સંવત 2081માં સોના-ચાંદીમાં તેજીનો ઝગમગાટ ચાલુ રહેશે
- સંવત 2080માં સોનાના ભાવમાં 32 ટકાનો વધારો
- સંવત 2067માં સોનામાં 36 ટકા અને ચાંદીમાં 40 ટકાનું રીટર્ન જોવા મળ્યું હતું
- પ્રસંગપટ
આજથી સંવત ૨૦૮૧નો પ્રારંભ થઈ રહ્યો છે. સોના-ચાંદીએ ગત ૨૦૮૦ના વર્ષે તેજીનો સ્વાદ ચખાડયો હતો. સોના-ચાંદીનાં બજારોમાં હજુય તેજી છે. અલબત્ત, મધ્યમવર્ગે સોનાની ખરીદીના વિચારને ટાટા-બાયબાય કહી દેવું પડે તેમ છે. સોનાનો ભાવ એક લાખની દિશામાં દોડશે તે તો કોઇએ કલ્પ્યું પણ નહોતું. જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સોના-ચાંદીના વધતા ભાવો જોઇ મૂઝવણમાં પડી ગયા હતા.
સંવત ૨૦૮૦માં સોનાના ભાવમાં ૩૨ ટકાનો વધારો નોંધાયો હતો. એટલે જ કહ્યું છે કે ૨૦૮૦નું વર્ષ ચકમકતી ચીજો માટે તેજીનું રહ્યું હતું. સોનાના ભાવમાં વધારો ચિંતાજનક એટલા માટે બન્યો હતો કે વિશ્વમાં સતત ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા સંભળાતા હતા. જો ખરેખર યુદ્ધ ફાટી નીકળે તો સોનાના ભાવોમાં મોટી ચડઉતર જોવા મળી શકે એમ હતી. જાણકારો કહે છે કે સંવત ૨૦૬૭ ( એટલેકે અંગ્રેજી વર્ષ ૨૦૧૧) પછી સોનાના ભાવોમાં પહેલી વાર આટલો મોટો અને સ્થિર ઉછાળો જોવા મળ્યો છે.
સંવત ૨૦૬૭માં સોનામાં ૩૬ ટકા અને ચાંદીમાં ૪૦ ટકાનું રીટર્ન જોવા મળ્યું હતું. સોના-ચાંદીનાં બજારોની ચડઉતર પ્રજાની સમૃદ્ધિની અને ખરીદશક્તિનાં દર્શન કરાવતી હોય છે. આપણે ત્યાં લોકોક્તિ છે કે સુખ મેં સમરે સોની, દુખમેં સમરે રામ. અર્થાત્ આર્થિક સમૃદ્ધિ સહેજ સુધરે કે તરત જ લોકો સોનું ખરીદવા પ્રેરાય છે.
મધ્યમવર્ગ પોતાનાં સંતાનોનાં લગ્ન માટે ટુકડે ટુકડે સોનાની ખરીદી કરીને ભેગું કરતા રહે છે. તે માટે તે ગુરૂ પુષ્ય નક્ષત્ર કે ધનતેરસ જેવા પવિત્ર દિવસોની રાહ જુવે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ગયા સપ્ટેમ્બરમાં આવેલો રિપોર્ટ કહે છે કે અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી અને મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે સોનાના ભાવ હજુ પણ વધી શકે છે. અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીનો નિર્ણય આ મહિનામાં આવી જવાનો છે, જ્યારે યુદ્ધની આગ વિકરાળ બનીને આગળ વધી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર સપ્ટેમ્બર માસમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં ૭૬.૭ ટન સોનું વેચાયું હતું. ભારતના પ્રથમ ગોલ્ડ સોવેરીન બોન્ડની મેચ્યોરિટી પણ સંવત ૨૦૮૦માં ચૂકવાઇ હતી.
જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓને એક તરફ ઓનલાઇન જ્વેલરી વેચનારા પડકારી રહ્યા છે, તો બીજી તરફ શહેરોમાં સોના-ચાંદીની નાની દુકાનો ધરાવનારા પડકારી રહ્યા છે. દરેક કુટુંબ એક ચોક્કસ સોનીની દુકાન સાથે વિશેષ ઘરોબો ધરાવતું હોય છે. દરેક પ્રસંગે તેને ત્યંાથી ખરીદી કરવામાં આવે છે. સંવત ૨૦૮૦માં સોનાના ભાવ એટલા ઊંચા ગયા હતાકે મધ્યમવર્ગે સોનાની ખરીદીમાં કાપ મુકવો પડયો હતો. ૮૦,૦૦૦ રૂપિયે એક તોલું સોનું ખરીદવા માટે મધ્યમવર્ગે મહિનાઓ સુધી સતત બચત કરવી પડે છે. મધ્યમવર્ગ સોનાના ઊંચા ભાવોથી દેખીતી રીતે જ નારાજ છે.
સરકારે જુલાઇ ૨૦૨૪માં જ્યાં સોના પરની આયાત ડયુટીમાં ઘટાડો કર્યો ત્યારે ભાવોમાં નવ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ સોનાની આયાત ૩૬૦ ટન જેટલી વધી હતી અને લોકોમાં તેની ખરીદી પણ વધી હતી.
આજથી ૨૦૮૧નો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે વર્ષની શરૂઆતથી જ જાણે કે ત્રીજા વિશ્વયુધ્ધનાં વાદળો બંધાઇ રહ્યાં છે. હવે મેરેજ સિઝન આવશે. દેશમાં વીસ લાખ જેટલાં લગ્નો થવાં જઈ રહ્યાં છે ત્યારે સોનાની ખરીદીની માત્રા પણ વધતી જશે. લગ્નોની મોસમ વર્ષમાં ત્રણ વાર આવે છે. આપણે ત્યાં લગ્નોમાટેની ખરીદીની યાદીમાં સોનું ટોેપ પર હોય છે. લગ્નનાં છ મહિના અગાઉ જ સોનાની ખરીદી સામાન્યપણે થઈ જતી હોય છે.
ગઈ કાલે શુક્રવારે બજારો બંધ હતી અને સોનાનો ભાવ અંદાજે ૮૦,૦૦૦ તેમજ ચાંદીનો ભાવ ૯૬,૦૦૦ બોલાયો હતા. સોના-ચાંદીનાં બજારોના જાણકારો કહે છે કે સંવત ૨૦૮૧માંપણ સોનામાં તેજી ચાલુ રહી શકે છે. જે લોકો સોનામાં રોકાણ કરવા માગે છે તેમના માટે સંવત ૨૦૮૧ પણ શુકનવંતુ સાબિત થઇ શકે છે. જેમની પાસે સોનામાં રોકાણ કરવાલાયક પૈસો છે તેમના માટે સોનું ઝગમગાટનું બીજું નામ છે તે સમજી લેવું જોઇએ.