અમેરિકામાં ભારત વિરોધી અંડર કરંટનો ભોગ બનતા વિદ્યાર્થીઓ
- અમેરિકામાં ભારતના 3,31,000 વિદ્યાર્થીઓ
- પ્રસંગપટ
- માર્ચ 2023થી જાન્યુઆરી 2025 દરમ્યાન 10 ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં જાન ગુમાવ્યા છે
અમેરિકામાં રહેતા ભારતીયોની માથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દેશનિકાલની તલવાર ઝળૂંબી રહી છે તો બીજી તરફ અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા કેટલાક તત્વોના કારણે જોખમ ઉભું થયું છે. છેલ્લા કેટલાક સમયમાં અમેરિકાના કેમ્પસમાં ભણતા ૧૦ વિદ્યાર્થીઓ માર્યા ગયા છે. પોતાના સંતાનોને અમેરિકા ઉચ્ચ શિક્ષણ માટે મોકલતા વાલીઓમાં ચિંતાનું મોજું એટલા માટે છે કે ભારતના વિદ્યાર્થીઓ અમેરિકામાં ભારત વિરોધી મોજાનો ભોગ બની રહ્યા છે. અમેરિકાના રાજકરણીઓ વારંવાર એવા નિવેદનો કરે છે કે ભારતના વિદ્યાર્થીઓ બહુ હોંશિયાર છે અને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવી રહ્યા છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અમેરિકાના વિદ્યાર્થીઓને જાહેરમાં કહી ચૂક્યા છે કે તમે ભણો અને હોંશિયાર બનો નહીંતર ભારતના લોકોના હાથ નીચે નોકરી કરવી પડશે.
આજે પણ અનેક ભારતીય સીઇઓની કંપનીમાં અમેરિકાના યુવાનો જોબ મેળવવા લાઇનમાં ઉભા રહે છે. જાહેરમાં નહીં પણ પડદા પાછળ ભારતીય વિદ્યાર્થીઓ તરફ ધૃણાથી જોવાઇ રહ્યું છે. કેટલીક યુનિવર્સિટીઓમાં ભારતના વિદ્યાર્થીઓને એકલ દોકલ કેમ્પસમાં નહીં ફરવા જણાવાય છે. આ વિદ્યાર્થીઓ અમેરિકાના લોકોની નફરતનો ભોગ ના બને તે માટે તેમને અન્ય ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં રહેવા તેમજ રોજ તેમના કુટુંબીજનો સાથે પણ સંપર્કમાં રહેવા જણાવાયું છે.
૨૬ વર્ષનો કોયાડ્ડા રવિ તેજા શિકાગો યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનું ભણતો હતો. તેને ઠાર મારવામાં આવ્યો હતો. ગયા મહિને જાન્યુઆરીમાં વોશિંગ્ટન ડીસી ખાતે બનેલી આ ધટનાએ કેમ્પસના વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઉભું કરી દીધું હતું.
ગયા નવેમ્બરમાં ૨૨ વર્ષનો એમબીએ કરતો ભારતીય વિદ્યાર્થી સાંઇ નુકાર પુવિસકોનીસમ ખાતેના એક કરિયાણાના સ્ટેાર નજીક ઠાર મરાયો હતો. તે અગાઉ માર્ચ ૨૪માં ૨૦ વર્ષનો અભિજીત પરૂચોરી બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જીન્યરીંગની ડિગ્રી લેવા ભણતો હતો તેનો મૃતદેહ તેની કારમાંથીજ મળ્યો હતો. જાન્યુઆરી ૨૪માં ૨૫ વર્ષના વિવેક સાઇનીને જ્યોર્જીયા ખાતે એક રખડુ અમેરિકને ગોળી મારીને મોત નિપજાવ્યું હતું. વિવિક જ્યાં જોબ કરતો હતો ત્યાં આ રખડુએ મફત ફૂડ માંગ્યું હતું , વિવિકે ના પાડતાં તેને ઠાર મરાયો હતો. એવીજ રીતે ઓહિયો ખાતે કોલમ્બસ પેટ્રોલ પંપ પર ૨૪ વર્ષના વિરા સઇશને ઠાર મારવામાં આવ્યો હતો.
ટૂંકમાં માર્ચ ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન ૧૦ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં જાન ગુમાવ્યા છે. હાલમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તેમાંથી મોટાભાગના પાર્ટ ટાઇમ જોબ કરે છે.
૨૦૨૪માં નવી દિલ્હી ખાતેની અમેરિકી એલચી કચેરીએ બહાર પાડેલા આંકડા અનુસાર ૨૦૦૮-૦૯ પછી પહેલીવાર ભારતના સૌથી વધુ ૩,૩૧૦૦૦ વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણી રહ્યા છે. ચીન કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ અમેરિકામાં છે એમ પણ જણાવાયું હતું. તેલુગુ એસોસીયેશન ઓફ નોર્થ અમેરિકા તેમજ અન્ય ગુજરાતી સમાજના સંગઠનો અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને સાવચેત રહેવાના પગલાં લેવા જણાવે છે.