Get The App

કોઇએ કલ્પી પણ ન હોય તેવી ડરાવી દેતી કુદરતી હોનારત

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
કોઇએ કલ્પી પણ ન હોય તેવી ડરાવી દેતી કુદરતી હોનારત 1 - image


- વાયનાડમાં પર્યાવરણનો પ્રકોપ: માનવ સમુદાય બેહાલ

- પ્રસંગપટ

- પર્યાવરણની ઘોર અવગણના: અડીખમ પર્વત રાતોરાત ખડી પડયો, યુદ્ધના ધોરણે રાહત કામગીરી

નાના હતા ત્યારે કુદરતી દ્રશ્ય દેારતી વખતે પર્વતની તળેટીમાં ગામ દર્શાવતાં અને નદી વહેતી હોય તેવું ચિત્ર દોરતાં. મોટાં વૃક્ષો હોય, નજીકમાં મંદિર હોય, આકાશમાં ઉડતા પક્ષી અને વાદળાં હોય. નદીમાં પૂર આવી શકે છે, પરંતુ પર્વત તો અડગ જ હોય એવું આપણે માની લીધું છે. પર્વતને દેવ ગણવામાં આવ્યો છે. પર્વતની ઓથમાં ગામ સુરક્ષા અનુભવતું હોય છે.  

કેરળના વાયનાડ  જિલ્લામાં તાજેતરમાં જે કંઇ થયું તે કુદરતી પ્રકોપનો એક ભાગ છે, જેને હવે આપણે પર્યાવરણ સાથે થતાં ચેડાંની અસર કહીએ છીએ. જે પર્વત ગામડાંનું રક્ષણ કરતો અડગ ઊભો રહે તે અચાનક ફાટી પડે ત્યારે તળેટીમાં રહેતા લોકો પર વણકલ્પ્યું મોત ત્રાટકે છે. વાયનાડમાં મોડી રાત્રે  લોકો ભરઊંઘમાં સૂતા હતા ત્યારે ધડાકા જેવો અવાજ થયો અને લગભગ આખો પર્વત ગામ પર ધસી પડયો. એક પછી એક ત્રણ ધડાકા થયા હતા. દરેક ધડાકા વખતે પર્વતનો મલબો (માટીનો કાદવ)વસાહત પર પડતો હતો. મંગળવારે સવારે પાચ વાગે ત્રીજો ધડાકો થયો ત્યારે તો આખું ગામ દટાઇ ગયું  હતું. આ મલબામાં દટાઇને મોતને ભેટેલા લોકોનો મૃત્યુઆંક હાલ ૧૫૬  જેટલો દર્શાવવામાં આવે છે, પરંતુ તે માની શકાય એવો નથી. આખેઆખું ગામ દટાઇ ગયું હતું અને લોકો ઊંઘમાં જ સ્વાહા થઇ ગયા હોય ત્યારે મૃત્યુનો આંક આટલો નાનો ન હોઈ શકે. 

જેમણે પહેલો ધડાકો સાંભળ્યો તેમણે આસપાસના લોકોને ચેતવીને સલામત સ્થળે પહોંચવા સૂચના આપી હતી, પરંતુ પાણી તેમજ મલબાની તાકાત આગળ કોઇ ટકી શક્યું નહોતું. કેન્દ્ર સરકારે સખત વરસાદની ચેતવણી આપી હતી, પણ  પર્વતને ધોઇ નાખતો વરસાદ પડશે એવું કોઇએ કલ્પ્યું નહોતું. સખત વરસાદ આ રીતે પણ મુશ્કેલી સર્જી શકે છે. આ દુર્ઘટના તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનો માટે પણ નવો પડકાર હતો. 

