રાફેલ કે પેગાસસ જેવા મુદ્દા લાભ નથી કરતા એ વિપક્ષને કોણ કહેશે?
- સંસદ ઠપ્પ કરવાથી લોકો વિપક્ષ પર નારાજ
- પ્રસંગપટ
- મોંધવારી, બેરોજગારી અને પેટ્રેલના ભાવવધારા જેવા મુદ્દે સરકારને ભીંસમાં લેવા : રાફેલ જેવું પેગાસસનું થવાનું છે
સંસદમાં ચાલતી કાર્યવાહી પર દરેકની નજર છે. લાઇવ ટેલિકાસ્ટે વિરોધ પક્ષોની નાટક બાજી ખુલ્લી પાડી દીધી છે. ૧૩ ઓગષ્ટે વર્તમાન સત્રનો છેલ્લો દિવસ છે. તેમાં ત્રણેક દિવસ રજા આવશે એટલે માંડ ૯ દિવસ બાકી છે એમ કહી શકાય. વિપક્ષો ખાસ કરીને કોંગ્રેસ એમ કહે છે કે સંસદની કાર્યવાહી નહીં ચાલવા દેવા પાછળ સત્તાધારી પક્ષ જવાબદાર છે અને કેન્દ્ર સરકાર એમ કહે છે કે સંસદ ઠપ્પ કરવાના હેતુ સાથેજ વિપક્ષ સંસદમાં પ્રવેશે છે.
ચૂંટાયેલા પ્રતિનિધીઓ સંસદ શરૂ થાય તેની રાહ જોતા હોય છે. દરેકના પક્ષનો અલગ એજન્ડા હોય છે. વિપક્ષ કોઇ પણ મુદ્દે પોતે હોંશિયાર છે તેમ બતાવવા પ્રયાસ કરે છે પરંતુ સંસદને લાઇવ જોનારા કહે છેે કે વિપક્ષની લડાઇ એજન્ડા વિહિન છે. પેગાસસના મુદ્દે ચીટકી રહેલા વિપક્ષો મહત્વની એવી ઉત્તર પ્રદેશની ચૂંટણી ભૂલી રહ્યા છે. કોવિડ-૧૯માં સરકારની અનેક સ્તરે નિષ્ફળતા, મોંધવારી, બેરોજગારી અને પેટ્રેલના ભાવવધારા જેવા મુદ્દે સરકારને ભીંસમાં લેવાના બદલે પેગાસસ વાઇરસના મુદ્દે સંસદ ઠપ્પ કરાઇ રહી છે.
ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારને મજા એટલા માટે છે કે તેમને મૂંઝવતા કોઇ મુદ્દાને વિપક્ષો સ્પર્શતા પણ નથી. પેગાસસ મુદ્દે વુપક્ષોને સોથી મોટા ફટકો મમતા બેનરજીએ માર્યો છે. વિપક્ષ જ્યારે પોગાસસ મુદ્દાને સુપ્રિમમાં ખેંચી જવા માંગતો હતો ત્યારે મમતાએ પ.બંગાળનું અલગ પેગાસસ તપાસ પંચ બનાવીને સરકારને આડ કતરો લાભ કરી આપ્યો હતો. મમતા દરેક વિપક્ષને મળ્યા હતા પરંતુ કોઇનેય પોતે અલગ પંચ રચશે એમ નહોતું કહ્યું.
મોદી સરકારને વિપક્ષની આવીજ કોઇ ભૂલની જરૂર હતી તે મમતાએ કરી બતાવી હતી. મમતાએ હાથે કરીને પોતાનું અલગ પંચ બનાવ્યું છે. પેગાસસ મુદ્દે કોંગ્રેસ કોઇ લાભ ખાટી જાય એમ તે નહોતા ઇચ્છતા. વિપક્ષ જાણે છે કે કોંગ્રેસે દગો કર્યો છે પરંતુ કોઇ તેમને કશું કહીને છંછેડવા નથી માંગતા. મમતાએ અરવિંદ કેજરીવાલનો પણ સંપર્ક કર્યો હતો. વિપક્ષનીનેતાઓ એક બીજાને મળે તે સ્વભાવિક છે પરંતુ પ.બંગાળમાં મમતાએ કોઇ વિપક્ષ સાથે જોડાણ નહોતું કર્યું.
