2024માં પેટ્રોલ-ડિઝલના ભાવો અંકુશમાં રહે તેવી પુરી શક્યતા
- પ્રસંગપટ
- આ વર્ષે લોકસભાની ચૂંટણી હોઇ સરકાર ભાવ નહિ વધારે
- ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન નિયંત્રીત રખાશેઃ ભાવની વધઘટનો આધાર માગ પર રહેશે
૨૦૨૪ના વર્ષનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ૨૦૨૪માં મોંધવારીનો આધાર ઓઇલના ભાવો પર રહેલો છે. ઓઇલના ભાવો વધે તો પેટ્રોલ- ડિઝલના ભાવોમાં વધારો થઇ શકે છે. તેના પગલે મોંધવારી વધી શકે છે અને જીવન જરૂરી ચીજોના ભાવો પણ વધી શકે છે. ૨૦૨૩ દરમ્યાન ઓઇલના ભાવ ૧૦૦ રૂપિયા પર પહોંચે એવી શક્યતા હતી પરંતુ વૈશ્વિક સમિકરણો ભારતની તરફેણમાં આવતા ભાવ વધ્યા નહોતા. ૨૦૨૩ના અંતે રાતા સમુદ્ર પરના જહાજો પર ચાંચીયાઓના હુમલાના કરાણે ઓઇલનો સપ્લાય અટકત તો ઓઇલ ૧૦૦ રૂપિયા પર પહોંચે એવી શક્યતા હતી પરંતુ મામલો ડિપ્લોમેટીક સ્તરે નિવારાતા સરકાર અને લોકોએ રાહતનો દમ લીધો હતો. આ લખાય છે ત્યારે ઓઇલના ભાવ બેરલે ૭૭.૦૪ ડોલર હતા.
ક્રૂડતેલના વિશ્વ બજારમાં ૨૦૨૪ના નવા વર્ષમાં વિવિધ પડકારો સર્જાવાની શક્યતા છે સામે અમુક પોઝીટીવ ડેવલપમેન્ટ પણ જોવા મળશે એવી આશા બજારના ખેલાડીઓ બતાવી રહ્યા હતા. વૈશ્વિક સ્તરે નવા વર્ષમાં વિવિધ દેશોમાં સ્લોડાઉન તથા મંદીનો માહોલ સર્જાવાની ભીતિ બતાવાઈ રહી છે. તથા તેના પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની માગને આગળ ઉપર પ્રતિકૂળ અસર પડવાની ભીતિ બતાવાતી થઈ છે. વિશેષરૂપે ચીનની ખરીદી ધીમી રહેવાનું અનુમાન બતાવાઈ રહ્યું છે. જો કે વૈશ્વિક સ્તરે નવા વર્ષમાં ક્રૂડતેલનું ઉત્પાદન પણ નીચું રહેવાની ગણતરી બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. ૨૦૨૩ના વિતેલા વર્ષના અંતિમ ભાગમાં ક્રૂડતેલના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી એન્ગોલા દેશે છેડો ફાડી નાંખતાં ઓપેક સંગઠનમાં તડા પડશે કે શું એવી ભીતિ સર્જાઈ હતી. ઓપેકમાં ઉત્પાદન કપાત તથા નિકાસ ક્વોટાના સંદર્ભમાં મતભેદો થતાં એન્ગોેલાએ ઓપેકને તીલાંજલી આપી હતી. વિશ્વમાં ક્રૂડ તેલનું જેટલું કુલ ઉત્પાદન વાર્ષિક ધોરણે થાય છે. એ પૈકી આશરે ૪૦ ટકા જેટલું ઉત્પાદન આ ઓપેકના દેશો દ્વારા કરવામાં આવે છે. આ ઓપેકના દેશો દ્વારા ૨૦૨૩ના વર્ષમાં ક્રૂડ તેલના ઉત્પાદનમાં કપાત મૂકાયા પછી ૨૦૨૪ના નવા વર્ષમાં પણ આવું પ્રોડકશન 'કટ' આગળ ધપાવવામાં આવનાર હોવાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, તાજેતરમાં