શુભ મૂહુર્ત હિલીંગ ટચ આપે છે, બાકી પરિણામ તો મહેનત પ્રમાણે જ મળવાનું
- રોજીંદા વ્યવહારમાં મૂહુર્ત જોવાની પરંપરા
- પ્રસંગપટ
- મહારાષ્ટ્રના જંગમાં 8,000 ઉમેદવારો મૂહુર્ત જોઇને ફોર્મ ભરશે, પણ વિજેતા જાહેર થશે માત્ર 288
માત્ર દિવાળીના તહેવારોમાં મૂહુર્તનું મહાત્મ્ય હોય છે એવું નથી, પરંતુ આપણે ત્યાં તો ડગલે ને પગલે મૂહુર્તનો આશરો લેવામાં આવે છે. એટલે જ દરેક હિંદુ ઘરમાં એક ગુજરાતી પંચાંગ કે અને તિથિઓ દર્શાવતું એક કેલેન્ડર અવશ્ય જોવા મળે છે. ચોપડા ખરીદવાનું, ધનતેરસે ધનની પૂજા કરવાનું, શેરબજારનું ખુલતું મૂહુર્ત, ચોપડા પૂજન, સબરસ, દુકાન ખોલવાનું વગેરે મૂહુર્તનું મહત્ત્વ પણ છે અને લોકો તેને સામાન્યપણે વળગી રહે છે.
સામાન્ય દિવસોમાં પણ લગ્ન પ્રસંગો કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં મૂહુર્ત જોવા માટે ખાસ ફેમિલી જ્યોતિષીને બોલાવાય છે. લગ્નોમાં કંકોત્રી લખવાથી માંડીને, હસ્તમેળાપ અને કન્યા વિદાય સુધીનું બધું જ મૂહુર્ત પ્રમાણે થતું હોય છે.
હિન્દુ ધર્મમાં મૂહુર્ત એક સમય માપન એકમ છે. મૂહુર્ત એટલે કોઇ પણ શુભ કામ કરવાની શુભ ધડી. મહાભારતના સમયકાળથી મૂહુર્ત પ્રથા હિન્દુ સમાજમાં ચાલી આવે છે. એક મૂહુર્તમાં અંદાજે બે ઘડી અર્થાત ૪૮ મિનિટ જેટલો સમયગાળો હોય છે. લોકો કંઈકેટલાય કામો માટે મૂહુર્ત જોતા હોય છે. નવી ગાડી ખરીદવી, ગૃહપ્રવેશ, માટલી મુકવાનું મૂહુર્ત વગેરે પર લોકો શ્રધ્ધા ધરાવતા હોય છે.
આપણે ત્યાં ચૂંટણીની સિઝન લગભગ એકધારી ચાલતી હોય છે. ચૂંટણીનું ફોર્મ ભરતા તમામ ઉમેદવારો ચોઘડીયું જોઇને ઘરની બહાર નીકળે છે. તેઓ વિજય મૂહુર્તમાં વિજયની આશા સાથે ફોર્મ ભરતા હોય છે.
આગામી મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી જંગમાં અંદાજે ૮૦૦૦ ઉમેદવારો વિજય મૂહુર્ત જોઇને ઉમેદવારી પત્રક ભરશે તે સ્વાભાવિક છે. દરેકને એવી આશા હોય છે કે એ ચૂંટણી જીતશે જ. હવે જ્યારે રાજ્ય વિધાનસભાની બેઠકો માત્ર ૨૮૮ છે ત્યારે હારી જનારા ઉમેદવારો પણ કહેવાના છે કે અમે તો વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હોવા છતાં હારી ગયા. તોે પછી વિજય મૂહુર્તમાં ફોર્મ ભરવાનો શું અર્થ? ડાબેરી પક્ષો સાથે સંકળાયેલા ઉમેદવારો વિજય મૂહુર્ત જેવી બાબતોમાં માનતા નથી.
લોકો જાણે-અજાણે મૂહુર્તની પ્રથામાં જોડાતા હોય છે. નવી પેઢીને જોકે આ બોબતમાં બહુ રસ નથી.અલબત્ત, કૌટુંબિક પરંપરા અનુસાર ચાલી આવતી મુહૂર્તપ્રથાનો તેઓ વિરોધ પણ કરતા નથી. વૈદીક એસ્ટ્રોલોજી અનુસાર તૈયાર કરાયેલા મૂહુર્તની સિસ્ટમ પાછળ 'સૌનું શુભ થાઓ'નો મેસેજ સમાયેલો હોય છે.
સૌ કોઈ પોતાના કાર્યમાં સફળતા ઇચ્છતું હોય છે.મૂહુર્તનું વળગણ એટલું તીવ્ર હોય છે કે લોકો ઓપરેશન કરાવવા કે સિઝેરીયનથી પ્રસૂતિ કરાવવામાં પણ મૂહર્ત જુવે છે. હવે તો ગાયો રોડ પર ખાસ જોવા નથી મળતી,ખાસ કરીને શહેરોમાં, પરંતુ એક સમય એવો હતો કે ઘરની વ્યક્તિ પરીક્ષા આપવા કે કોઈ શુભ કામે બહારગામ જતી હોય તો પોળની ગાયોને ઘરના ઉંબરા સુધી ખેંચી લાવવામાં આવતી. ગાયના આશીર્વાદ લઈને પ્રસ્થાન કરવાથી કામમાં સફળતા મળે છે એવું માનવામાં આવતું હતું.
અરે, લૂંટારા સુધ્ધાં રાત્રે લૂંટ કરવા નીકળતા પહેલાં મૂહુર્ત જોતા. લુંટારાઓ શુકન-અપશુકનમાં બહુ માનતા. તેઓ કોઇ ચોક્કસ પક્ષીનો અવાજ સાંભળે તો તેને અપશુકન ગણીને લૂંટ કરવા જવાનું માંડી વાળતા.
મૂહુર્ત એક પ્રકારના હૂંફાળા હિલીંગ ટચ સમાન છે. તેનાથી લોકોને સાંત્વન મળે છે. અલબત્ત, કુંડળી મેચ કર્યા પછી અને તમામ વિધિઓ મૂહુર્ત પ્રમાણે કર્યા હોવા છતાં કેટલાય લગ્નોમાં ભંગાણ પડે જ છે. છૂટાછેડાનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. આવી સ્થિતિમાં શુભ મૂહુર્તને અનુસરવાનો કશો અર્થ રહેતો નથી.
મૂહુર્તમાં નહીં માનનારો એક વર્ગ છે. આ સ્પર્ધાનો જમાનો છે. લોકો કામ કરવા માટે કંઈ દર વખતે સારા મૂહુર્તની રાહ જોઈને બેસી રહેતા નથી.
આપણે ત્યાં પરંપરા અને વૈજ્ઞાાનિક પ્રગતિ ક્યારેક સાથે સાથે ચલતા હોય છે. ચન્દ્રયાન-થ્રીની સફળતા પાછળ પણ વિજય મૂહુર્ત છૂપાયેલું છે.
મૂહુર્તને એક સ્તર કરતાં વધારે ગંભીરતાથી લેવાના ન હોય. એ વાતમાં કોઈ શંકા નથી કે કામની ભલેને શરૂઆત શુભ ચોઘડીયાં કે વિજય મૂહુર્તમાં કરી હોય પણ પરિણામ તો મહેનત પ્રમાણે જ મળે છે.