જાયન્ટ ટેકનોલોજી કંપનીના સ્ટાફ પર લે-ઓફની તલવાર લટકે છે

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
જાયન્ટ ટેકનોલોજી કંપનીના સ્ટાફ પર લે-ઓફની તલવાર લટકે છે 1 - image


- સ્ટાફની હકાલપટ્ટી જાણે કે એક ટ્રેન્ડ બની ગઇ છે

- પ્રસંગપટ

- એકલા ઓગસ્ટમાં 1,36,000 કર્મચારીઓ લે-ઓફનો ભોગ બન્યા. કંપનીની ઘટતી આવક મુખ્ય કારણ હોય છે

અબજો ડોલરનો નફો રળતી ટેકનોલિજકલ જાયન્ટ કંપનીઓએ તેમના સ્ટાફ પર 'લે-ઓફ' (layoff)ની તલવાર વીૅઝવાનું ચાલુ રાખ્યું છે. લે-ઓફ એટલે કંપની દ્વારા સ્ટાફ પર જોબ છોડવા માટે દબાણ ઊભું થવું. કર્મચારી જવા નથી માગતો, પણ કંપની તેને કાઢવા માગે છે. ગયા મહિને, ઓગસ્ટમાં, ૧,૩૬,૦૦૦ કર્મચારીઓ લે-ઓફનો ભોગ બન્યા, એટલેકે તેમને નોકરી છોડવાનું ફરમાન કરવામાં આવ્યું. એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેેવાં મોટાં નામ સહિત દુનિયાભરની ૪૨૨ જેટલી ટેકનોલોજીકલ કંપનીઓએ પોતાના સ્કિલ્ડ સ્ટાફને પણ લે-ઓફનું કાર્ડ બતાવતાં સંકોચ ન કર્યો. ગૂગલ-માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં જોબ મેળવવી એ આઇટી ક્ષેત્રના પ્રોફેશનલ્સનું સપનું હોય છે, પરંતુ નોકરી મળ્યા પછી કર્મચારી પર ગમે ત્યારે લે-ઓફના હથિયારનો પ્રહાર થઈ શકે છે. 

લે-ઓફનું શસ્ત્ર ઉગામનાર કંપનીઓ વિવિધ કારણો બતાવતી હોય છે, જેમ કે હજારમાં મંદી છે એટલે ખર્ચ ઘટાડવો પડે તેમ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આવી જવાને કારણે સ્ટાફ ઓછો કરવાનો છે, વગેરે. જાયન્ટ કંપનીઓમાં તો જાણે લે-ઓફ કરવાનો  ટ્રેન્ડ બની ગયો છે. 

ડ૨૦૨૨ અને ૨૦૨૩માં પણ જાયન્ટ કંપનીઓએ લે-ઓફની તલવાર વીંઝીને કર્મચારીઓની નોકરી છીનવી હતી. આ સિલસિલો આજ સુધી ચાલુ છે. જાયન્ટ કંપનીઓ ટોચની એન્જિનીયરિંગ કોલેજોમાં કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને જોબ આપે છે, બેંગલુરૂ જેવા આઇટીનગરોમાં જોબમેળા યોજે છે, પરંતુ ધાર્યા પ્રમાણે  પ્રોફિટ ન થાય ત્યારે વિવિધ ખર્ચ પર કાતર ફેરવવાનું શરૂ કરે છે. લે-ઓફ દેખીતી રીતે જ કોસ્ટ-કટિંગનો જ એક ભાગ છે. 