ઓપેકના દેશોએ એવું નક્કી કર્યું હતું કે ઉત્પાદક કાપનો અમલ ૨૦૨૪ના નવા વર્ષના પ્રથ ત્રિમાસિકમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે. દરમિયાન, ક્રૂડતેલના વિશ્વ બજારમાં ચીનની નવી માગ ધીમી પડી હતી. યુરોપની નવી ખરીદી પણ ધીમી પડતી જોવા મળી હતી. જર્મનીમાં ક્રૂડતેલની માગમાં દૈનિક ધોરણે આશરે ૯૦ હજાર બેરલ્સનો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન તથા નિકાસ વધતાં વિશ્વ બજારમાં તાજેતરમાં ભાવ દબાણ હેઠળ આવી છ મહિનાના તળિયે ઉતરી ગયા હતા. જો કે હવે નવા વર્ષમાં બજાર તળિયેથી ઉંચી જવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. અમેરિકામાં મેન્યુફેકરીંગ એકટીવીટી સતત ૧૩ મહિનાથી ઘટતી જોવા મળી હતી. ઈઝરાયલ-પેલેસ્ટાઈન-હમાસના યુદ્ધની અસર ક્રૂડતેલ બજાર કોઈ વિશેષ જોવાઈ ન હતી. નવા વર્ષમાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલમાં માગ કરતા વધુ સપ્લાય જેવી સ્થિતિ જોવા મળશે એવી ગણતરી બતાવાઈ રહી હતી. અમેરિકામાં ક્રૂડનું દૈનિક ઉત્પાદન વધી ૧૩૨થી ૧૩૩ લાખ બેરલ્સના મથાળે પહોંચ્યું છે. બ્રાઝીલ, ગુયાના, નોર્વે તથા કેનેડામાં પણ ઉત્પાદન ઉચું રહ્યું છે. આવા માહોલમાં નવા વર્ષમાં ક્રૂડના ભાવ બેરલના ૧૦૦ ડોલર થશે કે નહિં એઅવો પ્રશ્ન પૂછાતો થયો છે. બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભાવ ૧૦૦ ડોલર થવાની શક્યતા ઓછી જણાય છે તથા ભાવ નીચા જવાની શક્યતા વધુ બતાવાઈ રહી છે. ઓપેક સિવાયના દેશોમાં ક્રૂડ ઉત્પાદન વધ્યું છે. નવા વર્ષમાં જો કે ક્રૂડની માગમાં દૈનિક ૧૧ લાખ બેરલ્સ જેટલી વૃદ્ધી થવાની ગણતરી ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા બતાવાઈ છે. પરંતુ સામે સપ્લાય કરતા માગ વૃદ્ધી ઓછી રહેશે તથા ભાવ દબાણ હેઠળ જોવા મળશેે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, એન્ગોલાની એક્ઝીટ છતાં ઈરાક, નાઈઝેરીયા તથા કોન્ગોએ ઓપેકમાં સ્થાન જાળવી રાખવાનું નક્કી કર્યાના વાવડ મળ્યા હતા. ભારતે યુએઈથી આયાતમાં રૂપિયામાં પેમેન્ટ શરૂ કર્યું હતું. રશિયામાં રિફાઈનરીઓ દ્વારા ક્રૂડતેલનું પ્રોસેસીંગ તાજેતરમાં વધ્યું છે.
૨૦૨૪માં લોકસભાનો જંગ યોજાઇ રહ્યો છે. તેના કારણે સરકાર મોંધવારી કાબુમાં રાખવા તમામ પ્રયાસો કરશે. તેથી આ તબક્કે એમ કહી શકાય કે વૈશ્વિક સમિકરણો નેગેટિવ હશે તો પણ ૨૦૨૪ની દિવાળી સુધી પેટ્રોલ-ડિઝલના ભાવો વધે એમ નથી. આ કોલમના વાચકોને હેપ્પી ન્યૂ યર...