Get The App

બરડા ડુંગરનો ઇતિહાસ ઉલેચનાર વિદ્વાનનું પદ્મશ્રી માટે નોમિનેશન

- 'બાપુ'ની એક ટકોરથી યુવકે કર્યો દ્રઢ નિર્ધાર અને રચાયો ઇતિહાસ...

Updated: Jul 18th, 2021


Google NewsGoogle News
બરડા ડુંગરનો ઇતિહાસ ઉલેચનાર વિદ્વાનનું પદ્મશ્રી માટે નોમિનેશન 1 - image


- ઘેડ પંથકથી દ્વારકા સુધીનો વિસ્તાર પગપાળા ખૂંદી મણીભાઇ વોરાએ કરેલા સંશોધન વિશ્વના ૩૭ દેશોની લાયબ્રેરીમાં સમાવિષ્ટ

પોરબંદર

પોરબંદરના ઇતિહાસવિદ્ સ્વ. મણીભાઇ વોરાના ઐતિહાસિક યોગદાનનું અનેરૂં મહત્વ છે. બરડા ડુંગર પર સંશોધન માટે મહાત્મા ગાંધીજીએ તેમને કરેલી એક જ સામાન્ય ટકોર પછી તેમણે ન માત્ર બરડા ડુંગર, બલ્કે સમગ્ર ઘેડ પંથક અને ત્યાંથી લઇને દ્વારકા સુધીનો દરિયાપટ્ટી વિસ્તાર પગપાળા ખૂંદીને અનેકાનેક એવી મહત્વપૂર્ણ બાબતો ઉજાગર કરી હતી, જે અન્યથા હજુ પણ કાળની ગર્તામાં ઘરબાયેલી જ રહી ગઇ હોત. આ વિદ્વાનની તેમણે આપેલા અનન્ય પ્રદાન બદલ પદ્મ એવોર્ડ (મરણોત્તર)થી નવાજીશ કરવા માટે ગાંધી ભૂમિ પોરબંદરથી દરખાસ્ત મોકલાઇ છે.

રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને પોરબંદર સ્થિત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે ડોક્યુમેન્ટેશનની ત્રણ ફાઇલ સુપરત કરી દેવામાં આવી છે. પદ્મ પૂરસ્કાર માટેની આગળ ઊપરની ઔપચારિકતા અને સરકારી વિધિ ક્યારે, કંઇ દિશામાં કેટલી આગળ વધે છે એ તો હવે સમય જતાં બહાર આવશે, પરંતુ પદ્મ પૂરસ્કાર માટેનાં નોમિનેશન વખતે પણ આ સદ્ગત ઇતિહાસવિદની સંશોધન દુનિયામાં એક ડોકીયું કરવાથી નવી પેઢીને ઘણી રસપ્રદ વિગતો જાણવા મળે તેમ છે. જેમ કે તેમના દ્વારા ઐતિહાસિક સંશોધન કરીને સર્જાયેલા દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોનો ખજાનો સર્જાવા પાછળ ગાંધીજીનું યોગદાન મહત્વનું હતું. વર્ષ ૧૯૬૨માં અમદાવાદ સાબરમતી આશ્રમમાં ગાંધીજીને મળવા માટે પોરબંદરના કેટલાંક ઉત્સાહી યુવાનો પહોંચ્યા ત્યારે ગાંધીજીએ તેઓની પૂછપરછ કરી તો આ મંડળનું નેતૃત્વ લેનાર નવયુવાન મણીભાઇ વોરાએ પુનાની ફરગ્યુશન કોલેજના આર્કીયોલોજી વિભાગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, અને ઇતિહાસ અને સંશોધનનો શોખ ધરાવે છે તેમ જણાવતા ગાંધીજીએ સીધો સવાલ એવો કર્યો કે અહીં શેમાં આવ્યા? મણીભાઇ કહે છે કે, ટ્રેનની મુસાફરી કરીને આવ્યા છીએ. ત્યારે ગાંધીજી મણીભાઇ વોરાના જીવનનો સૌથી ટર્નીંગ પોઇન્ટ એવો ટોન્ટ મારે છે કે, 'વાહનોમાં થતાં પ્રવાસથી સંશોધન ના થાય, સાચું સંશોધન કરવું હોય તો આપણાં પોરબંદર પાસેનો બરડો ડુંગર ખુંદો. બરડાના પગપાળા પ્રવાસ કરીને ઐતિહાસિક સંશોધન કરો અને પછી જુઓ કે જોવા જાણવા અને માણવાની કેવી મજા આવે છે.' ગાંધીજીના આ સુચનને સ્વીકારીને યુવાન મણીભાઇ મનમાં એવી ગાંઠવાળી લે છે કે, 'હવે મારે બરડાના પાણે - પાણાનો ઇતિહાસ જાણવો છે અને સમાજ સમક્ષ રજૂ કરવો છે' એ પછી તો જાણે ઇતિહાસ સર્જાય છે. મણીભાઇ વોરા, નરોતમ પલાણ, મધુસુદન ઢાંકી, મોહનપુરી ગોસ્વામી, વગેરેએ બરડો અને ઘેડ પંથક સહિત દ્વારીકા સુધીનો વિસ્તાર પગપાળા ખુદવાની સાથો સાથ પથ્થરએ પથ્થરને બોલતો કર્યો છે, અને તેના ઇતિહાસને જીવંત કર્યા છે. 

