Get The App

પોરબંદરના પાદરે આવેલો સિંહ હવે ઇન્દિરાનગરમાં ઘૂસી ગયો

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
પોરબંદરના પાદરે આવેલો સિંહ હવે ઇન્દિરાનગરમાં ઘૂસી ગયો 1 - image


- માનવ વસાહતમાં વાછરડાનું મારણ

- પ્રાથમિક શાળા પાસે  સિંહ આવી ચડતા ભયના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા 80 માંથી 15 ની થઇ ગઇ

પોરબંદર: પોરબંદરમાં છેલ્લા એક મહિનાથી ઇન્દિરાનગરથી રતનપર સુધીના વિસ્તારમાં સિંહે જે આંતક મચાવ્યો છે. અને અનેક પશુઓના શિકાર કર્યા છે. આ સિંહ હવે માનવ વસાહત સુધી એટલે કે ઇન્દિરાનગરમાં વાછરાડાડાના મંદિર પાસે આવી પહોંચ્યો છે. અને તેમ છતાં તેને પકડવાને બદલે જંગલખાતું તાબોટા પાડી રહ્યું છે. ત્યારે સ્વાભાવિક રીતે જ લોક આક્રોશ વધવા પામ્યો છે. અને નજીકમાં આવેલી પ્રાથમિક શાળાના બાળકો પણ ખુબજ ભયભીત બની ગયા હોવાથી શાળાએ આવતા નથી. 

ત્યારે વન વિભાગે જંગલયત છોડીને સિંહને પકડવા માટે નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની ગઇ છે અને લોકોએ જણાવ્યું હતું કે, વન વિભાગ સિંહને પાંજરામાં પૂરી શકે નહીં  તો અમને પાંજરે પુરી દો! 

વાછરાડાડાના મંદિર પાસે દિવાલ ટપીને મકાનમાં ખુસેલા સિંહે એક વાછરાડાડાનો શિકાર કરી નાખ્યો છે. ત્યારે હવે વન વિભાગની રેઢિયાળ નીતિ સામે લોક આક્રોશ પણ વધતો જાય છે. 

પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાસે દિવાલ ટપીને એક મકાનના ફળીયામાં ઘૂસેલા સિંહે દોરી સાથે બાંધેલ વાછરડાને ગળેથી પકડી લીધું હતું. ધોળે દિવસ સવારે સાત વાગ્યે બનેલા બનાવમાં વાછરડાની મરણ ચીસો સાંભળીને તેને સાચવતા મહિલા રૂમની બહાર દોડી આવ્યા હતા અને હાકલા પડકારા કરતા સિંહ ત્યાં જ મારણ મુકીને દિવાલ ટપી ભાગી ગયો હતો. 

પોરબંદરના ઇન્દિરાનગર નજીકના વિસ્તારમાં આવેલી બિરલા પ્રાથમિક શાળા પાસે શુક્રવારે સિંહ પહોંચી ગયા બાદ તેની ત્રાડ સાંભળીને બાળકો ભારે ભયભીત બની ગયા હતા અને આ શાળામાં ફરજ બજાવતી ત્રણ શિક્ષકાઓએ શાળાની બહાર જઇને તપાસ કરતા સ્કૂલથી તદ્ન નજીક સિંહની ડણક સંભળાતી હતી એ સ્કૂલમાં ઘૂસી જાય નહીં અને બાળકોને ઇજા પહોંચાડે નહીં તે માટે શિક્ષિકાઓએ બેંચો આડી મુકીને રક્ષણ પૂરૂં પાડયું હતું. અને એસએમસી સમિતિની તાત્કાલિક જાણ કરીને બાળકોને તાત્કાલિક તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. બીજા દિવસે શાળાએ વિદ્યાર્થીઓની ખુબ જ પાંખી હાજરી જોવા મળી છે. 80 વિદ્યાર્થીઓની સંખ્યા સામે શાળામાં માત્ર 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવી રહ્યા છે. ત્યારે શિક્ષકાઓએ પણ આ અંગે ભારપૂર્વક રજૂઆત કરીને સિંહથી બાળકોને રક્ષણ આપવા માટે માંગ કરી છે. 

પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાસે પાંચમી ગલીમાં રહેતા માલધારીના વાડામાં પણ સિંહ ઘૂસી ગયો હતો અને તેને અહિંયા એક ગૌધનનો શિકાર કર્યો હતો. 

પોરબંદરમાં છેલ્લા એક મહિનાતી સિંહનો આતંક વધ્યો છે તેમ છતાં તેને પાંજરે પૂરવામાં વન વિભાગ નિષ્ફળ ગયું છે. ત્યારે સ્વાભાવિક રીતે જ લોક આક્રોશ વધવા પામ્યો છે. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, જો હવે જંગલ ખાતું સિંહને પકડવા માટે અને તેને પાંજરે પૂરવા માટે સક્ષમ ન હોય તો અમને પાંજરે પૂરી દે જેથી કમ સે કમ અમે તો શાંતિથી ઉંઘી શકીએ. જંગલખાતું તેને પાંજરે પૂરવા માટે નક્કર કાર્યવાહી નહીં કરે તો આ વિસ્તારના લોકો જિલ્લા વહીવટી તંત્રની કચેરી સામે આંદોલન કરશે. તેવી પણ ચેતવણી અપાઇ ગઇ છે.


Google NewsGoogle News