Get The App

પોરબંદરમાં રૂા.44 કરોડનાં ખર્ચે બનેલા અસ્માવતી રિવરફ્રન્ટનું બીજીએ લોકાર્પણ

- બે કિ.મી. લંબાઇમાં બોટીંગ, બાળ મનોરંજનના સાધનો, વોકીંગ પ્લાઝા

- 40 રેસ્ટોરન્ટ, દુકાનો, 20 મેડિટેશન સેન્ટર, પાર્ટી પ્લોટ, લોકોને બેસવા માટે 320 જેટલી મુકાઇ બેન્ચો

Updated: Sep 30th, 2019

GS TEAM


Google News
Google News
પોરબંદરમાં રૂા.44 કરોડનાં ખર્ચે બનેલા અસ્માવતી રિવરફ્રન્ટનું બીજીએ લોકાર્પણ 1 - image


પોરબંદર, તા.30 સપ્ટેમ્બર 2019, સોમવાર

પોરબંદરના પ્રવાસનને વેગ આપવા   અમદાવાદ - સાબરમતીમાં જે તે  રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલ છે એ જ રીતે કર્લી જળાશય સ્થળે રૂા.૪૪ કરોડના ખર્ચે બનાવાયેલા રિવરફ્રન્ટનું બીજી ઓકટોબરનાં રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે  લોકાર્પણ કરવામાં આવશે. પોરબંદર શહેરની પૂર્વ તરફ હાઇવે ઉપર આવેલ કર્લીબ્રીજથી બંધ થઇ ગયેલી એચ.એમ.પી. ફેકટરી સુધી બે કિલોમીટર કર્લી રીવરફ્રન્ટમાં બોટિંગ, બાળમનોરંજના સાધનો, વોકિંગ પ્લાઝા, રેસ્ટોરન્ટ, દૂકાનો, મેડિટેશન સેન્ટરો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

મુખ્ય રિવરફ્રન્ટ બે કિલોમીટરની લંબાઇમાં બનાવાયો છે. તેમાં ૪૦ મીટરની પહોળાઇમાં ૨૦ બાય ૨૦ ના એ.સી. ગ્રીન હાઉસમાં  વિવિધ પ્રકારના ફૂલછોડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૯,૯૧૬ વિવિધ પ્રકારના વૃક્ષો રિવરફ્રન્ટની ચારેબાજુ એ વાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ૩૦૯ પામ વૃક્ષો,  ૧૦૦ નાળીયેરી અને અલગ - અલગ કલરના ગુલમહોર વગેરેનો સમાવેશ થયો છે.

સમગ્ર રિવરફ્રન્ટમાં લોકોને બેસવા માટે ૩૨૦ બેન્ચો ખાસ પ્રકારના કોટા સિમેન્ટ એટલે કે વ્હાઇટ માર્બલ જેવા દેખાવની બનાવવામાં આવી છે. ૪૦ હજાર મીટરમાં ફલોરીંગ ગ્રેનાઇટ અને માર્બલથી મઢવામાં આવ્યું છે. જુદા જુદા સ્થળે નાના - મોટા બગીચાઓ અને તેમાં માછલી, પશુ - પક્ષી સહિતના આકારના મહેંદીના વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે. ૪૦ દુકાનો, રેસ્ટોરન્ટ બનાવાયા છે.

૨૦ મેડીટેશન સેન્ટર, બાળકો માટેના અલગ વિભાગમાં રમત - ગમતના સાધનો, લસરપટ્ટી - ઝુલા વગેરે પણ રાખવામાં આવ્યા છે. આ વર્ષે ચારે તરફ લીલોતરીભર્યા ઘાસની વચ્ચે એક પાર્ટી પ્લોટ તેમજ બે કિલોમીટરનો મોટો વિસ્તાર હોવાથી અલગ અલગ સ્થળોએ ટોયલેટની પણ સુવિધા ઉપરાંત વૃદ્ધો માટે રિવરફ્રન્ટમાં ફરવા માટે ઇલેકટ્રીક કાર અને તે માટે એક ખાસ બસ સ્ટોપ, કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી સુસજ્જ સિક્યુરીટી વ્યવસ્થા વગેરે અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રનો પ્રથમ રિવરફ્રન્ટ સાકાર થયો છે અને તેનું લોકાર્પણ થવાનું છે ત્યારે નગરજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે.  

Tags :