આવકવેરાનું મેગા સર્ચ ઓપરેશન: પોલીકેબ કેબલ્સ પ્રા.લિ. માં દેશવ્યાપી દરોડા
image : twitter
વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર
પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નુરપુરા પાસે આવેલી પોલીકેબ વાયર પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા મુંબઈ વડોદરા સ્થિત કોર્પોરેટ ઓફિસ સહિત કંપનીના સંચાલકોના નિવાસસ્થાનો અને મુખ્ય કેટલાક ડીલરોને ત્યાં આજે વહેલી સવારથી આવકવેરાની અલગ અલગ ટીમોએ દેશવ્યાપી દરોડા પાડ્યા છે. જેમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવવાની શક્યતા રહેલી છે.
વડોદરા શહેરની જાણીતી કેબલ કંપની આર.આર કેબલમાં તાજેતરમાં જ આવકવેરા વિભાગે દેશવ્યાપી દરોડા પાડ્યા હતા તે બાદ ગણતરીના દિવસોમાં જ વધુ એક કેબલ કંપનીમાં આજે વહેલી સવારથી દેશવ્યાપી દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નુરપૂરા ગામ નજીક આવેલી પોલીકેબ કેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે આજે વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી જઈને તપાસ શરૂ કરી છે. સવારની શિફ્ટમાં કામદારો કંપનીમાં પ્રવેશ કરતા હતા તેઓને પણ રોકી દેવામાં આવ્યા હતા.
હાલોલ સ્થિત પોલીકેબ કેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કોર્પોરેટ ઓફિસ મુંબઈ અને વડોદરામાં પણ આવેલી છે ત્યાં પણ વહેલી સવારથી આવકવેરાની ટીમે તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં કંપનીના વડોદરા અને અન્ય શહેરોમાં રહેતા સંચાલકોના નિવાસ્થાનો પર પણ આવકવેરાની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી છે.
આવકવેરા વિભાગ દ્વારા કંપનીના દેશવ્યાપી નિમવામાં આવેલા મુખ્ય કેટલાક ડીલરોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આવકવેરા વિભાગનું આ થોડા જ દિવસ પૈકીનું મોટું મેગા ઓપરેશન ગણવામાં આવી રહ્યું છે. તાજેતરમાં આર.આર કેબલ કંપનીમાં દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બેનામી મિલકતો મળી આવી હતી. હવે પોલીકેબ કેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને ત્યાંથી પણ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવવાની શક્યતાઓ રહેલી છે અને આ મેગા સર્ચ 3 થી 4 દિવસ સુધી ચાલશે તેમ માનવામાં આવે છે.