વિપક્ષો તેમનો સમય સંસદને ઠપ્પ કરવામાં બગાડે છે તો બીજી તરફ ભાજપ ઉત્તર પ્રદેશમાં પોતાના મતદારો પરની પકડ વધારી રહ્યા છે. વિરોધ પક્ષો ઉત્તર પર્દેશના જંગ માટે એક થઇ શક્યા નથી તે વાતને છુપાવવા તે સંસદમાં એકતા બતાવી રહ્યા છે. બહુજન સમાજવાદી પક્ષના માયાવતીએ જ્યારે એમ કહ્યું કે અમે કોઇ સાથે જોડાણ કરવાના નથી ત્યારે કોઇ વિપક્ષી નેતા તેમને સમજાવવા નહોતા ગયા. મમતાએ એકલા હાથે મેળવેલી ઐતિહાસિક જીતના કારણે તેમનો આત્મ વિશ્વાસ વધ્યો છે.
માયાવતીએ ઉત્તર પ્રદેશમાં બોલાવેલા બ્રાહ્મણ સંમેલનને મળેલી સફળતા જોઇને સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે પણ આવું સંમેલન ગોઠવ્યું છે. ઉત્તર પ્રદેશ જેવું લોકસભાની ૮૦ બેઠકો વાળું રાજ્ય ફરી ભાજપના કબજામાં આવી જશે તેમ જાણવા છતાં વિપક્ષ દિલ્હી છોડવા તૈયાર નથી તે આશ્ચર્યની વાત છે. એમ લાગે છે કે વિપક્ષ પાસે લાંબુ વિચારનારાઓની અછત છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં મોટો હોદ્દેા લેવા માંગે છે. કોંગ્રેસને ડર એ છે તે પક્ષના અન્ય સિનિયરો નારાજ ના થાય. દરેક વિપક્ષની પોતાની સમસ્યા છે તેમજ દરેક વિપક્ષી એકતા માટે પ્રયાસ કરે છે.
પેગાાસસના મુદ્દાને રાફેલના મુદ્દા સાથે સરખાવી શકાય એમ છે. જે રાફેલના મુદ્દે વિપક્ષે બહુ ફેણ્યા પછી પણ કોઇ લાભ નહોતો મળી શક્યો એવુંજ પેગાસસના કિસ્સામાં થવાનું છે. રાફેલનું ફ્રાન્સ કનેક્શન અને પેગાસસનું ઇઝરાયલ કનેક્શન કોઇ રીતે વિપક્ષ માટે લાભદાયી નથી.
રાફેલનો મુદ્દો વાચકોને યાદ હશે. આજે સ્થિતિ એ છે કે ૨૫ રાફેલ જ્યારે ભારતના આકાશમાં પ્રેકટીસ કરે છે ત્યારે વિપક્ષના નેતાઓ ખાસ કરીને રાહુલ ગાંધીની ઉંધ હરામ થઇ જાય છે.
ટૂંકમાં આવા વિદેશી મુદ્દાઓથી મોદી સરકારના પેટનું પાણી પણ નથી હાલવાનું. જેમ રાફેલનો પરપોટો ફૂટી ગયો એમ પેગાસસનું થવાનું છે. જેથી લોસ વિરોધ પક્ષોને જવાની છે. વિપક્ષો નેતાગીરીના મુદ્દે ચાલતી કોલ્ડ વોરને મમતા બેનરજીએ ભડકાવી છે. મમતાની એક લટારે કોંગ્રેસની ઉંઘ હરામ કરી નાખી છે. મમતા બેનરજીને પણ વડાપ્રધાન થવું હોઇ તે પણ વિપક્ષના નેતા બનવા માંગે છે.
કોંગ્રેસ કોઇ કાળે અન્ય વિપક્ષ કે અન્ય વિપક્ષી નેતાની હાથ નીચે કામ કરવા તૈયાર નથી. આ કોલ્ડ વોરનો કોઇ અંત નથી. મોદીનું સ્મિત એ વાતની સાક્ષી પુરે છેકે ઉત્તર પ્રદેશમાં ભાજપ આસાનીથી જીતી જશે. કેમકે વિપક્ષ પેગાસસ વાઇરસમાં વ્યસ્ત છે.