કુંભમાં સોશિયલ નેટવર્કે નાયક અને ખલનાયક એમ બંને ભૂમિકા ભજવી
- વીઆઇપીઓને ધક્કામુક્કીનો અનુભવ કરાવવા જેવો હતો
- પ્રસંગપટ
- કુંભમેળામાં જવા બાબતે શ્રદ્ધાળુઓ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે તે જરૂરી
દેશભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ એકઠા થયા હોય ત્યાં ધક્કામુક્કી થાય તે સ્વાભાવિક છે એમ કહીને ઉત્તર પ્રદેશની સરકાર છટકી શકે નહીં. મહાકુંભમાં દેશભરમાંથી લોકોને આવકારવામાં આવ્યા હતા. તેમના માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવી હતી. આ બધું સાચું, પરંતુ લોકોના મનમાં રહેલો ધક્કામુક્કીનો ડર તો હતો જ.
દુર્ઘટના બની તે રાત્રે સૌને ઝટપટ સ્નાન કરવું હતું. સૌ સંગમસ્થાને પહોંચવા માટે ધક્કા મારીને જ ચાલતા હતા. કહે છે કે કિનારાની ધાર પર ઊભેલો શ્રદ્ધાળુ તો સીધો જ પાણીમાં ફંગોળાઈ જાય તેવા ધક્કા વાગતા હતા. આમેય માનવપ્રવાહનો વેગ એવો તીવ્ર હોય કે કોઇ વચ્ચે સ્થિર ઊભું રહી જ ન શકે. અંદાજે ૩૦ લોકોના કચડાઇ જવાથી મોત થયું એ બહુ દુખદ બાબત છે. ભારતની લોકશાહીમાં વીઆઇપી કલ્ચર ફૂલ્યું ફાલ્યું છે. તેમની મુવમેન્ટ દરમ્યાન અન્ય શ્રદ્ધાળુઓને અટકાવી દેવામાં આવે છે. વીઆઈપી માણસ સ્નાન કરવામાં કેટલો સમય લેશે તેની કોઇ જાણકારી અપાતી નથી. ખરેખર તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને બોલ્ડ સ્ટેપ લઇને દરેક વીઆઇપીને ધક્કામુક્કીનો અનુભવ કરાવવા જેવો હતો. લાખો લોકો સાથે લાઇનમાં ઊભા રહેવાનો લહાવો તેમને પણ આપવા જેવો હતો.
કુંભસ્નાન કરવા આવેલા કેટલાય શ્રદ્ધાળુઓ પરત ફરવાનું નામ જ લેતા નથી. અનેક લોકોએ ત્રણ-ત્રણ વાર સ્નાન કર્યું છે. જૂથમાં આવેલા શ્રદ્ધાળુઓ પોતાના લોકોને કોર્ડન કરીને રાખે એટલે બીજા લોકોને મુશ્કેલી પડયા વગર ન રહે.
મહાકુંભમાં આવતા લોકોને ત્વરિત પ્રયાગરાજ છોડી દેવાની સૂચના આપવામાં કે તે પ્રમાણેનું મેનેજમેન્ટ ગોઠવવામાં યોગી સરકાર નિષ્ફળ ગઇ છે.
કુભમેળામાં મૌની અમાસની સવારે કાયમ માટે મૌન થઇ ગયેલા લોકોના સંબંધીઓની આપવીતી સાંભળીને લાગે કે લોકોએ વગર વિચાર્યે દોડધામ કરી મૂકી હતી. પોતાના પગ નીચે કોઇ માનવશરીર કચડાઇ રહ્યું છે તે જોવાની તસ્દી સુધ્ધાં તેમણે લીધી નહોતી. હાજર રહેલી પોલીસ દોડતા લોકોને રોકવાના બદલે તેમને વધુ દોડાવતી હોય એમ લાગતું હતું. સરકાર મામલાને દબાવવાનો પ્રયાસ કરે તો પણ તે સોશિયલ નેટવર્કના જમાનામાં તે શક્ય નથી.
રોજબરોજ થતી જાહેરાતો, અહેવાલો, સોશિયલ મીડિયા પર શેર થતી વિગતો જોઈને કુંભમા ંનહીં જઇ શકનારા લોકો પણ આગામી દિવસમાં પ્રયાગરાજ જવાની તૈયારી કરી રહ્યા છે.
શ્રદ્ધાળુઓ મહાકુંભની સાથે સાથે અયોધ્યાના રામમંદિરના દર્શન કરવાનું આયોજન કરીને નીકળ્યા હોય છે. શ્રદ્ધાળુઓની વધતી ભીડ જોઇને રામ ટેમ્પલ ટ્રસ્ટે પ્રેક્ટિકલ નિર્ણય લઇને સૌને વિનંતી કરી છે કે અયોધ્યા આવવાનું ૧૦-૧૫ દિવસ માટે ટાળજો. દૂરનાં રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓએ તેમની ટુરમાં રામમંદિરના દર્શનનો સમાવેશ સામાન્યપણે કર્યો જ હોય છે. કુંભમેળામાં આવતા અડધોઅડધ શ્રદ્ધાળુઓ અયોધ્યાની મુલાકાત લે છે. આટલી મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને મેનેજ કરવા એ બહુ મોટો પડકાર છે. સ્થાનિક લોકોની વસતી કરતાં પણ દશ ગણા મુલાકાતીઓ આવે ત્યારે તેમના માટે પીવાના પાણી જેવી સાદી સવલત પણ સાચવી શકાતી નથી.
જેવી દોડધામ થઇ અને લોકો કચડાયા કે તે સાથે જ સોશિયલ નેટવર્ક પર માહિતી ફરવા લાગી હતી. ટીવી પર સમાચાર ચમકે તે પહેલાં તો સોશિયલ નેટવર્ક ગાજી ઉઠયું હતું. સાથે સાથે અફવાઓ પણ ફેલાવા લાગી હતી.
કુંભમેળામાં શું સાવચેતી રાખવી અને સાથે શું શું લઇ જવું - આવી બધી વિગતો આપતી અનેક યાદી સરક્યુલેટ થઈ રહી છે, પરંતુ લોકો સ્વયં સમજીવિચારીને ભીડથી દૂર રહેવું અને માનવપ્રવાહ ઓછો થાય પછી તે પછી જ કુંભમેળામાં જવાની સમજણ વિકસાવે તે જરૂરી છે.
શ્રદ્ધાળુઓએ મેનેજમેન્ટ પર પૂરેપૂરો ભરોસો મૂકી દેવાના બદલે પોતાના પર ભરોસો મૂકીને, પોતાની વિવેકબુદ્ધિ વાપરીને કુંભમેળામાં જવું જોઇએ. ધક્કામુક્કી થશે તો શું થશે તે વિચાર મનમાં પહેલાં આવવો જોઇએ. કોઇ પણ સરકાર માટે કરોડોની ભીડને મેનજ કરવી આસાન ન જ હોય. એકાદ અફવા કે ગણ્યાગાંઠયા તોફાની તત્ત્વો મેનેજમેન્ટની બાજી બગાડી શકે છે.