અમેરિકા ભણવા જતાં વિદ્યાર્થીઓ બેગ પેક કરતાં પહેલાં આ બાબતોને ધ્યાનમાં રાખો, નહીં તો થઈ શકે મુશ્કેલી
Students Keep Things On Mind before Visiting USA: વિશ્વની મહાસત્તા અને ટોચની ઈકોનોમી ધરાવતો દેશ અમેરિકા (USA) આજે પણ ઘણા વિદ્યાર્થીઓ માટે ડ્રીમ કન્ટ્રી છે. અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવું એ ઘણા લોકોનું સપનું છે. તેમાંય તો વિઝા મંજૂર થઈ જાય તો સોને પે સુહાગા... પરંતુ અમેરિકા જતાં પહેલાં અમુક બાબતોને ધ્યાનમાં રાખશો તો તમને ત્યાં મુશ્કેલી નહીં પડે તેમજ તમે સરળતાથી સ્થાયી થઈ શકશો.
અમેરિકા જતાં પહેલાં તમે ટ્રાવેલ અને એકેડેમિક ડોક્યુમેન્ટ્સની ફાઈલ તૈયાર કરો, તેમજ રોજિંદા જીવનમાં જરૂરી સામાન લઈ જવાનું ભૂલશો નહીં. વધુમાં ઈન્ડિયાથી જ તમે ગ્લોબલ લેવલનું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી શકો છો. જેથી અમેરિકામાં પરિવહન અને નોકરીનો એક વધુ વિકલ્પ ઉભો થઈ શકે છે. આવો જાણીએ કયાં ડોક્યુમેન્ટ્સની યાદી તમારે તૈયાર કરવી પડશે...
અમેરિકા જતાં પહેલાં આ ડોક્યુમેન્ટ્સ જરૂરથી લો
પાસપોર્ટ, સ્ટુડન્ટ વિઝા, એર ટિકિટ, I-20, SEVIS ફી રિસિપ્ટ, TOEFL, GRE, GMAT, IELTSની સ્કોર શીટ, યુનિવર્સિટીનો ઓફર લેટર, ફોર્મ્સ અને અન્ય ડોક્યુમેન્ટ્સ, યુનિવર્સિટીનો એડમિટ લેટર, ઓરિજિનલ અને અટેસ્ટેડ માર્ક શીટ, ડિગ્રી સર્ટિફિકેટ સહિત એકેડેમિક ટ્રાન્સ્ક્રિપ્ટ્સ, એસઓપી લેટર (સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ), ફાઈનલ યર પ્રોજેક્ટ રિપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ અને ઓછામાં ઓછી 5 ફોટો કોપી અવશ્ય તમારી સાથે રાખો. આ સિવાય અમેરિકામાં જરૂર પડે તેવા ડોક્યુમેન્ટ્સની યાદી તૈયાર કરી તેને પણ સાથે લઈ જઈ શકો છો.
ફોરેન કરન્સી
ડિજિટાઈઝેશનના યુગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું ચલણ માન્ય ગણાતું હોવા છતાં હંમેશા 1000થી 2000 યુએસ ડોલરની રોકડ સાથે રાખો. જેથી ટ્રાવેલ દરમિયાન અને અમેરિકા પહોંચી તાત્કાલિક જરૂરિયાત સમયે રોકડની અડચણ નહીં પડે. અહીંથી જ કરન્સી એક્સચેન્જ ઓફિસ અને ફોરેન એક્સચેન્જ સેન્ટર જઈ તમે રૂપિયાને યુએસ ડોલરમાં કન્વર્ટ કરાવી સાથે રાખી શકો છો. અમેરિકામાં ફોરેક્સ કાર્ડ્સ પણ રાખી શકો છો, જે તમારા ગ્રોસરી બીલ, શોપિંગ બીલ વગેરેની ચૂકવણી માટે મદદરૂપ થશે.
આ ચીજો પણ જોડે રાખવી
અમેરિકાનું તાપમાન ભારત કરતાં તદ્દન જુદુ છે. જેથી ત્યાં શરૂઆતમાં તાપમાન માફક ન પણ આવી શકે અને બિમાર પડવાની શક્યતા પણ રહેતી હોવાથી હંમેશા ઘરેથી જ દવાઓ લઈ જવાનું રાખો. તમારી અગાઉથી ચાલુ દવાઓ પણ તમે લઈ જઈ શકો છો. તાવ, શરદી-ઉધરસ, કફ, દાંતમાં દુખાવો, શરીરમાં કળતર, કબજિયાત સહિતની દવાઓ જોડે લઈ જાઓ. એન્ટી-એલર્જિક દવાઓ, ડેટોસ, બેન્ડેજ, એન્ટાસાઈડ્સ સહિતની દવાઓ અહીંથી જ લઈ જવાનું રાખો. કારણકે, અમેરિકામાં દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના મળતી નથી. અને ડોક્ટરની અપોઈનમેન્ટમાં પણ વેઈટિંગ વધુ અને ખર્ચાળ હોય છે.
ડ્રાઈવિંગ શીખો
જો તમને ડ્રાઈવિંગ ન આવડતું હોય તો ભારતમાંથી જ ડ્રાઈવિંગ શીખીને જાઓ. અમેરિકામાં ડ્રાઈવિંગ અને ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન થતું હોવાથી તમે અમેરિકા પહોંચી પહેલું કામ ડ્રાઈવિંગ શીખવાનું કરી શકો છો. તમે અમેરિકા પહોંચી પહેલાં લર્નર લાયન્સ અને સ્ટેટ આઈડી માટે અરજી કરવાની રહેશે. લર્નર લાયસન્સ અને સ્ટેટ આઈડી આવી ગયા બાદ બેન્ક એકાઉન્ટ માટે અરજી કરી શકો છો. ડ્રાઈવિંગ લાયસન્સની મદદથી તમારી પાસે કેબ, ઉબર જેવી નોકરીની તકો મળશે.