અમદાવાદમાં રાત્રે ૧૦.૦૪ વાગે શરૂ થશે અને રાત્રે ૧.૩૧ વાગે પુરૂં થશે. સામાન્ય રીતે ગ્રહણના એક કલાક પહેલાં સૂતક શરૂ થાય છે, પરંતુ અહીં ફરી કહેવું પડે છે કે ભારતમાં ગ્રહણ દેખાવાનું નથી એટલે સૂતકનું કોઇ મહત્ત્વ રહેતું નથી.

ખગોળશાસ્ત્રીઓ કહે છે કે ૪ મિનિટ ૨૮ સેકન્ડ સુધી ડાયમન્ડ રિંગ જોવા મળશે. અડધોઅડધ વિશ્વ આ અદ્દભુત ખગોળીય નજારો જોવા માટે આતુર છે, કેમ કે હવે પછી આવું સંપૂર્ણ સૂર્યગ્રહણ છેક ૨૦૪૪ના વર્ષમાં જોવા મળશે.  

ભારતમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. તે ન દેખાય તો પણ શ્રદ્ધાળુઓ ગ્રહણ પછી સ્નાન કરીને જમે છે. પ્રેગનન્ટ મહિલાઓેને ગ્રહણના દિવસે ઘરની બહાર નહીં નીકળવા જણાવાય છે. માન્યતા એવી છે કે સૂર્યગ્રહણ વખતે પ્રેગનન્ટ મહિલા સૂર્ય સામે જુવે તો તેના ગર્ભને નુકશાન થઈ શકે છે. અરે, ગર્ભપાત્ થઈ જવાની સંભાવના રહે છે તેમ પણ કહેવાય છે. આ, ખેર, ગેરમાન્યતા છે, જેને કોઈ વૈજ્ઞાાનિક સમર્થક મળ્યું નથી. ગર્ભ તો મહિલાના ગર્ભાશયમાં બહુ સુરક્ષિત અવસ્થામાં હોય છે. ૮ એપ્રિલે આમેય સૂર્યગ્રહણ વખતે રાત હોવાથી અંધશ્રદ્ધાળુઓને પણ કશી ચિંતા નથી. અન્ય એક એવી માન્યતા પ્રચલિત છે કે ગ્રહણ વખતે કે તેના સમયની આગળ પાછળ જન્મેલું બાળક ખોડખાંપણવાળું હોઈ શકે છે. આ માન્યતા અંગે પણ વિજ્ઞાાનીઓએ સંશોધન કર્યું છે અને આ માન્યતા સુદ્ધાં તથ્યહીન પૂરવાર થઈ છે. ગ્રહણ સાથે સંકળાયેલી કેટલીક પરંપરાગત માન્યતાઓ અવારનવાર સપાટી પર આવી જતી હોય છે

આ વખતે કેટલાક સ્થળે સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઇ જશે તો કેટલાક સ્થળે થોડો ભાગ ઢંકાયેલો જોવા મળશે. સમાન્ય માણસ વર્ષોથી ગ્રહણથી ડરતો આવ્યો છે, પણ ખગોળવિજ્ઞાાનીઓ આવી ખગોળીય ફેરફારની રાહ જોઇને બેઠા હોય છે. 

ઘોળે દહાડે પાંચ-પાંચ કલાક જેટલો લાંબો અંધારપટ થવાની વાત સાંભળીને પશ્ચિમી દેશોના એક વર્ગમાં ડર છવાઈ ગયો છે.  અમેરિકનોને તાકીદ કરવામાં આવી છે કે ભરબપોરે સંપૂર્ણ અંધકાર થઈ જશે, પણ મહેરબાની કરીને ડરશો નહીં કે ઘાંઘા થઈ થશો નહીં.  બાકી ભરબપોરે સતત પાંચ કલાક અંધારપટ રહે તે કલ્પના પણ અત્યંત અસહજ લાગે છે. જો ભારતમાં આ પરિસ્થિતિ સર્જાવાની હોત તો લોકો વહેલા પરવારીને ભજન-કીર્તન કરવા બેસી ગયા હોત.

સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી ચન્દ્ર પસાર થશે ત્યારે સૂર્ય શરૂમાં થોડો અને પછી આખો ઢંકાઇ જશે. ત્યારબાદ સૂર્ય ધીરે ધીરે મુક્ત થશે. આ આખી પ્રક્રિયા પૂરી થતાં પાંચ કલાકનો સમય લાગશે. સૂર્યગ્રહણ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે સંપૂર્ણ, આંશિક અને વલયાકાર. આઠમીએ થનાનું સૂર્યગ્રહણ સંપૂર્ણ ગ્રહણ છે. 

આપણા મહાન આર્ષ દ્રષ્ટા ઋષિમુનિઓનએ તેમની પ્રજ્ઞાાશક્તિથી ગ્રહણનો અભ્યાસ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે  સૂર્યગ્રહણના બીજા દિવસથી ચૈત્ર નવરાત્રી શરૂ થવાની છે.


Google NewsGoogle News