સવા મહિનાથી પોરબંદરના મહેમાન બનેલા સાવજને અપાયું 'કોલંબસ' નામ
- સિંહ પ્રેમીઓ દ્વારા કરાયું નામકરણ
- દરિયાઇ પટ્ટી અને ગીર પ્રદેશ છોડી વસવાટ માટે નવો પ્રદેશ શોધવા આવ્યો હોવાનું નામ અપાયું કોલંબસ
પોરબંદર : પોરબંદરના પાદરે સવા મહિનાથી આવી ચડેલ સિંહ અહીં વસવાટ કરી રહ્યો છે. આ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી માનવ વસાહત સુધી પણ પહોંચી ગયો હતો. તે સિંહ અને માનવીઓ વચ્ચે સંઘર્ષ થાય નહીં તે માટે જંગલ ખાતાએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની ગઇ છે, જેની સાથ સાથ પોરબંદરના મહેમાન બનેલા આ સિંહને સિંહ પ્રેમીઓ દ્વારા 'કોલંબસ' નામ અપાયું છે. તે દરિયાઇપટ્ટી અને ગીરનો પ્રદેશ છોડી વસવાટ માટે નવો પ્રદેશ શોધવા આવ્યો હોવાથી આવું નામ પસંદ કરવામાં આવ્યું છે
દરિયાઇપટ્ટી ઉપરથી ફરતો ફરતો સિંહ નવા વર્ષે પોરબંદરના રતનપરથી ઇન્દિરાનગર સુધીના વિસ્તારમાં આવી ગયા બાદ હવે તે અહીંનો જ રહેવાસી બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પોરબંદરના સિંહ પ્રેમીઓએ તેનું નામકરણ પણ કર્યું છે. એશિયાટીક લાયન કલબ પોરબંદરના સભ્ય ધવલભાઇ ભૂતીયાએ જણાવ્યું હતું કે, એશિયાટીક સિંહ માટે એક એવી પ્રથા છે કે કોઇ વિસ્તારમાં સિંહ આવી ચડે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો કે ફોરેસ્ટ વિભાગ અથવા મીડિયા સાથે સંકળાયેલા લોકો સાથે મળીને સિંહના ગુણ પ્રમાણે નામ નક્કી કરતા હોય છે. તેના વર્તન કે રંગરૂપ પ્રમાણે નામ રખાતું હોય છે. પોરબંદર આવેલા આ સિંહને લીધે પોરબંદર જિલ્લાનો વન્ય પ્રાણીઓનો ઇતિહાસ નવો રચાવાનો છે ત્યારે તેના નામકરણ માટે ચર્ચાઓ થઇ હતી. તેમણે જણાવ્યું કે, રાજમાતાના નામે ઓળખાતી સિંહણને લીધે આજે લીલીયા, ક્રાંકજ અને અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં સિંહોની સારી એવી વસ્તી અસ્તિત્વમાં આવી છે. તે જ રીતે અહીં પોરબંદરમાં આ સિંહ આવી ચડયો છે ત્યારે ભવિષ્યમાં તેની વસતી વધે તેવી શકયતા છે. માટે અલગ - અલગ નામો સુચવવા માટે જણાવાયું હતું. કોલંબસે જે રીતે નવો ખંડ શોધ્યો હતો. તે રીતે આ સિંહે તેમના વંશ અને પ્રજાતિ માટે નવા પ્રદેશને શોધ્યો છે. વસવાટ માટે તેણે પોરબંદર પસંદ કર્યું છે અને છેલ્લા સવા મહિનાથી તે આ પંથકમાં વિચરી રહ્યો છે માટે તેને 'કોલંબસ' એવું નામ આપવામાં આવે તેવું સુચન થયું હતું અને અંતે આ નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છેે.
આગંતુક સાવજ માટે આટલાં નામ સૂચવાયા હતા
આ સિંહ માટે પ્રજાજનો તરફથી બલદેવ, વનરાજ, કોલંબસ, વાસ્કો, નરેશ, મહિપાલ, દેવ, રાજન, ઉપરાંત રતનપર વિસ્તારમાં આગમન થયું હોવાથી રતન જેવા અલગ - અલગ નામો સુચવાયા હતા.