105 મીટર લાંબી પેટ્રોલ વેસલ્સ શિપ સમુદ્ર સુરક્ષાચક્રને સઘન બનાવશે
- અદ્યતન 'સાર્થક' શીપમાં 110 સૈનિકો સાથે 11 ઓફિસરો તૈનાત
- 6000 નોટીકલ માઈલ સુધી દરિયામાં જઈ શકે તેવી હેલિકોપ્ટરની સુવિધા ધરાવતી શીપ પોરબંદરમાં આવી
પોરબંદર, પોરબંદરથી દરિયાઈ માર્ગે પાકીસ્તાન ખુબ જ નજીક છે અને અવાર નવાર બોટ અપહરણના બનાવો પણ બને છે ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાંમાં 105 મીટર લાંબી ઓફશોર પેટ્રોલ વેસલ્સ શીપ 'સાર્થક'નો સમાવેશ કરવામાં આવ્યો છે. આત્મનિર્ભર ભારત મિશન હેઠળ સ્વદેશી શીપ બનાવવાની અને તેના દ્વારા જ દેશની સુરક્ષા કરવાની કેન્દ્ર સરકારની નિતિ અંતર્ગત ગોવાના શીપયાર્ડ ખાતે તૈયાર થયેલ ૧૦૫ મીટર લાંબી ઓફશોર પેટ્રોલ વેસલ્સ શીપ 'સાર્થક' પોરબંદર કોસ્ટગાર્ડને અર્પણ કરવામાં આવી છે. ગોવા શીપ યાર્ડ ખાતે નિર્માણ થયા બાદ તેનું લોકાર્પણ કોસ્ટગાર્ડના ડી.જ.કે.એન. નટરાજનના હસ્તે થયું હતું. અને આ શીપને હવે પોરબંદર ખાતે લાવવામાં આવી છે.
આઈસીજીએસની કુલ પાંચ શીપમાંથી આ ચોથી ઓફશોર પેટ્રોલ વેસલ્સ શીપ છે, જેનું વજન ૨૪૫૦ કી.ગ્રા. અને તેમાં કુલ બે ૯૧૦૦ કીલોવોટના ડીઝલ એન્જીન છે. મહત્તમ સ્પીડ ૨૫ નોટીકલ માઈલ છે અને રેસ્ક્યુ, મેરીટાઈમ, ક્રાઈમ સહિત સમુદ્રી પ્રદુષણ અટકાવવા માટે પણ તે ઉપયોગી સાબિત થશે.
પોરબંદર કોસ્ટગાર્ડના ડી.આઈ.જી. એસ.કે. વર્ગેશ દ્વારા જણાવાયું હતું કે, પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાં એક પછી એક નવી નવી શીપો સહિત આધુનિક શસ્ત્ર સરંજામ ઉમેરવામાં આવી રહ્યાં છે, જેનાથી દરિયાઈ સુરક્ષા ખુબ વધુ મજબુત બનશે. આ શીપની વિશેષતા એ છે કે, તે ૬૦૦૦ નોટીકલ માઈલ સુધી દરિયામાં જઈ શકે છે અને તેની સાથે હેલીકોપ્ટર પણ સામેલ કરવામાં આવ્યું છે, જેથી સમુદ્રી અને આકાશી એમ બન્ને પ્રકારની બાજ નજર રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
121 સૈનિકોથી સુસજ્જ શીપ
સાર્થક નામની આ શીપ ખરા અર્થમાં દરિયાઈ સુરક્ષાની કામગીરીને સાર્થક ઠેરવશે તેમાં કમાન્ડન્ટ તરીકે ડીઆઈજી એમ.એમ. સૈયદ રહેશે તે ઉપરાંત 11 ઓફીસર અને 110 સૈનિકો ખડેપગે ફરજ બજાવશે તેથી કુલ 121 સૈનિકોથી સુસજ્જ એવી આ શીપને લીધે સમુદ્ર સુરક્ષાને ખુબ જ મજબુત બનાવવાની સાથોસાથ રેસ્ક્યુની કામગીરી પણ તે ખુબ ઉપયોગી સાબિત થશે.