Get The App

ક્વિક કોમર્સ કમાલ કરી શકે છે 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ક્વિક કોમર્સ કમાલ કરી શકે છે 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા 1 - image


- નવાં સ્ટાર્ટઅપ ઉભા કરનારા પાસે આઇડિયા હોય છે

- સ્પીડ માટે ચેાક્કસ જગ્યાએ ડાર્ક સ્ટોર્સ ઊભા કરીને ક્વિક કોમર્સ કંપનીઓ ડિલીવરીમાં સ્પીડ લાવી રહી છે

- પ્રસંગપટ

ભારતમાં માર્ગ અકસ્માતોમાં મરનારાઓની સંખ્યા હબકી જવાય એટલી તોતિંગ છે. ૨૦૨૨માં રોડ એક્સિડન્ટ્સને કારણે ભારતમાં ૧,૭૦,૯૨૪ લોકો મોતને ભેટયા હતા. અનેક વાર એવી ફરિયાદ સાંભળવા મળે છેે કે ૧૦૮ (એમ્બ્યુલન્સ) વહેલી આવી હોત તો ઘાયલ વ્યક્તિની વેળાસર સારવાર શરૂ થઈ શકી હોય ને એનો જીવ બચાવી શકાત. અલબત્ત, અકસ્માતના સ્થળે એમ્બ્યુલન્સ શક્ય એટલી ત્વરાએ પહોંચવાની કોશિશ કરતી જ હોય છે, જે પ્રશંસનીય છે. લોકોને આ સર્વિસને ૧૦૮ તરીકે ઓળખવા લાગ્યા છે. અકસ્માત ઉપરાંત અન્ય દુર્ઘટનાઓ વખતે પણ ૧૦૮ની મદદ લેવાય છે. શહેરોમાં ૧૦૮ ઉપરાંત ફાયર બ્રિગેડ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોની એમ્બ્યુલન્સો પણ જોવા મળે છે.

હવે ક્વિક કોમર્સ કંપનીઓ એમ્બ્યુલન્સની સેવામાં ઝુકાવી રહી છે. બ્લિન્કિટે ગઈકાલથી ગુરૂગ્રામમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. ફોન કરો એટલે ૧૦ મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી જશે તેવો કંપનીનો દાવો છે. પાંચ નવી એમ્બ્યુલન્સ ફરતી મુકાઇ છે. ક્રમશ: અન્ય શહેરો પણ આવરી લેવાશે.

એમ્બ્યુલન્સ દોડાવવી એ ધંધો નથી, આ એક પ્રકારે સમાજની સેવા છે. દર્દી કે ડેડ બોડીને શહેરમાંથી ગામડામાં લઇ જવામાં આવે ત્યારે દર્દીના સગા મોં માગ્યા પૈસા ચૂકવતા હોય છે. તમામ નાનાં કે મોટાં શહેરોમાં એમ્બ્યુલન્સની સેવા અનિવાર્ય છે. નાનાં નગરોમાં એમ્બ્યુલન્સની સેવાઓ અનિયમિત હોવાની કે સમયસર નહીં મળવાની ટીકા થતી રહી છે. 

એમ્બુલન્સ સામે શહેરનો ટ્રાફિક અંતરાય ઊભા કરે છે, તેની સ્પીડ ઘટાડે છે. કેટલીય વાર એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ જવાને કારણે દર્દીની હાલત વધુ ગંભીર બની જાય છે, દર્દીનો જીવ પણ જઈ શકે છે. ઇમર્જન્સી વખતે ટ્રાફિકને કારણે દરેક સેવા લાચાર બની જાય છે.

પ્રાઇવેટ દવાખાનાઓની પણ પોતાની એમ્બ્યુલન્સ સેવાઓ છે, જેનો હજારો લોકો તેનો લાભ મેળવે છે. 

ક્વિક કોમર્સ મારફતે ૧૦ મિનિટમાં ડિલીવરી એ એક નવું આકર્ષણ છે. ઓનલાઇન ઓર્ડર કરીને ઘેર બેઠા માલ-સામાન મગાવવાનું શરૂ થયું ત્યારે તે પણ લોકોને નવું લાગતું હતું. મગાવેલો સામાન પરત મોકલવો હોય તો તે પણ આસાન બનાવી દેવાયું હતું. 

લોકોની ઝડપી ડિલીવરીની જરૂરિયાત પૂરી કરવા પછી ૧૦ મિનિટમાં ડિલીવરીનો કોન્સેપ્ટ આવ્યો. ક્વિક કોમર્સની શરૂઆત થઈ ત્યારે તે આટલી ઝડપથી માલ કેવી રીતે સપ્લાય કરી શકે આ કંપનીઓ  બાબતે શંકા વ્યક્ત થતી હતી. એવી નારાજગી પણ વ્યક્ત થઈ કે બહુ ઝડપથી ડિલીવરી કરવાની લ્હાયમાં પૂરપાટ બાઇક કે સ્કૂટર ભગાવતા ડિલીવરી બોય પર જીવનું જોખમ ઊભું થાય છે. જોકે હવે લોકો સ્પીડ અને ઝડપી કામકાજ બન્નેને આવકારી રહ્યા છે. 

ક્વિક ફૂડ ડિલિવરી માટે આ કંપનીઓએ ડાર્ક સ્ટોર ઊભા કરવામાં આવશે, કે જેથી ડિલીવરી ૧૦ (કે થોડી વધારે) મિનિટમાં થઇ શકે. ખાણીપીણીની વાત કરીએ તો, ક્યા  વિસ્તારમાં લોકો રાત્રે સામાન્યપણે કયું ફૂડ ઓનલાઇન ઓર્ડર પસંદ કરે છે તેના આધારે આ ડાર્ક સ્ટોરમાં આધુનિક કિચન એસેસરીઝ મારફતે ફૂડને તાજું અને ગરમ રાખી શકાશે. ક્વિક કોમર્સ કંપનીઓ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય છે. તેઓ સતત બ્રેઇન સ્ટોર્મિંગ કરીને લોકોની જરૂરીયાત પ્રમાણે પોતાની સિસ્ટમમાં બદલાવ કરતા રહે છે. 

આરોગ્યની સેવાઓ સરકારની જવાબદારીમાં આવતી હોવાથી પ્રાઇવેટ કંપનીઓ સામાન્યપણે તેમાં ઝુકાવતી નથી. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ સેવાભાવે પોતાની એમ્બ્યુલન્સ દોડાવે છે. જોકે એમ્બ્યુલન્સ જેવી મહત્ત્વની સેવામાં જે કક્ષાનું પ્રોફેશનલિઝમ જોવા મળવું જોઇએ તે તેમાં ઘણી વાર ગેરહાજર હોય છે. 

નવાં સ્ટાર્ટઅપ ઊભા કરનારાઓ પાસે ચમકદાર આઇડિયા હોય છે. એમ્બ્યુલન્સ સેવાઓ બહુ મહત્ત્વની છે. સરકારી એમ્બ્યુલન્સમાં ત્વરિત આધુનિકીકરણ થઈ શકતું નથી. ટ્રાફિકમાંથી પોતાનો માર્ગ કાઢવા માટે જો ક્વિક કોમર્સ  કંપનીઓ પાસે મૌલિક આઇડિયા હોય તો તે આમજનતા માટે ઉપયોગી બની શકે છે.

Prasangpat

Google NewsGoogle News