અમેરિકામાં રહેતાં ભારતીયો માટે માઠા સમાચાર, ટ્રમ્પ ટૂંક સમયમાં વિઝા રિન્યૂઅલ નિયમોમાં કરશે મોટો ફેરફાર
USA Revokes Auto Renewal Time Line Rule: અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ, રેફ્યુજી, ગ્રીનકાર્ડ અને એચ1બી સ્પાઉસ વિઝા અને એલ-1 સહિત વિવિધ વિઝાના ઓટો રિન્યુઅલ મર્યાદા 180થી વધારી 540 દિવસ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ સરકારના બે સેનટર્સે બાઈડેન સરકારનો ઓટોમેટિક રિન્યુઅલ પિરિયડ લંબાવવાનો નિર્ણય રદ કરવાની યોજના જણાવી હતી.
બાઈડેનનો નિર્ણય
બાઈડેનના શાસન દરમિયાન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા 13 જાન્યુઆરીના રોજ ઇમિગ્રન્ટ્સ, શરણાર્થીઓ, ગ્રીનકાર્ડ ધારકો અને H-1B વિઝા અને L-1 વિઝાધારકો સહિત વિશાળ જૂથના વિઝા ઓટોમેટિક રિન્યુ કરવાની મુદ્દત 180 દિવસથી લંબાવી 540 દિવસ કરવાના નિર્ણય પર મહોર લગાવવામાં આવી હતી. આ નિર્ણય ખાસ કરીને ઘણા ભારતીય નાગરિકો માટે ફાયદાકારક બન્યો હતો.
ઈમિગ્રેશન પર નિરિક્ષણ રાખવું મુશ્કેલ
સેનેટર્સ જ્હોન કેનેડી અને રિક સ્કોટે ગત ગુરૂવારે કોંગ્રેસનલ રિવ્યૂ એક્ટ પ્રોસિઝર્સ હેઠળ રિઝોલ્યુશન રજૂ કર્યું હતું કે, બાઈડેન સરકારનો ઈમિગ્રન્ટ્સ માટે વર્ક પરમિટને ઓટોમેટિક 540 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય જોખમી છે. જે ઈમિગ્રેશન પર નિરિક્ષણ રાખવું મુશ્કેલ બનાવે છે. તેમજ ઈમિગ્રન્ટ્સ વર્ક વિઝા લંબાવવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં વિલંબ કરે છે. ટ્રમ્પ સરકાર અમેરિકાના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આપણા ઈમિગ્રેશન કાયદામાં જરૂરી સુધારાઓ કરી રહી છે.
ગેરકાયદે રહેતાં લોકોની હાંકલપટ્ટી શરૂ
ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રહેતાં લોકોની હાંકલપટ્ટી શરૂ કરી છે. આજે જ ડિપોર્ટેશન પહેલ હેઠળ અમેરિકાએ 104 ભારતીયોનો પહેલો કાફલો પાછો વતન મોકલ્યો છે. જેમાં 33 ગુજરાતીઓ અને 30 પંજાબી સામેલ હતાં. અમેરિકામાં આશરે 18000થી વધુ ભારતીયો ગેરકાયદે રહેતાં હોવાનો અંદાજ છે. ટ્રમ્પ સરકાર તમામની શોધ કરી તેમને પાછાં ભારત મોકલી રહી છે. એવામાં બાઈડેનનો વર્ક વિઝા પૂર્ણ થયા બાદ 540 દિવસ રહેવા દેવાનો નિર્ણય પણ રદ થતાં ભારતીયોની મુશ્કેલી વધી છે.