પોરબંદર નગરપાલિકા કચેરીમાં લોકોએ વગાડયા ઢોલ-નગારા
- વહીવટદારનાં શાસનમાં ગંદકી વધતા અનોખો વિરોધ
- વેરા ઉઘરાવવા નગરજનોનાં ઘરે ઢોલ વગાડો છો તો પ્રશ્નોનું નિરાકરણ કેમ કરતા નથી?
પોરબંદર,તા. ૫ સપ્ટેમ્બર, 2020, શનિવાર
પોરબંદરમાં સુધરાઈસભ્યોના શાસન કરતા વહીવટદારના શાસનમાં લોકોના પાયાના પ્રશ્નોનું પણ નિરાકરણ થયું નથી. તેવા આક્ષેપ સાથે જાગૃત નાગરિકો ઢોલ-નગારા લઈને પાલિકા કચેરીએ ધરી ગયા હતા અને સવાલ ઉઠાવ્યો હતો. કે, વેરા ઉઘરાવવા ઢોલ-નગારા વગાડો છો તો પ્રશ્નોનું નિરાકરણ કેમ કરતા નથી? તેવા અણીયાળા સવાલો પૂછયા હતા.
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટના નેતૃત્વમાં કરેલી રજૂઆતમાં નગરપાલિકાને જણાવાયું હતું કે, મેમણવાડાના અઝહરી કોલોની અને આસપાસના સમગ્ર વિસ્તાર, ખત્રીવાડ, તકીયા વિસ્તાર, નગીનદાસ મોદી વિસ્તાર, જુની ખડપીઠ વિસ્તારમાં ખુબ જ ગંદકી ફેલાયેલી છે. આ વિસ્તારમાં નિયમિત સફાઈ થતી નથી. આ વિસ્તારમાં રસ્તાના કામ થયા નથી અને જેના કારણે રસ્તા ખુબ જ ખાડાવાળા હોય ગટરનું પાણ ખાડાઓમાં દિવસો સુધી ભરાયેલું રહે છે અને તેમાં મચ્છરોના ઝૂંડ થવાના કારમે આ વિસ્તારમાં રોગચાળો વધી રહ્યો છે.
આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ખુબ જ ગંદકી ફેલાયેલી છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગો ખુબ જ પ્રમાણમાં ધવી રહ્યા છે. અને ગંદકીના કારણે મચ્છરો ખુબ જ થાય છે. આ વિસ્તારમાં રોડ અને રસ્તા તો બન્યા જ નથી અને આ વિસ્તારથી ઓરમાયું વર્તન રાખીને ગંદકી પણ સાફ કરવામાં ના આવે તો ખુબ જ અસહ્ય બાબત છે.
વળી આ વિસ્તારમા ભુંડ ખાસ કરીને મુકી જવામાં આવતા હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં ભુંડનો ત્રાસ ખુબ જ વધ્યો છે. આ વિસ્તારમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટ બંધ છે અને અંધારપટ જેવો માહોલ હોય આજે આ વિસ્તારના રહેવાસીઓ નગરપાલિકાએ રજૂઆત કરી હતી અને નગરપાલિકા બાકી વેરાઓ જેમ ઢોલ વગાડીને ઉઘરાવે છે તે રીતે ઢોલ વગાડીને નગરપાલિકાના સત્તાધીશો અવાજ સાંભળે તે માટે ઢોલ વગાડીને રજૂઆત કરવામાં આવી અને લોકોના પ્રશ્નોને ગંભીરતાથી સમજવા અને તેનું નિરાકરણ કરવા ઉગ્ર રજૂઆત થઈ હતી.