UAEની મોટી જાહેરાત, આ ખાસ ક્ષેત્રમાં કામ કરતાં લોકો માટે લાવ્યું 10 વર્ષના બ્લૂ વિઝા
UAE Unveils Blue Residency Visa: યુનાઈટેડ અરબ એમિરાતે પર્યાવરણની સુરક્ષા માટે અથાગ પ્રયાસો તેમજ યોગદાન આપનારા લોકો માટે 10 વર્ષના બ્લૂ રેસિડેન્સી વિઝા જારી કર્યા છે. જેઓ જમીન-જળ અને હવા સહિત સમગ્ર પર્યાવરણની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે, તેમના માટે યુએઈમાં સ્થાયી થવાની આકર્ષક તક દુબઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદે જાહેર કરી છે.
રાશિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, “આ વર્ષે 2024નું વર્ષ ટકાઉપણાનું વર્ષ છે. પર્યાવરણની સુરક્ષા ક્ષેત્રે અથાગ પ્રયાસો અને યોગદાન આપનારા માટે આજે અમે 10 વર્ષના બ્લૂ રેસિડેન્સી વિઝા જારી કર્યા છે. જે લોકોને લાંબાગાળા સુધી વસવાટ કરવા પ્રોત્સાહન આપશે. તેની મોડર્ન ટેક્નોલોજી સાથે જળ, જમીન અને હવાની ગુણવત્તામાં સુધારો કરતાં પર્યાવણના સંરક્ષણ માટે કામ કરતાં લોકોને યુએઈમાં સ્થાયી થવા પ્રેરિત કરશે.”
વધુમાં ઉમેર્યું હતું કે, "અમારી ટકાઉ અર્થવ્યવસ્થા અમારા પર્યાવરણની સ્થિરતા સાથે જોડાયેલી છે અને આ ક્ષેત્રમાં અમારી દિશાઓ સ્પષ્ટ અને સુસંગત છે."
આ રીતે અરજી કરી શકશે
વિઝા માટે લાયકાત ધરાવતી વ્યક્તિને ફેડરલ ઓથોરિટી ઓફ આઈડેન્ટિટી, સિટિઝનશીપ, કસ્ટમ્સ, એન્ડ પોર્ટ સિક્યુરિટી મારફત અરજી મોકલવવા આમંત્રિત કરવામાં આવશે. સંબંધિત ઓથોરિટી લોંગ-ટર્મ રેસિડેન્સી માટે લોકોની પસંદગી કરી વિઝા ઓફર કરશે.
યુએઈમાં અગાઉ 2 વર્ષનો વસવાટ શક્ય હતો
આ જાહેરાત થઈ તે પહેલાં યુએઈમાં 2 વર્ષ માટે સ્ટાન્ડર્ડ રેસિડેન્સી વિઝા મળતા હતાં. જો કે, 2019માં ગોલ્ડન વિઝા તરીકે 10 વર્ષનો રેસિડેન્સી પ્રોગ્રામ રજૂ કર્યો હતો. જે રોકાણકારો, આંત્રપ્રિન્યોર્સ, વૈજ્ઞાનિકો, અપવાદરૂપે વિદ્યાર્થીઓ, સ્નાતકો તથા માનવતાવાદી નેતાઓ સહિત અન્યને સ્થાયી થવા આમંત્રિત કરે છે.
યુએઈનો પાંચ વર્ષનો ગ્રીન વિઝા
યુએઈએમાં લાંબા ગાળા સુધી વસવાટ કરવા માટે ગ્રીન વિઝાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જે પાંચ વર્ષ માટે સ્કિલ પ્રોફેશનલ્સ, ફ્રિલાન્સર્સ, રોકાણકારો, વૈજ્ઞાનિકો, આંત્રપ્રિન્યોર્સ, અપવાદરૂપ વિદ્યાર્થીઓ અને સ્નાતકો સહિત અન્યોને સ્થાયી થવાની મંજૂરી આપે છે.