Get The App

અફઘાનિસ્તાન પર હુમલો કરીને પાકિસ્તાને ઊંઘતો રાક્ષસ જગાડયો

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
અફઘાનિસ્તાન પર હુમલો કરીને પાકિસ્તાને ઊંઘતો રાક્ષસ જગાડયો 1 - image


- તાલિબાનોએ તો અમેરિકાને પણ હંફાવ્યું હતું

- પ્રસંગપટ

- ચીન પહેલો દેશ એવો હતો કે જેણે તાલિબાનના રાજદૂતનો સ્વીકાર કર્યો હતો

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય છે, દેશમાં આંતર વિગ્રહ જેવી સ્થિતિ સર્જાઈ છે. વિશ્વમાં બદનામ થયેલા આ દેશની કમનસીબી એ છે કે તેના શાસકો અવામનું ધ્યાન અન્યત્ર દોરવા જે પ્રયાસો કરે છે તે બૂમરેંગ થઇને પાછા દેશ પર જ ત્રાટકે છે. આનું છેલ્લું ઉદાહરણ તાલિબાન છે. તાલિબાનોને છંછેડીને પાકિસ્તાને મોટી ભૂલ કરી છે. તાલિબાનો પર હુમલો કરીને પાકિસ્તાન એ બતાવવા માગતું હતું કે અમે બહુ તાકાતવાન છીએ અને ગમે તેના પર હુમલો કરી શકીએ છીએ. તાલિબાનો પર હુમલો કરીને પાકિસ્તાન બાંગ્લાદેશને મેસેજ આપવા માગતું હતું કે અમે ભલે આંતરવિગ્રહના મુખ પર બેઠા હોઇએ, પણ અમે હજુય લડી શકીએ તેમ છીએ. 

એક સમયે પાકિસ્તાન તાલિબાનોનું ખરું ટેકેદાર હતું. જે સાપને દૂધ પીવડાવીને મોટો કર્યો હતો  તે આજે પાકિસ્તાનને જ ડંખ મારવા તૈયાર થયો છે. અફઘાનના તાલિબાનો એ ઝનૂની જૂથ છે, જેણે અમેરિકી સૈન્યને હંફાવ્યું હતું અને તેમને અફઘાનિસ્તાન છોડવાની ફરજ પાડી હતી. તાલિબાનોએ લોકશાહી ઢબે ચૂંટાયેલી અફઘાનિસ્તાનની સરકારને  હિંસક રીતે ઉથલાવી હતી અને કાબૂલ પર કબ્જો મેળવીને વિશ્વ સામે પોતાની તાકાતનું પ્રદર્શન  કર્યું હતું. 

પાકિસ્તાન સામે બાંયો ચઢાવનાર તાલિબાનો સાથે તહરીક-એ- તાલિબાન પણ જોડાયું છે. તાલિબાનો પાસે પણ હવે આધુનિક શસ્ત્રો છે અને યુદ્ધની વ્યૂહરચના પણ છે. 

પાકિસ્તાનના લશ્કરના અધિકારીઓ સાથે તાલિબાનોની સાંઠગાંઠ છે. આ લશ્કરી અધિકારીઓની રહેમ નજર હેઠળ તો તાલિબાનો પાકિસ્તાનનાં સરહદી ગામોમાં અફીણ   ઉગાડવાનો ધંધો કરે છે.

અમેરિકન લશ્કર તાલિબાનોની પાછળ પડીને તેમને ભગાડતું હતું ત્યારે અમેરિકાનાં આધુનિક શસ્ત્રોના મારથી બચવા ખૂંખાર તાલિબાનો પાકિસ્તાનનાં સરહદી ગામોમાં છુપાઇ જતા હતા. તાલિબાનોએ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ તોડી ત્યારે અમેરિકાની સરકારે સૈન્યને આદેશ આપ્યો હતો કે સરહદી ગામડામાં છૂપાયેલા તાલિબોનોનો સફાયો કરી નાખો. તે વખતે પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓએ કહ્યું હતું કે પાક્સ્તિાનના સૈનિકોને તમે સાથે રાખો, આપણે સંયુક્તપણે સર્ચ ઓપરેશન હાથ ધરીશું. બન્યું એવું કે પાકિસ્તાની અધિકારીઓ આ સર્ચ ઓપરેશનની આગોતરી જાણ તાલિબાનોને કરી દેતા અને આ રીતે તેમને બચાવી લેતા હતા. મહિના પછી અમેરિકી લશ્કરને સમજાઈ ગયું કે આપણને ઉલ્લુ બનાવવામાં આવે છે. તે પછી અમેરિકી સૈન્યે એકલા હાથે સર્ચ ઓપરેશન આગળ વધાર્યું હતું.

 પાકિસ્તાનનાં સરહદી ગામડાઓમાં તાલિબાનો લાંબો સમય છૂપાઇ રહ્યા હોવાથી સ્થાનિક નાગરિકો સાથે એમનો ઘરોબો થઈ ગયો હતો.  અમેરિકી લશ્કરે પાકિસ્તાની સૈનિકોને સાથે લીધા વિના એકલા જ અચાનક છાપા મારવાનું શરૂ કર્યું ત્યારે જે-તે ઘરની મહિલાઓ પોતાને આ તાલિબાનોની પત્ની ગણાવીને એમને બચાવી લેતી હતી. આ તાલીમ પણ પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓનું જ કારસ્તાન હતું.  

વિવાદના મૂળમાં ચીન છે. તાલિબાનોએ કાર બોમ્બની મદદથી ચીનના પાંચ નાગરિકોની હત્યા કરી હતી એવો આક્ષેપ પાકિસ્તાને કર્યો હતો.  આ મૃતકો ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ચીનની સહાયથી બંધાતા હાઇડ્રોે પાવર પ્રોજેક્ટ માટે કામ કરતા હતા. તેમની હત્યાનો આક્ષેપ તાલિબાને ફગાવી દીધો હતો. અફઘાનિસ્તાને ચીનને જણાવ્યું હતું કે પાકિસ્તાન આપણા સંબંધો બગાડવા માટે આ ચાલ રમી રહ્યું છે. 

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એમ બંને ચીનની ચમચાગીરી કરે છે. પાકિસ્તાનને ખતરો એ વાતનો છે કે તહરીક-એ-તાલિબાન, કે જે પાકિસ્તાની તાલિબાન તરીકે ઓળખાય છે, તે અફઘાની તાલિબાનોને ટેકો આપી રહ્યું છે. અમેરિકા અને રશિયા બંને જાણે છે કે અફઘાની તાલિબાનોને બહુ છંછેડવા જેવા નથી. 

ઓેગષ્ટ ૨૦૨૧ના રોજ તાલિબાનોએ કાબુલ પર કબ્જો જમાવ્યો ત્યારથી ચીને અફઘાનિસ્તાનની સાથે સંબંધો વધારવાનું શરૂ કર્યું હતું. ચીન પહેલો દેશ એવો હતો કે જણે તાલિબાનના રાજદૂતનો સ્વીકાર કર્યો હતો.  બાકી પાકિસ્તાને તાલિબાન નામના સૂતેલા રાક્ષસને જગાડીને ભૂલ કરી નાખી છે એ તો નક્કી. 

Prasangpat

Google NewsGoogle News