 ગયા મે માસમાં એપલે તેની કેલિફોર્નિયા ખાતેની ઓફિસમાંથી ૬૧૪ કર્મચારીઓને લે-ઓફ કર્યા હતા. એપલનો ઇલેકટ્રિક, સેલ્ફ-ડ્રાઇવિંગ કારનો પ્રોજેક્ટ બંધ કરવો પડયો તેથી આ લે-ઓફ કરવું પડયું છે તેવું કંપનીનું કહેવું હતું. એક્શન કેમેરા અને તેને સંબંધિત ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપની ગોપ્રો (GoPro) પણ ૧૫ ટકા જેટલા સ્ટાફને લે-ઓફ કરી ઘરભેગો કરી નાખશે. ઓડિયો ટેકનોલોજી કંપની સોનોસે કબૂલ્યું છે કે અમે ૧૦૦ કર્મચારીઓને લે-ઓફનું કાર્ડ બતાવવાના છીએ. ૨૦૨૩માં પણ સોનોસે સાત ટકા સ્ટાફ ઓછો કરી નાખ્યો હતો.

નેટવર્કિંગ જાયન્ટ સિસ્કો પણ આ વર્ષે લે-ઓફનો વધુ એક રાઉન્ડને અમલમાં મૂકવાની ફિરાકમાં છે. આ કંપનીએ ફેબુ્રઆરી ૨૦૨૪માં ૪,૦૦૦ જેટલા કર્મચારીઓને લે-ઓફ હેઠળ રવાના કરી દીધા હતા. તેનું કારણ એવું બતાવાયું હતું કે કંપની તેના બિઝનેસ માળખામાં ફેરફાર કરી રહી છે તેથી સ્ટાફ ઓછો કરવો જરૂરી છે. ડેલ કંપનીનું નામ પણ મોટું છે. તેની અનેક પ્રોડક્ટ્સ ડિજિટલ અને અન્ય માર્કેટમાં બહુ ઉપયોગી બની ચૂકી છે.

 ડેલ કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આગળ ધરીને લે-ઓફ દ્વારા કંઈકેટલીય જોબ આંચકી લેશે. જોકે ડેલ કેટલા કર્મચારીઓને લે-ઓફ કરશે તેના અધિકૃત આંકડા હજુ સુધી આવ્યા નથી, પણ ડેલના સ્ટાફમાં ફરી રહેલો ઇન્ટરનલ મેમો દરેક કર્મચારીને ફફડાવી રહ્યો છે.

ઇન્ટેલ કંપનીનું નામ પણ લોકજીભે ચઢેલું  છે. ઇન્ટેલ તેના કુલ સ્ટાફના ૧૫ ટકા એટલે કે લગભગ ૧૫,૦૦૦ જેટલા કર્મચારીઓને લે-ઓફ દ્વારા વિદાય આપવાની જાહેરાત કરી ચૂકી છે. તેનું કારણે  એ જ બતાવવામાં આવે છે કે કંપનીનો ગ્રોથ અપેક્ષા કરતા ઓછો થયો છે. માઇક્રોસોફ્ટે ગયા જાન્યુઆરીમાં ૨,૦૦૦ જેટલા કર્મચારીઓને લે-ઓફ હેઠળ બેકાર બનાવી નાખ્યા હતા. 

જુન અને જુલાઇ માસમાં પણ લે-ઓફની તલવાર ઉગામી હતી, પરંતુ આ બે મહિના દરમિયાન કેટલા કર્મચારીઓને વિદાય અપાઈ તે જાણી શકાયું નથી. ગૂગલને પણ લે-ઓફ નામનો વાઇરસ વળગેલો છે. ગૂગલે આ વર્ર્ષેે વિવિધ ડિપાર્ટમેન્ટમાં લે-ઓફનું કાર્ડ દેખાડી દીધું છે, જેમાં વોઇસ આસિસ્ટન્ટ અને હાર્ડવેર ટીમ મુખ્ય છે. 

સો વાતની એક વાત આ છેઃ આઈટી પ્રોફેશનલોએ પોતાના કામમાં ઉત્કૃષ્ટ રહેવું પડશે અને નવી નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવવા ખુદને સતત અપડેટ કરતાં રહેવું પડશે. એકધારી બદલાતી જતી ટેકનોલોજીની દુનિયામાં તો જ રિલેવન્ટ રહી શકાશે. 

Prasangpat

Google NewsGoogle News