જુઠ્ઠાણાં પર રચેલો સત્તાનો મહેલ તૂટી પડયોઃ પૂજા હવે પ્રતિબંધિત
- યુપીએસસીએ પૂજાને ડિસમિસ અને બ્લેકલિસ્ટ કરી
- પ્રસંગપટ
- પૂજા ખેડકર કેસને કારણે બોગસ દિવ્યાંગ સર્ટિફિકેટ લઇને જોબ મેળવનારાઓની ઊંઘ હરામ થઇ ગઇ છે
જુઠ્ઠાણાંના ઘોડા પર સવાર થઇને હવામાં ઉડતી વિવાદાસ્પદ ટ્રેઇની આઇએએસ ઓફિસર પૂજા ખેડકર અંતે જમીન પર પટકાઇ છે. ખોટી ઓળખ અને ખોટાં સર્ટિફિકેટોના જોરે બિન્દાસ્ત બનીને ફરી રહેલાં પૂજા ખેડકર અને તેનાં માતા- પિતાની એ હદે બેઇજ્જતી થઇ ચૂકી છે કે ન પૂછો વાત. દિવ્યાંગ હોવાનું ખોટું સર્ટિફિકેટ, ઓબીસીનું ખોટું સર્ટિફિકેટ અને બીજાં તરકટ પૂજા ખેડકરને ખૂબ ભારે પડયાં છે. યુપીએસસીની પેનલ સામે પૂજા પોતાનાં જુઠ્ઠાણાના ખુલાસા કરી શકી નહોતી. સિવિલ સર્વિસની પરીક્ષાથી બનવાથી શરૂ કરીને નોકરી મેળવવા સુધી તેણે જુઠ્ઠાણાંની જે પરંપરા સર્જી હતી તે આખો ટ્રેક પકડાઇ ગયો હતો.
પૂજા ખેડકરના કેસના પગલે અન્ય કેટલાક કિસ્સાઓમાં પણ બોગસ દિવ્યાંગ સર્ટિફિકેટ તેમજ બોગસ માર્કશીટ કૌભાંડ સપાટી પર આવ્યાં હતાં. યુપીએસસીની પેનલે પૂજાની ઉમેદવારી રદ કરી છે અને ભવિષ્યમાં કોઇ પરીક્ષા ન આપી શકે તેવાં પગલાં લીધાં છે.
પૂજાના કેસના કારણે દિવ્યાંગનું બોગસ સર્ટિફિકેટ લઇને જોબ મેળવનારાઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. ઊંચી સરકારી નોકરી મેળવવા લોકો કેવાં કેવાં ગતકડાં અને છેતરપીંડી કરતા હોય છે તે પૂજાના કિસ્સા પરથી લોકોને જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે પૂજાનાં બોગસ સર્ટિફિકેટ્સ સાથે જોડાયેલાં તમામ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરીને વિગતો મેળવી હતી. આ તપાસમાં એટલા બધા ગોટાળા સામે આવ્યા કે જેનો ખુલાસો પૂજા કોઈ હિસાબે કરી શકે એમ નહોતી.
દિલ્હી પોલીસે પણ તાજેતરમાં પૂજા સામે કેસ કરેલો છે. પૂજા એટલી ઉસ્તાદ છે કે તેણે પોતાની સામે કરેલા કેસ અંગે જજ દેવેન્દ્રકુમારને એવું કહ્યું કે મારી સામે કેસ એટલા માટે કરાયો છે કે મેં એક કલેક્ટર સામે જાતીય સતામણીનો કેસ કર્યો હતો. પૂજાના વકિલે કહ્યું હતું કે પૂજા મહિલા છે માટે તેને હેરાન કરાઇ રહી છે.
પૂજાનો પગ બદનામીના કૂંડાળામાં ત્યારે પડયો હતો કે જ્યારે તેણે પ્રાઇવેટ કાર પર રેડ લાઇટ મુકવાની માંગણી કરી હતી. તેણે વીવીઆઇપી કાર નંબર અને પોતાની અલગ કેબિનની પણ માંગણી કરી હતી. આવી કોઈ માંગણી ટ્રેઇની ઓફિસર ન કરી શકે. એક ટ્રેઇની શી રીતે આવો રાજાશાહી ઠાઠ ભોગવવાની ડિમાન્ડ કરી શકે તે સવાલથી વિવાદની શરૂઆત થઈ.
ધીમે ધીમે કોથળામાંથી અનેક બિલાડા બહાર આવતા ગયા. પહેલાં દિવ્યાંગ હોવાનું ખોટું સર્ટિફિકેટ, પછી ખોટું ઓબીસી સર્ટિફિકેટ, પછી વારંવાર નામ બદલવાનું તરકટ... પૂજા તો ઠીક, એનાં મા-બાપનાં પણ એક પછી એક ભોપાળાં બહાર આવ્યાં.
શરૂઆતમાં પૂજા મીડિયાને ગોળ ગોળ જવાબો આપતી હતી, પરંતુ ત્યાર બાદ તેણે છૂપાઇ રહેવું પડયું હતું. હવે યુપીએસસીએ તેને ડિસમિસ અને બ્લેકલિસ્ટ કરી છે. ભવિષ્યમાં તે ક્યારેય યુપીએસસીની પરીક્ષા નહીં આપી શકે.
તપાસ દરમ્યાન ડગલેને પગલે જુઠ્ઠાણાનો દોર ચલાવતી પૂજાને ટોચ પરથી તળિયે પટકાવવું પડયું છે. તેની નૈતિક ચારિત્ર્યનું સંપૂર્ણપણે - અને સાચી રીતે - હનન થઈ ચૂક્યું છે. કોઈ નક્કર ક્વોલિફિકેશન ન હોવા છતાં મોટા ભા બનીને ફરતી પૂજાએ બહુ રોલા માર્યાં તે આમ તો સારું જ કર્યું. જો એમ ન કર્યું હોત તો એ પૂનામાં કે અન્યત્ર સત્તાવાર રીતે કલેક્ટર બનીને બેસી ગઈ હોત. પછી એણે કેટલો ભયાનક ભ્રષ્ટાચાર કર્યો હોત તે કલ્પનાનો વિષય છે.
પૂજાની માતા હાથમાં રિવોલ્વર રાખીને ખેડૂતોને દબડાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. એ ખેડૂતોની જમીન હડપવા માગતી હતી. એ પણ પોલીસના સાણસામાં આવી ગઇ. પૂજાના પિતા, કે જે ખુદ સનદી અધિકારી છે, એના નામે ભ્રષ્ટાચારના કેટલાય કિસ્સા બોલે છે.
દેશની ટોચની વહિવટી પોસ્ટ પર બિરાજતા અધિકારીઓ અને તેમના કુટુંબીજનો કેવા બાદશાહી ઠાઠ ભોગવતા હોય છે તે આ આખા ઘટનાક્રમ પરથી જાણવા મળે છે. પૂજાને ડિસમિસ અને બ્લેકલિસ્ટ કરવામાં આવી તે સારી વાત છે, પણ આ તો તંત્રના સાફસફાઈનું માત્ર પહેલું પગલું ગણાવું જોઈએ. સમગ્ર સિસ્ટમમાં સુધારા કરતાં પગલાં કડકાઈથી લેવાશે તો જ આ વિવાદ ફરતે થયેલી મહેનત લેખે લાગી ગણાશે.