જોહાનિસબર્ગમાં બન્યું દક્ષિણ ગોળાર્ધનું સૌથી મોટું હિન્દુ મંદિર, BAPSએ બનાવ્યો રેકોર્ડ: જાણો ખાસિયત
Hindu temple in South Africa: હિન્દુ ધર્મના લોકોને આનંદ થાય એવા એક સમાચાર દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. ત્યાંના જોહાનિસબર્ગ શહેરમાં રવિવારે (બીજી ફેબ્રુઆરી) એક એવા હિન્દુ મંદિરનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેના નામે દક્ષિણ ગોળાર્ધમાં બનેલ સૌથી મોટા મંદિરનો રેકોર્ડ નોંધાયો છે.
શેનું મંદિર છે?
આ મંદિર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા સંચાલિત સ્વામીનારાયણ મંદિર છે. બહુ સાંસ્કૃતિક કેન્દ્ર એવું આ હિન્દુ મંદિર ખૂબ જ ભવ્ય છે. એક નજર નાંખીએ એની ભવ્યતા પર.
- મંદિરનું પરિસર 14.5 એકરમાં ફેલાયેલું છે.
- 3,000 સીટ ધરાવતા ઓડિટોરિયમ, 2,000 સીટ ધરાવતો બેન્ક્વેટ હોલ, એક સંશોધન સંસ્થા, વર્ગખંડો, પ્રદર્શન કક્ષ, સર્જન કેન્દ્રો અને એક ક્લિનિક સહિતની ઘણી સુવિધાઓ આ સાંસ્કૃતિક કેન્દ્રમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
- મંદિરની વિશેષતા એ છે કે તે દક્ષિણ ગોળાર્ધમાં બનેલું સૌથી મોટું હિન્દુ મંદિર છે.
ભવ્ય હતો અનાવરણ સમારોહ
મંદિરના અનાવરણ સમારોહમાં BAPS સંપ્રદાયના નેવું વર્ષીય આધ્યાત્મિક આગેવાન મહંત સ્વામી મહારાજે અભિષેક વિધિનું નેતૃત્વ કર્યું હતું. સમારોહમાં ભાગ લેવા માટે રવિવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જમા થઈ ગઈ હતી. જોહાનિસબર્ગમાં પહેલી ફેબ્રુઆરીના રોજ સાધુઓ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં માર્ચિંગ બેન્ડ્સ અને ડાન્સર્સ દ્વારા ભક્તિ સંગીત દર્શાવવામાં આવ્યું હતું.
મંદિર દક્ષિણ આફ્રિકાના સમાજ અને સંસ્કૃતિનો હિસ્સો બનશે
મુખ્યત્વે હિન્દુ આસ્થાનું કેન્દ્ર એવું આ નવનિર્મિત મંદિર દક્ષિણ આફ્રિકાના સ્થાનિક સમાજને પણ એમની પ્રવુત્તિઓમાં સમ્મીલિત કરશે. સ્થાનિક સમુદાયો દ્વારા બોલાતી ભાષાઓમાં કલા, નૃત્ય અને આસ્થાને લગતા અભ્યાસક્રમો અને સખાવતી કાર્યક્રમોનું આયોજન મંદિર દ્વારા કરાશે. સાથોસાથ સ્વામિનારાયણ પરંપરાના મૂળ મૂલ્યોને પ્રતિબિંબિત કરતી એકતા, કરુણા અને સમુદાયિક સેવાઓ પણ અમલમાં મૂકવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાના નાયબ પ્રમુખે પ્રોત્સાહન આપ્યું
આ વિશેષ પ્રસંગને દક્ષિણ આફ્રિકાના ઉપપ્રમુખ પૌલ માશટાઇલે ‘વિશ્વાસ, સંસ્કૃતિ અને એકતાની દીવાદાંડી’ ગણાવ્યો હતો. સ્થાનિક હિન્દુ સમુદાયની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, ‘સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને મૂલ્યો ધરાવતા હિન્દુ સમુદાયે રાષ્ટ્રનિર્માણમાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. આપણા દેશની કુલ વસ્તીના બે ટકાથી પણ ઓછા હિન્દુઓ છે, છતાં તેમણે આપણા વૈવિધ્યસભર સમાજના સામાજિક માળખાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.’
BAPS પાસે આવી આશા વ્યક્ત કરી
ઉપપ્રમુખે BAPSના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘BAPS માનવ સેવા, સામાજિક ઉત્થાન અને સાંસ્કૃતિક જાળવણી બાબતની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે, તેથી આ નવું મંદિર માત્ર પૂજા સ્થળ તરીકે જ નહીં, પરંતુ તમામ ધર્મ, કોમ અને પૃષ્ઠભૂમિના લોકો માટે શાંતિ, જ્ઞાન અને આધ્યાત્મિક સંવર્ધનના કેન્દ્ર તરીકે સેવા આપશે.’ તેમણે ગરીબી, બેરોજગારી, હિંસા, માદક દ્રવ્યોના દુરુપયોગ અને લિંગ આધારિત હિંસા જેવા રાષ્ટ્રવ્યાપી પડકારોનો સામનો કરવા માટે સરકાર સાથે હાથ મિલાવીને કામ કરવાનું આમંત્રણ પણ BAPSને આપ્યું હતું.
બીજા તબક્કાનું નિર્માણ કાર્ય બાકી છે
અત્યારે મંદિરના પહેલા તબક્કામાં બનેલ સંકુલનું જ અનાવરણ કરવામાં આવ્યું છે. મંદિરના બીજા તબક્કાનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે.
દક્ષિણ આફ્રિકામાં હિન્દુ આસ્થાના અન્ય કેન્દ્રો પણ છે
સ્વામીનારાયણના આ નવનિર્મિત મંદિર ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં હિન્દુ આસ્થાના કેન્દ્ર એવા અન્ય મંદિરો પણ છે, જેમાં ડરબન શહેરમાં આવેલ શ્રી સનાતન હિન્દુ યુનિયન (SSHU) મંદિર અને જોહાનિસબર્ગમાં આવેલ શ્રી સિદમ્બરમ મારુતિ મંદિરનો સમાવેશ થાય છે.