અમેરિકાના VISA લઇને કોઇ પ્રશ્ન હોય તો મળશે તુરંત જવાબ, દર શુક્રવારે FB પર US Embassy લાઈવ થશે
USA Visa Questions Ask To Visa Authorities: કોવિડ મહામારીના કારણે ખોરવાઈ ગયેલી વિઝા પ્રક્રિયાને સરળ બનાવતાં ભારત સ્થિત યુએસ એમ્બેસીએ ફરી એકવાર વિઝા ફ્રાઈડે સાથે ફરી સક્રિય બની છે. જે વિદ્યાર્થીઓ સહિત અમેરિકા આવવા ઈચ્છુકોને વિઝા પ્રક્રિયા અને વિઝા સંબંધિત પ્રશ્નો-મૂંઝવણો પૂછવા સક્ષમ બનાવે છે.
ભારતમાં સ્થિત યુએસ એમ્બેસીના વિઝા ઓફિસર તેના ફેસબુક પેજ India.USEmbassy પર દર શુક્રવારે ઓનલાઈન થાય છે. જ્યાં તેઓ બપોરે 2 વાગ્યે વિઝા સંબંધિત પૂછવામાં આવેલા પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. જેથી જો તમને તમારા અમેરિકાના વિઝા સંબંધિત કોઈ પ્રશ્નો કે મૂંઝવણ હોય, તો તમે બેધડક આ ફેસબુક પેજ પર તમારો સવાલ કમેન્ટમાં લખી મોકલી શકો છો. જેનો જવાબ તુરંત મળે છે.
અમેરિકા આજે પણ વિદેશીઓ માટે ડ્રીમ કંટ્રી
વિશ્વની મહાસત્તા અમેરિકા આજે પણ વિદેશીઓ માટે લોકપ્રિય દેશ છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આજે પણ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) લોકપ્રિય સ્થળ રહ્યું છે. 2021-22માં 200 દેશોમાંથી 948519 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લીધો હતો. 2022-23માં 268923 ભારતીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા મંજૂર થયા હતા. જે 2021-22ની 199182ની તુલનાએ 35 ટકા ઉછાળો દર્શાવે છે.
મુંબઈમાં તમામ ઈમિગ્રન્ટ વિઝા સેવાઓ ફરી શરૂ
મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ દ્વારા તમામ ઈમિગ્રન્ટ્સ માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરી દીધી છે. જ્યારે નવી દિલ્હી ખાતે સ્થિત યુએસ કોન્સ્યુલેટમાં હજી પણ નોન-ઈમિગ્રન્ટ્સ સેવાઓ મર્યાદિત છે. ભારતમાં દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, અને મુંબઈ એમ પાંચ શહેરોમાં યુએસ કોન્સ્યુલેટ્સ આવેલા છે.