હત્યાનો ભાગેડુ આરોપી અંતે પકડાયોઃ યુવકને મારીને દરિયામાં ફેંકી દીધો હતો
- ખાપટનો શખ્સ પંદર મહિનાથી વોન્ટેડ હતો
- પૈસાની ઉઘરાણીમાં પાંચ ઈસમે હત્યા કરી હતી, મુખ્ય આરોપી ઘેર આવનાર હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો
પોરબંદર : પોરબંદરના રતનપર ગામના દરિયાકાંઠે સ્મશાન નજીક ઓગસ્ટ ૨૦૨૨માં યુવાનની હત્યા થઈ હતી. આ બનાવમાં કુલ છ શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જેમાં મુખ્ય આરોપી રાજુ કારા ઓડેદરા સવા વર્ષથી વોન્ટેડ હતો જેને પોલીસે પકડી પાડયો છે.
પોરબંદરના રાહુલ હેમંતભાઈ શાહ નામના યુવાનની લાશ રતનપર ના દરિયા કિનારે થી બીનવારસુ અને કોહવાયેલી મળી હતી. મૃતક રાહુલના ભાઈ હર્ષલ હેમંતભાઈ શાહ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી કે રાહુલના મિત્ર હાદક બોખીરીયાએ હર્ષલને હત્યા અંગેની સમગ્ર વાત જણાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તારીખ ૧૭ /૮ /૨૦૨૨ ના રોજ હાદક અને રાહુલ હેમંત શાહને અમિત જેઠવા નામના યુવાને છાયામાં આવેલા તેના રૂમે બોલાવ્યા હતા, જ્યાં ત્રણે જણા રૂમમાં બેઠા હતા ત્યારે ખાપટનો રાજુ કારા ઓડેદરા, ભાવિન,જય બલાટ, રાણો, માલદે એમ પાંચ જણા ત્યાં આવ્યા હતા. રાજુ કારાએ રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરી હતી અને 'તેં અમારા રોટલા બહુ ખાધા છે જેથી તું મારી મમ્મી પાસે આવીને માફી માંગી જા' તેમ કહીને જેમ તેમ બોલવા લાગ્યો હતો જેથી આ યુવાનો ત્રણ બાઈકમાં બેસીને રાજુ કારાના ઘરે જતા હતા ત્યારે રસૅ ગ્રાઉન્ડમાં રાજુએ બાઈક ઉભું રાખ્યું હતું અને બધા ત્યાં ઉભા રહી ગયા હતા. રાજુએ હાદકને એવું કહ્યું હતું કે અમિત જેઠવાને તેના રૂમે ઉતારી તું પાછો જલ્દી અહીં આવી જજે . આથી, અમિતને જલારામ કોલોનીના ગેટ પાસે ઉતારીને તે પાછો ફર્યો હતો. ત્યારબાદ રાજુ કારાએ બધાને કહ્યું હતું કે તમે મારી પાછળ આવો તેમ કહીને જય બલાટની પાછળ રાહુલ અને તેની પાછળ રાજુકારા એમ ત્રીપલ સવારીમાં સ્કૂટરમાં બેઠા હતા.એચ.એમ.પી. ગ્રાઉન્ડમાંથી ધીંગેશ્વર મંદિર થઈ રતનપરના પાટિયાવાળા રસ્તે દરિયાકાંઠે રતનપર ગામના સ્મશાને આવ્યા હતા અને સાંજે પોણા સાતેક વાગ્યે બાઈકમાં ત્યાં ઊતર્યા હતા. ત્યારે રાજુ કારા ઓડેદરા, ભાવિન, જય બલાટ , રાણો , માલદે એમ પાંચે જણા રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરવા લાગ્યા હતા અને રાજુ કરાએ રાહુલને કહ્યું હતું કે મારા પૈસા આપી દે નહીંતર તને અહીં જ મારી નાખવો છે તેમ કહી પાંચેય શખ્શો રાહુલને માર મારવા લાગ્યા હતા. ઓટલા ઉપર રાહુલને સુવડાવી દીધો હતો તથા રાણો ઉર્ફે રણીયાએ પથ્થરના ઘા પગમાં માર્યા હતા તેમ જ રાજુ કારા તથા ભાવીને પથ્થરથી માથાના ભાગે માર મારતા રાહુલના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે બેભાન જેવો થઈ ગયો હતો. આથી રાજૂ કારાએ કહ્યું હતું કે આને ઉપાડીને દરિયામાં ફેંકી દઈએ. પાંચે યુવાનોએ રાહુલને ઉપાડીને દરિયાના પાણીમાં ફેંકી દીધો હતો ત્યાર પછી રાજુ એ હાદક ભરત બોખીરીયાને એવું જણાવ્યું હતું કે આ બનાવની વાત કોઈને કરી તો તને પણ રાહુલની જેમ દરિયામાં નાખી દેશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા અને ત્યારબાદ દરિયાકાંઠેથી યુવાનની લાશ મળતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે આ બનાવમાં છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો જે બનાવમાં મુખ્ય આરોપી રાજુ કારા ઓડેદરા સવા વર્ષથી વોન્ટેડ હતો.
દરમિયાન, પેરોલ ફર્લો સ્ક્વોડ- પોરબંદરના સબ ઇન્સ્પેકટર એચ.એમ.જાડેજા તથા ટીમ ફિલ્ડમાં હતા ત્યારે એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ કેશુભાઇ ગોરાણીયાને બાતમી મળી હતી કે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનના ગુનામાં છેલ્લા ૧૫ માસથી નાસતો ફરતો આરોપી રાજુ કારાભાઇ ઓડેદરા (રહે. ખાપટ, પોરબંદર) તેના ઘરે આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આ ફરાર આરોપી મળી આવ્યો હતો, જેની પુછપરછ કરતા ગુનાની કબુલાત આપતા આગળની કાર્યવાહી માટે હાર્બર મરીન પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો છે. પોલીસે તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.