૨૩ જાન્યુઆરી ૧૯૦૫ના રોજ જન્મેલા મણીભાઇ ૧૯૩૬માં પોરબંદરની હેન્કોક મેમોરીયલ સ્કૂલ (મિડલ સ્કૂલ)માં ગણિત, વિજ્ઞાાન અને ફારસી ભાષાના શિક્ષક બન્યા. તેમણે મિત્રો સાથે મળીને જે પાંચ પુસ્તકો લખ્યા તેમાં પુરાતન - ૧ પુરાતન - ૨ પીઠિકા અને પોરબંદર પુસ્તકોનો સમાવેશ થાય છે. જ્યારે તેમના દ્વારા લખાયેલા ૩૭ જેટલા પુસ્તકો હજુ સુધી પ્રકાશીત થઇ શક્યા નથી. એ ૩૭ પુસ્તકોમાં મહારાણા નટવરસિંહજી સહિત વિશિષ્ટ મહાનુભાવોએ પોતાના હાથે શુભેચ્છા સંદેશાએ લખ્યા છે. 

તેમના સંશોધનમાં કેન્દ્ર સ્થાને બરડો રહ્યો છે. તેમણે બરડા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતો, વાવ, પાળીયાઓ, મંદિરો, ગુફાઓ ઉપર ખૂબ જ મહત્વનું શોધ, સંશોધન કર્યું છે. તે ઉપરાંત ઇ.સ. ૧૯૭૦ સુધી શિક્ષક તરીકેનો નોકરી કરી ત્યાં સુધીમાં તેમણે દ્વારકાની દરીયાઇપટ્ટી પરના પાળીયાઓ ઉપર સંશોધન કરવાનો શ્રેય તેમના ફાળે જાય છે. તેમના આ સંશોધનમાંથી સૌથી વધુ યોગદાન છાંયાના મોહનપુરી ગોસ્વામીનું રહ્યું હતું. જેમણે દરેક પાણીયાની લિપી ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મણીભાઇના આ સંશોધન વિશ્વની ૩૭ દેશની લાઇબ્રેરીઓમાં સમાવાયા છે. પરંતુ કમનસીબે પોરબંદરની એક પણ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ નથી. 

તેમનાં હાથ નીચે ૧૧ જેટલાં સંશોધકોએ ઈતિહાસમાં પી.એચડી. કર્યું છે. તેમના દ્વારા લિખિત પુસ્તકો અને સાહિત્ય પી.એચડી.  કરતા અનેક યુવક - યુવતીઓ તેમનાં પૌત્ર પાસેથી લઇ જાય છે.

ટ્રેકટર ભરાય તેટલાં પુસ્તકો અને અલભ્ય હસ્તપ્રતોનો ખજાનો

ઇ.સ. ૨૦૧૯ સુધી મણીભાઇ વોરાના પુત્ર વાસુભાઇને ત્યાં કડીયા પ્લોટમાં મણીભાઇની હસ્તલિખીત પ્રતો, દુર્લભ તસ્વીરો, અલભ્ય પુસ્તકો સહિતનો ખજાનો સચવાયેલો હતો. પરંતુ ત્યારબાદ તેમણે વોરા પરિવારમાં મણીભાઇનો વારસો જાળવી રાખવાની ક્ષમતા સ્વભાવે શિક્ષક એવા સત્યમમાં જણાતા ટ્રેકટર ભરીને જૂના અને અલભ્ય ખજાનાનો આ સંગ્રહ તેને આપી દીધો હતો. મણીભાઇ લેખીત હસ્તપ્રતો એ ભાવિ સંશોધકો માટે ઐતિહાસિક અને દુર્લભ ખજાનો છે, જેને સાચવીને રાખ્યો છે કે જેથી તે ભાવિ પેઢી માટે ઉપયોગી સાબીત થશે. 

પોરબંદરના શિક્ષણની ૧૦૦૦ વર્ષની સ્થિતિ વિષયક માહિતીનું એકત્રીકરણ

પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) દ્વારા અપાયેલી સુચના મુજબ હાલ સત્યમ વોરા છેલ્લા ૧૦૦૦ વર્ષની પોરબંદરના શિક્ષણની સ્થિતિ વિષયક માહિતીનું એકત્રીકરણ કરી રહ્યા છે. સોલંકી યુગ, વાઘેલા યુગ, અલાઉદ્દીન ખીલજીનો યુગ, જેઠવાઓનો યુગ, મુગલ સામ્રાજ્ય, મરાઠાકાળ, બ્રિટીશ કાળ અને આઝાદી બાદની પરિસ્થિતિમાં પોરબંદરના શિક્ષણમાં શું પરિવર્તન આવ્યું? તે અંગેની માહિતી પણ તે તૈયાર કરી રહ્યા છે. 


Google NewsGoogle News