ન્યુ જર્સી ખાતે મહાશિવરાત્રિ પર્વની દબદબાભરી ઉજવણી

Updated: Mar 31st, 2019


Google NewsGoogle News
ન્યુ જર્સી ખાતે મહાશિવરાત્રિ પર્વની દબદબાભરી ઉજવણી 1 - image


ન્યુ જર્સી, તા. 25 માર્ચ 2019, સોમવાર

સમગ્ર ભારતમાં ભાષા, ભોજન, આસ્થાની અનેકવિધતા વચ્ચે સહુને જોડતો સેતુ, તાંતણો એ આપણા ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઉત્સવો છે. દિપાવલી, હોલી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, નવરાત્રિ, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તક દિન આદિ આપણી સાંસ્કૃતિક અને સમૃદ્ધિ અને એકવાક્યતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

તાજેતરમાં ભગવાન ભોલેનાથ, દેવાધિદેવ મહાદેવજીની શ્રદ્ધા, ભક્તિને ઉજાગર કરતું મહાશિવરાત્રિ પર્વ સોમવાર તા. ૪ માર્ચ ૨૦૧૯ના રોજ સમસ્ત વિશ્વમાં વસતી વિરાટ ભાવિક જનતાને મંદિરો પ્રતિ આકર્ષી શિવની આરાધના, દર્શન, રૂદ્રાભિષેક અને અન્ય શિવ આરાધના સ્તોત્રો ગાન, ભજનોમાં શિવના દ્રશન કરી સમગ્ર પરિવારને કૃતકૃત્યતાનો અનુભવ કરાવતા દ્રશ્યો સર્જી ગયા. પ્રસ્તુત લેખમાં અમેરિકાના ન્યુજર્સી રાજ્યમાં વિધવિધ દેવાલયો, હોલોમાં સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા સામુહિક મહાશિવરાત્રિની ઉજવણીના અહેવાલો સાચે જ પ્રશંસનીય રહ્યા.

ભગવાન શિવ અજન્મા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિપૂટીનો ભાગ છે. ઉત્પન્ન કર્તા, પાલન કર્તા અને સંહારકની ભૂમિકા ભજવતા હિન્દુ ધર્મના આ આધારસ્તંભો સમા દેવો છે જેમાં મા દુર્ગા, અંબિકા, સરસ્વતી, લક્ષ્મી, ગાયત્રી ઉમેરાતા ધર્મનો પ્રભાવ અને પ્રસાર અનેકગણો વધેલ છે.

પરમ નિષ્ઠા, શ્રદ્ધા અને ભક્તિભાવ અને પુરોહિત (પૂજારી) સનાતન મંદિર, પારસીપની ન્યુજર્સી ખાતે શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રીજીએ આ વર્ષે ભારત ખાતે યોજાયેલ મહાકુંભનું કથાવસ્તુ લઈ, સમુદ્રમંથન બાદ પ્રાપ્ત ચૌદ રત્નોમાં અમૃતને ધન્વંતરી દ્વારા કુંભમાં મૂક્યો અને દેવોને ઉપલબ્ધ કરાયો તેનું મનોહર સુશોભન કર્યું હતું અને મંદિરના દેવ- દેવીઓને વ્યાઘ્રચર્મનો પોષાક પહેરાવી સર્વત્ર શિવમય વાતાવરણ સર્જ્યું હતું.

ગાયત્રી ચેતના સેન્ટર પીસાટવે, ન્યુજર્સી ખાતે રવિવાર તા. ૩ માર્ચે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજન, અર્ચન, યજ્ઞાાદિ કાર્યક્રમ સાથે મંદિરમાં પ્રસ્થાપિત મહાકાલેશ્વર મહાદેવના શિવલિંગ પર સમગ્ર દિન દરમિયાન તથા ૪ માર્ચે શિવરાત્રિ દિને સેંકડો ભાવિકોએ અભિષેકનો લાભ લીધો હતો. ગાયત્રી માતા, ગણેશજી, હનુમાનજી નયનરમ્ય મૂર્તિના દર્શનનો લાભ પણ દર્શનાર્થીઓ લીધો હતો.

ન્યુજર્સીના અન્ય મંદિરો સ્વામિનારાયણ મંદિરો, હિન્દુ મંદિર ગારફિલ્ડ તથા કાર્ની, ગોવિંદા મંદિર, સિદ્ધિધામ મંદિર, જર્સી સીટી, દુર્ગા મંદિર, વેદ મંદિર, હિન્દુ મંદિર- વેઇન તથા અન્યત્ર ભગવાન આશુતોષના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. 

ભાવિકો તેમની સાથે પૂજાની સામગ્રી દૂધ આદિ તેમના પરિવાર સહ પૂજા માટે લઈને ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News