દુર્ઘટના બની તે જ દિવસે એનડીઆરએફની નવ ટીમો સ્થળે  પહોંચી હતી. ૩,૦૦૦ લોકોને ૪૫ જેટલી રાહત છાવણીમાં રખાયા છે. આ એ નસીબદાર લોકો છે કે જેમના મલબામાંથી જીવતા બહાર નીકળી શક્યા છે.

 નિષ્ણાતો કહે છે કે પર્વતની આસપાસ થતા ખોદાણના કારણે જમીન સાથેની પર્વતની પકડ તૂટી હતી અને સખત વરસાદના કારણે માટીનું ધોવાણ વધારે થયું હતું. જે લોકો બચ્યા છે તેઓ દટાયેલા કુટુંબીઓ જીવતા હશે એવી આશા રાખીને બેઠા છે. જ્યાંથી હાઇડ્રોલિક મશીન મારફતે કાદવ ઉલેચાઇ રહ્યા છે ત્યાં આસપાસ હાંફળાફાંફળા થઈ ગયેલા હજારો લોકો અધ્ધર જીવે ઊભા છે. વરસાદ ચાલુ હોવાથી બચાવ કામગીરી અટવાયેલી રહે છે. 

મલબા નીચે દટાયેલાં ગામલોકોને પર્વત કાચો પડી રહ્યો છે અનેે જમીન સાથેની તેની પકડ ગુમાવી રહ્યો છે તેવી સૂચના અપાઇ હતી, જે કોઇએ ગણકારી નહોતી. સામાન્ય રીતે પર્યાવરણની જાળવણી બાબતની સૂચનાને કોઇ ગણકારતું નથી. સતત ધોધમાર વરસાદના મારને પહાડ ઝીલી ન શક્યો અને આ દુર્ઘટના ઘટી ગઈ. 

એનડીઆરએફની બચાવ કામગીરી  મલબો હટાવીને નીચે દટાયેલા માણસો અને પશુઓના મૃતદેહોને બહાર કાઢવાની છે. ગામમાં રહેતા ચોપગાં ગાય, ભેંસ, કૂતરાં વગેરેનાં મોત અંગે તો હજુ સુધી કોઇ સંખ્યા જાણવા મળી નથી. નુક્સાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, કેમ કે આખેઆખાં ગામ દટાયાં છે. 

જે લોકો બચી ગયા છે તેઓ કહે છે કે દરેક ધડાકા વખતે ઘરતી ધૂ્રજતી હોય એમ લાગતું હતું. કેટલાકે તેને પર્વત પરનો ધરતીકંપ પણ કહ્યો છે.  પર્યાવરણ સાથેના ચેડાં માનવ જીવનને મોંઘા પડી રહ્યાં છે. જે લોકો બચી ગયા છે તે તમામે નજર સામે મોતનું તાંડવ જોયું છે. હવે દુર્ઘટનાના સ્થળે રાજકારણીઓનો મેળાવડો જામશે. સૌ કોઈ કુદરતને ગાળો દેશે અથવા તો પ્રકૃતિ સામે કોનું ચાલ્યું છે એમ કહીને હાથ ઊંચા કરી દેશે. 

આ પ્રકારની એક પછી એક દુર્ઘટનાઓ બન્યા જ કરે છે, પરંતુ મૂઢ મતિ મનુષ્યોના ભેજામાં કશું ઉતરતું નથી. પર્યાવરણના વિનાશ બાબતે તેમને સમજ જ નથી અને સમજણ ન હોય ત્યાં ગંભીરતા ક્યાંથી હોવાની. મેઇનસ્ટ્રીમ મીડિયા માત્ર દુર્ઘટનાના સમાચાર ચમકાવે છે, પણ સમગ્રપણે પર્યાવરણના સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવાના મામલે ચુપ રહે છે. પર્યાવરણ વિશે ક્યારેય ટીવી પર જોરશોરથી ડિબેટો થતી નથી તે મીડિયા અને જનતાની ઉદાસીનતાનો પૂરાવો છે. 

Prasangpat

Google NewsGoogle News