તૂટતો રૂપિયા, તૂટતી પ્રતિષ્ઠા વધતી મોંઘવારી, વધતા ખર્ચા
- રોજ રૂપિયો તૂટે છે, આર્થિક ક્ષેત્રેે ચિંતાનો વિષય
- પ્રસંગપટ
- 1990ના દાયકામાં 17 રૂપિયાનો ડોલર 44 રૂપિયાનો થઈ ગયો હતો : બધી સરકારો બેધ્યાન રહી
રૂપિયો રોજ તૂટી રહ્યો છે તે આર્થિક સ્તરે તે ચિંતાનો વિષય છે, પરંતુ સરકાર તે વર્તાવા દેતી નથી, કેમ કે એણે સબ સલામતનું ગાણું ચાલુ રાખવું છે.
તૂટતા રૂપિયાને બચાવવા સરકાર પાસે બહુ ઓછા વિકલ્પો છે. શેરબજારનો સેન્સેક્સ કેટલો તૂટયો કે નિફ્ટી કેટલી તૂટી તેની ચર્ચાઓ જાહેરમાં થાય છે, પરંતુ તૂટતા રૂપિયાની ચિંતા જોઈએ એટલી થતી નથી. તૂટતો રૂપિયો અર્થતંત્રને ખોખલંું બનાવી રહ્યો છે.
ભારત ઓઇલની આયાત પર આધારિત છે. રૂપિયો તૂટશે તો વિદેશથી મંગાવાતું ઓઇલ વધુ મોંઘું થશે અને તેની સીધી અસર પેટ્રોેલ-ડિઝલ સહિતની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ભાવો પર પડશે. રોજીંદી ચીજોના ભાવો પર પણ તેની સીધી અસર પડશે. અમેરિકાથી આયાત થતી ચીજો પણ મોંઘી થશે.
જે ઉદ્યોગોનું ઉત્પાદન આાયાત કરેલી ચીજો પર આધારિત હોય છે તેની પ્રોડક્ટ્સની કિંમત વધી જશે તે સ્વભાવિક છે. ભારત સૌથી વધુ આયાત ઓઇલની કરે છે. સોલાર અનેે વિન્ડ એનર્જી સાથે સંકળાયેલાં ઉપકરણો અને મશીનરી પણ આયાત થાય છે. આ મશીનરીનાં બિલ ડોલરમાં ચૂકવવા પડે છે.
ડોલરનો ભાવ ૮૫ની આપસાસનો રહે છે ત્યારે નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે દિવસો તેજીના બની જાય છે. આજે બેંકમાં એક ડોલર વટાવીએ તો ૮૫ રૂપિયા મળે છે, જે દર્શાવે છે કે તેની કિંમત બહુ ઊંચે જઇ રહી છે.
૩૧ ડિસેમ્બરે રૂપિયો ૧૩ પૈસા જેટલો તૂટયો ત્યારે નાણાંપ્રધાને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સ્પષ્ટતા કરવા જેવી હતી, પરંતુ લાગે છે કે સરકાર 'હોતી હૈ ચલતી હૈ'ની નીતિનો ભોગ બનેલી છે. તૂટતા રૂપિયાને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. સતત તૂટતો રૂપિયો અર્થતંત્રની પડદા પાછળની નબળાઈની ચાડી ખાય છે.
વર્તમાનમાં રૂપિયો સતત તૂટી રહ્યો છે તની પાછળ ટ્રમ્પ ફેક્ટર કામ કરી રહ્યું હોવાનું મનાય છે. ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભળશે ત્યાર પછીની વૈશ્વિક બજારોની સ્થિતિ કેવી હશે તેનો વરતારો અત્યારથી જ મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડવાનું વિચારી રહ્યું છે, તો બીજી તરફ, ટેરીફના શસ્ત્રથી ભારતના એક્સપર્ટ્સ પર ફટકો પડે પડી શકે છે.
ખાસ કરીને એક્સપોર્ટ સાથે જોડાયેલા લોકો સતત ડોલર ઇન્ડેક્સ પર સતત વોચ રાખતા હોય છે. ઇન્ડિયાનું કરંટ ડેફિસિટ એકાઉન્ટ (ભછઘ) ૧૧.૨ અબજ ડોલર જેટલું છે.
બ્રિક્સ દેશોમાં ભારત પણ છે. આ દેશોએ પોતાની અલગ કરન્સી ઊભી કરીને અમેરિકાના ડોલરને પડકારની તજવીજ કરતાં જ અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છંછેડાયા હતા. તેમણે બ્રિક્સ દેશોને ધમકીના સૂરમાં કહ્યું હતું કે ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશો તો અમે તમારી સાથેનો વેપાર બંધ કરી દેતા અચકાઇશું નહીં. કોઇ પણ દેશને અમેરિકા સાથેના સંબંધો તૂટે એ પોષાય એમ નથી. ભારતે રૂપિયાનો વ્યવહાર નાના દેશો સુધી પહોંચાડવાની કોશિશ કરી, પણ અમેરિકાનું વહિવટી તંત્ર ભારતના રૂપિયાને પ્રસરવા દે એમ લાગતું નથી.
ડોલરના ભૂતકાળ પર નજર કરીએ તો દેશ આઝાદ થયો ત્યારે ડોલરનો ભાવ સાવ મામૂલી હતો - ૩ રૂપિયા જેટલો હતો. ૧૯૯૦માં આ આંક ૧૭ રૂપિયા પર હતો. ત્યારબાદ ઉદારીકરણના પગલાં લેવાયાં હતાં. ૧૯૯૦થી ૨૦૦૦ના વર્ષના અંતે ડોલર સામે રૂપિયો તૂટીને ૪૪.૩૧ પર પહોંચી ગયો હતો. ત્યારથી તબક્કાવાર રૂપિયો તૂટયો રહ્યો. કોઇ સરકારએ આ સ્થિતિને બહુ ગંભીરતાથી લીધી નહીં.
૨૦૧૪ના વર્ષમાં મોદી સરકાર આવી ત્યારે રૂપિયો તૂટીને ૬૦.૯૫ પર હતો. આજે ૧૧ વર્ષના અંતે, ૨૦૨૫ના પહેલા દિવસે તે ૮૫.૬૪ પર પણ સ્થિર નથી. શેરબજારમાંથી વિદેશી રોકાણકારો નાણું પાછું ખેંચી રહ્યા છે, જેના પ્રેશરની અસર પણ તૂટતા રૂપિયા પર જોવા મળી રહી છે.
સરકારે તૂટતા રૂપિયાને સ્થિર કરવા પ્રયાસ કરવાની જરૂર છે.જો ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી પછી કોઇ આકરા નિર્ણયો લેશે તો શક્ય છે કે રૂપિયો સડસડાટ નીચે જતો જોવા મળે.