ટ્રમ્પના આકરા વલણથી ગૂગલ-એમેઝોન ઍલર્ટ, H-1B કર્મચારીઓને અમેરિકા બહાર ન જવા સલાહ
USA President Donald Trump: અમેરિકા ફર્સ્ટ નીતિના કારણે ગઈકાલે વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ પર ટ્રેડ વૉરના વાદળો ઘેરા બનાવ્યા છે. બીજી તરફ ઇમિગ્રેશન પ્રત્યે પણ કડક વલણ દર્શાવતાં અમેરિકામાં રહેતાં વિદેશીઓ પર જોખમ વધ્યું છે. ગેરકાયદે વસતા ઇમિગ્રન્ટ્સની ઘર વાપસી તેમજ ઇમિગ્રેશનના નિયમોને કડક કરાતાં હજારો H-1B વિઝાધારક આઇટી પ્રોફેશનલ્સમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તેમના પર અમેરિકામાંથી ગમે ત્યારે હાંકી કાઢવાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સંકટ વચ્ચે ગૂગલ અને એમેઝોન જેવી દિગ્ગજ આઇટી કંપનીઓએ પોતાના H-1B વિઝાધારક કર્મચારીઓને સલાહ આપી છે કે, તેઓ હાલ અમેરિકાની બહાર જાય નહીં.
આ દિગ્ગજ કંપનીઓને ભય છે કે, ટ્રમ્પ સરકાર અમેરિકા છોડ્યા બાદ હજારો H-1B ઇમિગ્રન્ટ્સ માટે ફરી એન્ટ્રીના દરવાજા બંધ કરી દેશે. જેનાથી હજારો ભારતીય સહિત અનેક દેશોના H-1B પ્રોફેશનલ્સનાં ભવિષ્યમાં અંધારું છવાઈ શકે છે અને અનિશ્ચિતતાઓ પણ વધી શકે છે.
આ પણ વાંચોઃ કેનેડામાં કામ કરતાં ભારતીયો માટે ખુશીના સમાચાર, આજથી લઘુતમ પગારમાં વધારો
બાળકોના ભવિષ્યની ચિંતા
વિદેશી મીડિયા રિપોર્ટ અનુસાર, એવી આશંકા છે, આગામી દિવસોમાં ટ્રમ્પ સરકાર હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સનો વિઝા રિજેક્શન રેશિયો વધારી શકે છે. તેમણે પોતાના પહેલાં કાર્યકાળમાં પણ આ જ પગલું લીધુ હતું. અમેરિકામાં જન્મજાત સિટીઝનશીપ આપવાના નિયમ પર પણ રોક મૂકી દીધી છે. જેનાથી H-1B વિઝાધારકોમાં પોતાના બાળકોના ભવિષ્ય અંગેની ચિંતા વધી છે.
લોટરી સિસ્ટમ મારફત 65,000 H-1Bવિઝા
H-1B વિઝા પ્રોગ્રામ કંપનીઓને વિદેશમાંથી પ્રોફેશનલ્સની ભરતી કરવાની મંજૂરી આપે છે. જેમાં અમેરિકામાં સ્થિત કંપનીઓ ખાસ કરીને ભારતીયોની કુશળતાનો લાભ લે છે. દર વર્ષે લોટરી સિસ્ટમ મારફત 65,000 H-1B વિઝા જારી કરવામાં આવે છે. હાલના વર્ષોમાં ભારતીયોને સૌથી વધુ H-1B વિઝા મળે છે. ત્યારબાદ ચીન અને કેનેડાના નાગરિકોનું સ્થાન છે. એપ્રિલથી સપ્ટેમ્બર, 2024 દરમિયાન મંજૂર કરવામાં આવેલા કુલ 1.3 લાખ H-1B વિઝામાં લગભગ 24766 વિઝા ભારતીય મૂળની કંપનીઓને આપવામાં આવ્યા છે. જેમાં ઇન્ફોસિસે 8140, ટીસીએસે 5274 અને એચસીએલ અમેરિકાએ 2953 વિઝા મેળવ્યા છે.