અમેરિકામાં ક્રૂડતેલનું ઉત્પાદન વધારવા પ્રમુખ ટ્રમ્પની હાકલ
- પ્રસંગપટ
- ઈંમ્પોર્ટ કોસ્ટ વધી છે તથા ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી પણ ઉંચી જાય છે
- બાયોડિઝલ અને ઈથેનોલ વિશે ટ્રમ્પની નીતિ કેવી રહે છે તેના પર પણ કૃષિ બજારોના વૈશ્વિક ખેલાડીઓની નજર
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અમેરિકામાં ક્રૂડતેલનું ઉત્પાદન વધારવા હાકલ કરી છે. આ ઉપરાંત ક્રૂડતેલના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકને ક્રૂડના ભાવ ઘટાડવા ટ્રમ્પે હાકલ કરી છે. આના પગલે વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ વધઘટે તાજેતરમાં ક્રૂડ પાછલ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. આઈટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ મલેશિયાથી પામતેલની નિકાસ જાન્યુઆરીના પ્રથમ પચ્ચીસ દિવસોમાં નોંધપાત્ર ઘટતાં બે વર્ષના તળિયે આવી નિકાસપહોંચી છે. ત્યારે બીજી તરફ રશિયાથી મળતા સમાચાર મુજબ ત્યાંથી થતી સનફલાવર તેલની નિકાસ પરની ડયુટી સરકારે વધારવાનું નક્કી કર્યું છે. અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના જણાવ્યા મુજબ યુક્રેનમાં સનફલાવરની અછત દેખાઈ છે. રશિયા તથા યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે બન્ને દેશોના કૃષી ક્ષેત્ર પર પણ પ્રતિકૂળ અસર પડતી જોવા મળી છે. આવા માહોલમાં પામતેલ પછી હવે સનફલાવરના ભાવ પણ ઉંચા જશે તો સોયાતેલની માગ વધી જવાનો અંદાજ જાણકારો હવે બતાવતા થયા છે.
ઘરઆંગણે તથા વિશ્વ બજારમાં કરન્સી બજારમાં ઉતલપાથલ વધી છે. રૂપિયો નબળો પડી રહ્યો છે. ડોલર ઉંચકાયો છે. આયાત કારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દરો સરકાર છાશવારે વધારતી રહી છે. આના પગલે ઈંમ્પોર્ટ કોસ્ટ વધી છે તથા ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી પણ ઉંચી જાય છે. ૨૦૨૫ના નવા વર્ષમાં કોમોડિટીઝ બજારો પર કરન્સી બજારોની અસર ઘેરી જોવા મળશે એવી ગણતરી બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં નવા પ્રેસીડન્ટ તરીકે ટ્રમ્પનું આગમન થયું છે તથા બાયોડિઝલ અને ઈથેનોલ વિશે ટ્રમ્પની નીતિ કેવી રહે છે તેના પર પણ કૃષી બજારોના વૈશ્વિક ખેલાડીઓની નજર રહી છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં થતી ચડ ઉતરતી અસર પણ વૈશ્વિક ખાદ્યતેલોની બજાર પર પડતી રહી છે તથા તેના પગલે ઘરઆંગણાના ખાદ્યતેલોના બજારોમાં પણ વધઘટ થતી રહે છે.
દેશમાં તેલિબિંયા તથા વિવિધ ખાદ્યતેલોની બજાર અને ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો ઘરઆંગણે તેમ જ વૈશ્વિક સ્તરે બદલાતા જોવા મળ્યા છે. ભારત દેશ કૃષી પ્રધાન દેશ તરીકે ઓળખાતો હોવા છતાં ખાદ્યતેલોની બાબતમાં તેમ જકઠોળ-દાળની બાબતમાં આપણે આત્મનિર્ભર ન હોતાં દરિયાપારથી આવતા આયાતી માલો પણ આધાર રાખવો પડે છે એવી સ્થિતિ ચાલુ રહી છે. ઘરઆંગણે આ ચીજોનું ઉત્પાદન વધારવા સરકાર છાશવારે વિવિધ યોજનાઓ તથા પ્રયત્નો કરતી રહી છે. આ પ્રયત્નોના પગલે આગામી વર્ષોમાં કદાચ આયાત પરનો આધારે ઘટશે એવી પણ આશા સેવાઈ રહી છે. જોકે હાલ તુરત તો આયાતો પર આધાર ચાલુ રહેશે એવાં સંકેતો મળી રહ્યા છે. ખાદ્યતેલોની બજારોમાં પણ પ્રવાહો ઝડપથી પલ્ટાતા રહ્યા છે. ઘરઆંગણે તેમ જ વૈશ્વિક સ્તરે પણ સમીકરણો બદલાતા જોવા મળ્યા છે.
ઘરઆંગણે અગાઉ આયાતી પામતેલના ભાવ નીચા રહેતા હતા તથા તેની સરખામણીએ સોયાતેલ તથા સનફલાવર તેલના ભાવ ઉંચા રહેતા હતા પરંતુ તાજેતરમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તથા હવે પામતેલના ભાવ સરખામણીએ ઉંચા બોલાતા થયા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. એશિયન પામ ઓઈલ અલાયન્સના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૫ના નવા વર્ષમાં આવા માહોલમાં વિશ્વ બજારમાં પામતેલનો હિસ્સો ઘટશે તથા સનફલાવર તેલ અને સોયાતેલનો હિસ્સો વધવાની શક્યતા જણાય છે. અત્યાર સુધી વૈશ્વિક પામતેલની બજારમાં ઈન્ડોનેશિયાનો દબદબો રહ્યો હતો પરંતુ તાજેતરમાં હવે ઈન્ડોનેશિયામાં ઘરઆંગણે પામતેલનોવપરાશ વધતાં વિશ્વ બજારમાં ઈન્ડોનેશિયાનું સરપ્લસ પામતેલ ઓછું આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં અગાઉ પામતેલની આયાત વિશેષ થતી હતી પરંતુ તાજેતરમાં નવેમ્બર તથા ડિસેમ્બર દરમિયાન દેશમાં પામતેલની આયાતમાં ખાસ્સી પીછેહટ દેખાઈ છે તથા જાન્યુઆરીમાં પણ આવી પીછેહટ ચાલુ રહ્યાના નિર્દેશો બજારમાંથીળ્ળ્યા હતા. વિશ્વ બજારમાં ઈન્ડોનેશિયાની પીછેહટનો ડાયરેકટ એડવાન્ટેજ થાઈલેન્ડને મળશે એવી શક્યતા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. વૈશ્વિક સ્તરે પામતેલના ઉત્પાદનમાં ઈન્ડોનેશિયા તથા મલેશિયા પછી થાઈલેન્ડનું નામ ચર્ચાતું રહ્યું છે. ભારત તથા ચીન જેવા મોટા વપરાશકર્તા દેશોની ભૌગલિક સંદર્ભમાં થાઈલેન્ડ નજીક રહ્યું છે.