અમેરિકામાં વ્યાજના દર કેટલા ઘટશે? વિશ્વના બજારોની ઉત્સુક્તા

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
અમેરિકામાં વ્યાજના દર  કેટલા ઘટશે? વિશ્વના બજારોની ઉત્સુક્તા 1 - image


- પ્રસંગપટ

- વ્યાજના દરમાં ઘટાડો કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે 

- યુએસમાં વ્યાજદર ઘટશે એવી ગણતરીએ ડોલર ઇન્ડેક્સ ઘટતા વિવિધ કોમોડિટીઝના ભાવ ઉંચકાયાના નિર્દેશો

વિશ્વ બજારમાં વિવિધ કોમોડિટીઝ બજારોમાં ખેલાડીઓની નજર હવે સપ્ટેમ્બર મહિના પર રહી છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડો થવાની શરૂઆત થશે એવાં સંકેતો તાજેતરમાં વહેતા થયા છે અને આના પગલે વૈશ્વિક સ્તરે સોના, ચાંદી, ક્રૂડતેલ, કોપર સહિતના વિવિધ કોમોડિટીઝ બજારોમાં બેતરફી ઉછળકુદ તાજેતરમાં દેખાઈ છે. અમેરિકામાં લાંબા સમય પછી હવે વ્યાજના દરમાં ઘટાડો કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે તથા સપ્ટેમ્બરમાં અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બરે મળનાર છે. આ બે દિવસીય મિટિંગના અંતે ૧૮મી સપ્ટેમ્બરે ત્યાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં ઘટાડો જાહેર થવાની શક્યતા વધી છે. હવે માત્ર એ જોવાનું રહેશે કે ત્યાં ૧૮મી સપ્ટેમ્બરે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં પા ટકાનો ઘટાડો કરાય  છે કે અડધા ટકાનો ? આના પર હવે વિશ્વ બજારના ખેલાડીઓ નજર માંડીને બેઠા છે. સામાન્યપણે અમેરિકામાં જ્યારે વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ઘટે છે અને જ્યારે વ્યાજના દર વધારવામાં આવે છે ત્યારે વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચકાતો હોય છે. આ વખતે વ્યાજના દરમાં  ઘટાડો કરાશે એવા સંક્ેતો વચ્ચે વિશ્વ બજારમાં તાજેતરમાં ડોલરનો ઈન્ડેક્સ દબાણ હેઠળ જોવા મળ્યો હતો અને જ્યારે જ્યારે વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ઘટે છે ત્યારે વિશ્વ બજારમાં સોના, ચાંદી, ક્રૂડ તેલ વિ. સહિત વિવિધ કોમોડિટીઝના ભાવ ઉંચકાય છે અને આથી વિપરીત  જ્યારે વૈશ્વિક ડોલરનો ઈન્ડેકસ વધે છે ત્યારે વૈશ્વિક કોમોડિટીઝ બજારોમાં પીછેહટ જોવા મળતી હોય છે એવું વિશ્વ બજારના ખેલાડીઓએ જણાવ્યું હતું. તાજેતરમાં વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટી નીચામાં ૧૦૧ની સપાટીની અંદર ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. છેલ્લા બાર મહિનાના સમયગાળા પર નજર માંડીએ તો ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ઉંચામાં ૧૦૭.૩૦થી  ૧૦૭.૪૦ની સપાટી સુધી પહોંચ્યો હતો તથા ત્યારબાદ નીચામાં આ ઈન્ડેક્સ ૧૦૦.૫૦થી ૧૦૦.૬૦ સુધી પહોંચ્યો હતો. ડોલરનો ઈન્ડેકસ  વિશ્વ બજારમાં ઉંચેથી નીચો ઉતરતો રહ્યો છે એ જોતાં અમેરિકામાં વ્યાજ દરમાં હવે જલદીથી ઘટાડો થશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. અમેરિકામાં વ્યાજના દર ઘટાડાશે ત્યારે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધુ ઘટશે એવી ગણતરી પણ તાજેતરમાં જાણકારોએ દર્શાવી હતી. તથા તેના પગલે વિશ્વના એગ્રી તથા નોન-એગ્રી કોમોડિટીઝ બજારો ઉંચકાશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, અમેરિકામાં ૧૯૯૦માં વ્યાજના દર ૭ ટકાની ઉપર રહ્યા હતા અને ત્યારબાદ વ્યાજ દર ઘટી ૨૦૦૧થી  ૨૦૦૪માં બે ટકાની અંદર જતા રહ્યા હતા. ૨૦૦૮માં ત્યાં વ્યાજના દર બે ટકા નજીક હતા તે ત્યારબાદ અમેરિકામાં મંદી શરૂ થતાં વ્યાજના દર ઘટી ૧ ટકાની અંદર ઉતરી ઝીરો ટકાની નજીક ઉતરી ગયા હતા, આ પછીના ગાળામાં ૨૦૧૭, ૨૦૧૮ તથા ૨૦૧૯માં વ્યાજના દર ફરી ઉંચકાયા હતા તથા ૨૦૧૯માં આવા દર વધી ફરી બે ટકાની ઉપર ગયા હતા. આ પછી ૨૦૨૦ તથા ૨૦૨૧માં કોરોના કાળની મંદીમાં ત્યાં વ્યાજના દરમાં ફરી નોંધપાત્ર ઘટાડો થયો હતો તથા ૨૦૨૨માં આ દર ફરી ઝડપી ઉંચકાઈ ૪ ટકા તથા ત્યારબાદ ૨૦૨૩માં પાંચ ટકાની ઉપર ગયા હતા. ત્યાર પછીના ગાળામાં ત્યાં વ્યાજના દર વધ્યા મથાળે જળવાઈ રહ્યા પછી હવે ૨૦૨૪ના વર્તમાન વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં ત્યાં વ્યાજના દરમાં ફરી ઘટાડો થવાનો તખ્તો ગોઠવાયો છે. ત્યાં ફુગાવો હવે કાબુમાં આવ્યો છે તથા વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે સમયહવે આવી ગયો છે એવું અમેરિકાના ફેડરલ રિઝર્વના અધ્યક્ષે તાજેતરમાં જણાવ્યું હતું. ત્યાં વ્યાજ દર ઘટવાની આશાએ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં તેના પગલે તાજેતરમાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશના ૨૫૦૦ ડોલરની ઉપર તથા ચાંદીના ભાવ વધી ઔંશના ૩૦ ડોલરની ઉપર જતા રહ્યાના વાવડ દરિયાપારથી તાજેતરમાં મળ્યા હતા. અન્ય કોમોડિટીઝની બજારો પણ આના પગલે ઉંચકાઈ હતી.દરમિયાન, વૈશ્વિક ડોલર સામે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોપીયન કરન્સી યુરોના ભાવ ઉંચકાયાના સમાચાર હતા. ડોલર સામે તાજેતરમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી અઢી વર્ષની  ટોચે પહોંચ્યા હતા. ડોલર સામે ચીનની કરન્સી પણ ઝડપી વધી હતી.


Prasangpat

Google NewsGoogle News