પાનમ ડેમ અને કડાણા ડેમમાંથી પાણી છોડાતા ટીમ્બા ગામ પાસે મહીસાગર નદી બે કાંઠે
ગોધરા તા.27 ઓગષ્ટ 2019 મંગળવાર
અરબી સમુદ્ર અને મધ્યપ્રદેશમાં સર્જાયેલા અપરએર સાઈક્લોનિક સરકયુલેશન સિસ્ટમને લઈ હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહીના પગલે ગોધરા ખાતે એન.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે .બે દિવસ દરમ્યાન પંચમહાલ જિલ્લામાં વાતવરણમાં અચાનક પલટો આવતા સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો .વાતાવરણમાં પણ અસહ્ય ઉકળાટ સામે રાહત પ્રસરી હતી તો બીજીબાજુ ટીમ્બા ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહેતી થતા લોકટોળા જોવા માટે ઉમટયા હતા .
પંચમહાલ જિલ્લામાં અવિરત વરસાદ બાદ જિલ્લાના મોટાભાગ ના જળાશયોમાં નોંધ પાત્ર વધારો જોવા મળ્યો છે . ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે પાનમ અને કડાણા ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો.ડેમની વધતી જતી જળ સપાટી અને રુલ લેવલ જાળવવા માટે પાનમ ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક અને કડાણા ડેમ માંથી ૨.૫૦ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા ગોધરા તાલુકાના ટીમ્બા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહેતી થઇ હતી .
જેનો નજારો જોવા માટે લોકટોળા ઉમટયા હતા તો બીજીબાજુ પંચમહાલ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર દ્વારા ગોધરા ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે બે દિવસ દરમ્યાન પંચમહાલ જિલ્લામાં ઉભરાઈ આવેલા કાળા ડિબાંગ વાદળો વરસતા જ સર્વત્ર રાહત પ્રસરી હતી .મેઘમહેરના ચોથા રાઉન્ડમાં વીતેલા ચોવીસ કલાક દરમ્યાન ગોધરામાં-૩ ઇંચ, કલોલમાં-૨ ઇંચ,ઘોઘંબામાં-૨ ઇંચ,જાંબુઘોડામાં-૨ ઇંચ,મોરવામાં-૩ ઇંચ,શહેરામાં-૩ ઇંચ હાલોલમાં-૧ ઇંચ વરસાદ નોંધાયો હતો .આમ પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે .