વિદ્યાર્થીઓને મસ્તક ઉંચુ રાખવાનું શિક્ષણ આપો નહીં કે નતમસ્તકનું
- ગુલામી પ્રથાની યાદ અપાવતી આ ઘટના છે...
- પ્રસંગપટ
- છાશવારે વિરોધનો ઝંડો ફરકાવનારા પણ આ તસ્વીર બાબતે ચૂપ છે તે જોઇને આઘાત લાગે છે
મણિપુરના મુખ્ય પ્રધાન સમક્ષ વિધ્યાર્થીઓ ધૂંટણીએ પડીને નતમસ્તક બેઠા છે તે તસ્વીર જેટલાએ જોઇ છે તે દરેકે કહ્યું છે કે મુખ્ય પ્રધાન સામે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ તાત્કલીક પગલાં લેવા જોઇએ. રાજ્યપાલ નઝમા હેપતુલ્લા છે. તેમના તો કઇ પ્રતિભાવ જોવા નથી મળતા. રાષ્ટ્રપતિ પણ ખુલાસો માંગી શકત કેમકે ગુલામી પ્રથાની યાદ અપાવતી આ તસ્વીર છે.
આવા સમયે રાજ્યપાલનો વિચાર જાણવા સૌ ઇચ્છે છે. છાશવારે વિરોધનો ઝંડો ફરકાવનારા પણ આ તસ્વીર બાબતે ચૂપ છે તે જોઇને આધાત લાગે છે.
ભારતની કેટલીક પરંપરા વંદનીય છે અને વિશ્વમાં અનુકરણીય છે. પણ ધૂંટણીએ પડીને વંદન કરવું અને ફરજીયાત ઘૂંટણીએ પાડવા તેમાં ફર્ક છે. વર્ષોથી ચાલી આવતી શાષ્ટાંગ દંડવતની પ્રણાલીકા આજે પણ જોવા મળે છે.
માથું નમાવીને પ્રણામ કરવાની પરંપરાને અનુસરનારા જોવા મળે છે ત્યારે તેમના માટે એક પ્રકારનો અહોભાવ જાગે છે. જ્યારે કોઇ કુટુંબમાં વડવાઓને પગે લાગવાની પ્રથા જોવા મળે ત્યારે એમ થાય કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ આજે પણ ધબકી રહી છે.
મુખ્યપ્રધાનો કેવી સાહ્યબી ભોગવતા હોય છે તે અહીં જાણવા મળે છે. મણીપુરના મખ્યપ્રધાન એવા ખુલાસા કરશે કે મેં કોઇને આ રીતે બેસવાના આદેશ નથી આપ્યા. માહિતી ખાતાના કોઇકની સામે પગલાં લઇને ધટનાનું પીલ્લું વાળી દેવામાં આવશે પરંતુ નાના રાજ્યોમાં મખ્યપ્રધાન મહારાજા જેવું જીવે છે તે દરેકના ધ્યાનમાં આવી ગયું છે.
મણિપુરના મુખ્યપ્રધાનનું અભિવાદન સ્કુલના વિદ્યાર્થીઓ ધૂંટણીએ પડી અને નત મસ્તકે કરી રહ્યા છે તે જોઇને મુખ્ય પ્રધાન કેવો રાજાશાહી ઠાઠ ભોગવી રહ્યા છે તે જોવા મળે છે. આ તસ્વીર જોઇ દરેકના મનમાં નફરતનો ભાવ ઉભોે થયો છે. તસ્વીરમાં વિદ્યાર્થીઓના નત મસ્તક દરેકને ખૂંચ્યા છે. દરેક રાજ્યમાં વંદન કરવાની વિવિધ પ્રણાલી છે પરંતુ મણીપુર જેવી પ્રણાલી ક્યાંય જોવા નથી મળી.
