તબિયત ખરાબ થાય તો મરવા માટે છોડી દે, જંગલ-સમુદ્રમાં સફર: ડંકી રૂટથી અમેરિકા જતાં લોકોની આપવીતી
Image: AI |
US Illegal Immigrants: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક આદેશે ડંકી રૂટથી અમેરિકા આવનારા 104 અપ્રવાસીઓના સપનાં ચકનાચૂર કરી દીધા છે. ભારત પરત મોકલવામાં આવેલાં મોટાભાગના ભારતીયોએ દલાલોની જાળમાં ફસાઈને પોતાના જીવને જોખમમાં મૂક્યું હતું. આ લોકોએ દલાલોને વર્ક વીઝા માટે લાખો રૂપિયા આપ્યા હતાં, પરંતુ તેમની સાથે દગો થયો. પરિણામ એવું આવ્યું કે, તેઓને ખતરનાક સમુદ્રમાં જીવ જોખમમાં મૂકવો પડ્યો. ઘર છોડ્યા બાદ તેની પાસે પરત ફરવાનો વિકલ્પ ન હતો. જંગલ, પહાડ અમે સમુદ્રના રસ્તે દુઃખદ સફર ખેડવો પડતો. આવી મુશ્કેલીમાં ફસાયેલા લોકોમાં કોઈની તબિયત ખરાબ થઈ જતી, તો તેને મરવા માટે મૂકી દેવાતા.
એજન્ટે લાખો રૂપિયા પડાવી ડંકી રૂટ પર મોકલ્યા
પંજાબના હોશિયારપુરના રહેવાસી હરવિંદર સિંહે મુસાફરી દરમિયાન એવા ઘણાં મૃતદેહ જોયા, જે અમેરિકા જવાનું સપનું પૂરું ન કરી શક્યા. તહલી ગામના હરવિંદરને એજન્ટે વર્ક પરમિટ અને વિઝા અપાવવાનું વચન આપ્યું હતું અને તેના બદલે 42 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે કાયદાકીય રીતે જવાનો દિવસ આવ્યો તો એજન્ટે જણાવ્યું કે, વિઝા નથી મળ્યા. પરંતુ, તે અન્ય રીતે અમેરિકા પહોંચાડી દેશે. આ એક ચૂક હરવિંદરને ભારે પડી. હરવિંદરે જણાવ્યું કે, મને દિલ્હીથી કતર મોકલવામાં આવ્યો, બાદમાં બ્રાઝીલની ફ્લાઇટમાં બેસાડી દેવાયો. આ ફ્લાઇટમાં અન્ય ઘણાં લોકો હતા, જેને અમેરિકા મોકલવામાં આવી રહ્યા હતા. જાણતાં-અજાણતાં અમે બધાં ગેરકાયદે ડંકી રૂટના ગ્રૂપનો ભાગ બની ગયા.
મૃત સાથીને છોડીને જવું મજબૂરી
બ્રાઝીલ પહોંચતાં હરવિંદર સિંહે જણાવ્યું કે, અમારા ગ્રૂપને ટેક્સી દ્વારા પહેલાં કોલંબિયા, બાદમાં પનામા લઈ જવામાં આવ્યા. ત્યાંથી પણ મુશ્કેલી ખતમ નહતી થઈ. બે દિવસ સુધી ગધેડાંની જેમ મુસાફરી કરવી પડી. બાદમાં સમુદ્રમાં ચાર કલાકની ડરામણી મુસાફરી કરી. બાદમાં મને અને મારી સાથે આવેલા પ્રવાસીઓને નાનકડી હોડીમાં બેસાડીને મેક્સિકો બોર્ડર તરફ મોકલવામાં આવ્યા. સમુદ્રની લહેરોમાં તેમની હોડી પલટી ગઈ અને અમારી સાથે આવેલા એક પ્રવાસીનું મૃત્યુ થઈ ગયું. નિર્દયી એજન્ટે તેના મૃતદેહને ત્યાં જ છોડી દેવાનું કહ્યું અને બધાંને આગળ વધવા કહ્યું. અમારી સાથે ચાલી રહેલા વ્યક્તિએ પનામાના જંગલોમાં પગપાળા ચાલતા સમયે અંતિમ શ્વાસ લીધા. તેના મૃતદેહને છોડીને પણ બધા આગળ વધતા રહ્યા. આ આખાય રસ્તામાં ખાવા માટે ફક્ત ભાત મળ્યા, જેણે અમને જીવિત રાખ્યા.
14 દિવસ સુધી ન જોયો સૂર્યપ્રકાશ
દારાપુર ગામના સુખપાલ સિંહની અમેરિકાની યાત્રા તો આનાથી પણ વધુ ખતરનાક રહી. સુખપાલને 15 કલાકની સમુદ્ર યાત્રા કરવી પડી. તે ઊંડી-દુર્ગમ ઘાટીથી ઘેરાયેલા પહાડોથી 40-45 કિલોમીટર પગપાળા ચાલ્યા. સુખપાલ સિંહના જણાવ્યા અનુસાર, જો સફર દરમિયાન કોઈ ઈજાગ્રસ્ત થાય છે, તો તેમને મરવા માટે મૂકી દેવામાં આવે છે. અમે પણ જંગલોમાં અનેક મૃતદેહ જોયા. અમેરિકામાં એન્ટ્રી પહેલાં અમને 14 દિવસ સુધી અંધારા ઓરડામાં રાખવામાં આવ્યાં. આ 14 દિવસ સૂરજ તો દૂર પ્રકાશનું એક કિરણ પણ નથી જોયું. પોતાની મુસાફરીમાં હજારો યુવાનો, પરિવાર અને બાળકોને જોયા, જે અમેરિકા જવાની હઠમાં પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા હતા. અમને મેક્સિકોના રસ્તે અમેરિકા મોકલવામાં આવી રહ્યા હતા, પરંતુ અમે ત્યાં પહોંચતાની સાથે જ પકડાઈ ગયા.
આ પણ વાંચોઃ હાથમાં હથકડી અને પગમાં સાંકળ બાંધીને ભારતીયોને વતન લવાયા! પાછા આવીને વર્ણવી આપવીતી
પરિવાર સાથે જોખમ ખેડતા હતાં લોકો
બુધવારે (5 ફેબ્રુઆરી) ભારત પરત ફરેલા જસપાલ સિંહે પણ અમેરિકા જવા માટે 30 લાખ રૂપિયા એજન્ટને આપ્યા હતા, પરંતુ તેમની સાથે પણ દગો થયો. ફતેહગઢ સાહેબથી જસવિંદર સિંહને વિદેશ મોકલવા માટે પરિવારે 50 લાખ રૂપિયા ખર્ચ કર્યો. કપૂરથલાના ગુરપ્રીત સિંહે અમેરિકા જવા માટે પોતાનું ઘર ગીરવી મૂક્યું હતું. અમેરિકાથી પરત ફરેલાં 104 ગેરકાયદે પ્રવાસીમાં 33 લોકો હરિયાણા અને 37 લોકો ગુજરાતના છે. પંજાબના 30 અને મહારાષ્ટ્ર-યુપીના બે-બે પ્રવાસી પણ સામેલ છે. આ લોકોએ દેવું કરીને એજન્ટને પૈસા આપ્યા હતા. દેશનિકાલ પામેલા લોકોમાં 19 મહિલાઓ અને 13 સગીર સામેલ છે, જેમાં એક ચાર વર્ષીય બાળક અને પાંચ અને સાત વર્ષની બે બાળકી સામેલ છે.