UAE જવા માટે માત્ર વિઝા અને ટિકિટ નહીં ચાલે, બેંક બેલેન્સ અને અન્ય ડોક્યુમેન્ટ્સ પણ બતાવવા પડશે
UAE Visa Guidelines: યુએઈ જવુ હવે મુશ્કેલ બની શકે છે. જો તમારી પાસે વિઝા ડોક્યુમેન્ટ્સ હશે પણ એરપોર્ટ પર જવાબ આપવામાં ખચકાયા કે, ડોક્યુમેન્ટ કરતાં અલગ જવાબ આપ્યા તો પણ તમને એરપોર્ટ પરથી જ પાછા ઘરે મોકલવામાં આવશે.
યુએઈએ ઈમિગ્રેશને એક બાજુ ઘણા દેશોમાં વિઝા ફ્રી ટ્રાવેલ સહિત વિઝા પોલિસી સરળ બનાવી છે. પરંતુ ખોટી રીતે અને ગેરકાયદે વૃત્તિઓ સાથે યુએઈમાં પ્રવેશ કરતાં લોકો પર સંકજો કસ્યો છે.
યુએઈએ ઈન્ડિગો સહિત તમામ એરલાઈન્સને કડક નિર્દેશ આપ્યા છે કે, દુબઈ સહિત યુએઈની ફ્લાઈટમાં મુસાફરને બોર્ડ કરતાં પહેલાં ગાઈડલાઈન્સનું પાલન કરે. જે મુસાફર આ ગાઈડલાઈન્સને અનુરૂપ હોય તેને જ ફ્લાઈટમાં ઓનબોર્ડ થવા મંજૂરી આપે.
યુએઈ ઈમિગ્રેશન ઓથોરિટીની નવી ગાઈડલાઈન્સ
- એરપોર્ટ અધિકારી યુએઈના મુસાફરોને યુએઈ જવા પાછળનો ઉદ્દેશ, સુવિધાઓ, અને ખર્ચ માટે પર્યાપ્ત રકમ વિશે પુછપરછ કરશે
- વિઝીટર અને ટુરિસ્ટ વિઝા ધરાવતા લોકોને કામ કરવાની મંજૂરી નથી. ઘણી ટ્રાવેલ એજન્સીઓ અને રિક્રુમેન્ટ એજન્સીઓ ટુરિસ્ટ વિઝા પર પ્રવેશ અપાવી કામ આપવાનું વચન આપી રહી છે, તે તદ્દન ગેરકાયદેસર છે. પકડાવવા પર સજા માટે તૈયાર રહેવુ પડશે.
- કામ અર્થે આવતા લોકોએ તેમના પ્રવેશની મંજૂરી, કામનું સ્થળ, સમય સહિત તમામ બાબતો જણાવવી પડશે.
- દુબઈ સહિત યુએઈનો પ્રવાસ માટે આવતા મુલાકાતીઓએ હોટલ, રિટર્ન ટિકિટ, અને અમુક ચોક્કસ ફંડ દર્શાવવુ પડશે.
- મિત્ર, અધિકારી કે, પરિજનોની મુલાકાત માટે આવી રહ્યા હોવ તો તેમની રહેઠાણ, ફોન નંબર, સુવિધા સહિત તમામ વિગતો રજૂ કરવી પડશે.
- યુએઈ એરપોર્ટ પર પણ સ્ક્રિનિંગ થશે
- યુએઈ એરપોર્ટ પર પ્રવેશની સાથે જ મુસાફરનું નિરિક્ષણ અને સ્ક્રિનિંગ થશે. અગાઉ કેરળમાં કોટ્ટાયમ અને ઈડુકી જિલ્લામાંથી આવતા અનેક મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી. જેઓ અયોગ્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ સાથે યુએઈ આવ્યા હતા.
ગેરકાયદે પ્રવેશ કરનારાની સંખ્યા વધી
બુધવારે કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગેરકાયદે મુસાફરી કરતાં 20 મુસાફરોના બોર્ડિંગ અટકાવી દેવામાં આવ્યા હતા. જ્યારે કાલિકટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ પ્રકારના રોજના પાંચ કેસો જોવા મળે છે. કોઝિકોડેમાં 30 મુસાફરોએ નવી ગાઈડલાઈન્સને ધ્યાનમાં લેતાં પોતાની ટ્રીપ રદ કરી હતી.
5000 દિર્હમ પેનલ્ટીની જોગવાઈ
એરલાઈન કંપનીઓએ યુએઈ દ્વારા મંગળવારથી નવી ગાઈડલાઈન્સ અનુસરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુસાફરો પાસે હોટલના બુકિંગ ડોક્યુમેન્ટ્સ અને ખર્ચ માટે 5000 દિર્હમ (રૂ. 1.3 લાખ) ફંડની જોગવાઈ નહીં હોય તો પ્રવેશ મળશે નહીં. ઘણા મુસાફરો પાસે માત્ર વિઝા અને એર ટિકિટ જ હતી. જેમને પાછાં ઘરે મોકલવામાં આવ્યા હોવાનું ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું હતું. અને જો યોગ્ય ડોક્યુમેન્ટ્સ વિના યુએઈની મુલાકાત લીધી તો તેમને સજાના ભાગરૂપે ત્યાં 5000 દિર્હમની પેનલ્ટી ફટકારવામાં આવશે. એક માસના વિઝા માટે 3000 દિર્હમ (રૂ. 68 હજાર) અને ત્રણ માસના વિઝા માટે 5000 દિર્હમ (રૂ. 1.3 લાખ) હોવા જરૂરી છે. ક્રેડિટ કાર્ડ બેલેન્સ પણ સ્વીકાર્ય છે.