બે હાથ જોડીને કરાતો આવકાર,મંદિરમાં ધૂંટણવાળીને નીચા નમીને ભગવાનને કરાતા વંદન વગેરે રોજ જોવા મળેે છે. રણછોડરાયજીના મંદિરોમાં શ્રધ્ધાળુઓ શાષ્ટાંગ દંડવત્ત કરતા જોવા મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તો અને સાધુઓ દરેક મૂર્તિને પાંચ વાર શાષ્ટાંગ દંડવત્ત કરે છે. મંદીરમાં ગુરુની દસેક પ્રતિમા હોય તો ભક્તને સવાર સાંજ ૫૦ વાર શાષ્ટાંગ દંડવત્ત કરવા પડે છે. આમ જાણે અજાણે તો રોજ ૫૦ શાષ્ટાંગ દંડ બેઠક કરતા થઇ જાય છે જેથી ઓટોમેટીક તેમની તંદુરસ્તી વધે છે.
ડિક્ટેટરશીપ અને ટ્રેડીશન એટલેકે કડકાઇ વાપરીને ફરજીયાત અમલ કરાવવો અને પરંપરા બંને વચ્ચે આસમાન જમીનનો ફર્ક છે જ્યારે સેંકડો કિલોમિટર દુર ધાર્મિક સ્થળે પદયાત્રા કરીને ગયેલા લોકો ભગવાનના દ્વારે પહોંચે છે ત્યારે બાકીના અડધો કિલોમિટરની યાત્રા શાષ્ટાંગ દંડવત કરીને કરતા જોવા મળે છે. પંઢરપુરમાં શ્રધ્ધાળુઓ પ્રવેશ વખતે શાષ્ટાંગ દંડવત્ત કરીને જાય છે.
આપણે ત્યાં પરંપરાની ઠેેકડી ઉડાડતો એક મોટો વર્ગ ઉભોે થઇ રહ્યો છે. પરંતુ આ વર્ગ મણીપુરની ગુલામીની ઝાંખી કરાવતી તસ્વીર બાબતે ચૂપ છે.વડિલોને પગે લાગવાનો રિવાજ સ્વૈચ્છીક છે પરંતુ તેનું ઉલ્લંધન કરનારાઓને ઉદ્ધત લોકોની યાદીમાં મુકવામાં આવે છે. આપણે ત્યાં જન ગણ મન ગવાતું હોય ત્યારે ઉભો નહીં થતો અને રાષ્ટ્રધ્વજને સેલ્યૂટ નહીં કરતો એક વર્ગ છે. તેમને સમર્થન કરનારાઓ પણ છે.
પરંપરા અનેક પ્રકારની જોવા મળે છે. જે પરંપરા તોડે છે તે બળવાખોર કહેવાય છે અને જે તેને ચીટકી રહે છે તેને પરંપરાવાદી કહેવાય છે.
મણિપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય પ્રધાનનું જે રીતે અભિવાદન કરાયું તે ગુલામીના પ્રતિક સમાન છે અને શરમજનક છે. હકીકત તો એ છે કે મુખ્ય પ્રધાને પોતે આવું આયોજન કરનારા તેમના ચમચાઓને કાઢી મુકવા જોઇએ.
મુખ્ય પ્રધાને પોતે ના પાડવી જોઇએ અને આવુંઆયોજન કરનારાઓને ખખડાવવા જોઇએ. સ્કુલના વિધ્યાર્થીઓને મસ્તક ઉંચું રાખીને જીવતા શીખવાડવું જોઇએ તેના બદલે કોઇ રાજાનું અભિવાદન કરતા હોય એમ વિધ્યાર્થીઓને નીચે બેસીને ધૂંટણવાળીને બેસાડી દેવાયા હતા. તેમને ઉંચે જોવાની પણ માનાઇ ફરમાવાઇ હતી.
પ્રથમ નજરે એમ લાગે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા પકડાઇ ગયા હશે અને તે માફી માંગી રહ્યા છે. મણિપુરના મુખ્ય પ્રધાાને જાહેરમાં માફી માંગવી જોઇએ.