પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની ગળું કાપીને હત્યા, બેરહેમીથી સ્તન પણ કાપ્યું
સિંધ પ્રાંતના સિંઝોરોની ચકચારી ઘટના
પાકિસ્તાનની સરકાર હિન્દુ સમુદાય પ્રત્યે બેદરકાર, સુરક્ષાની જવાબદારી નિભાવેઃ ભારતના વિદેશ મંત્રાલયે ઝાટકણી કાઢી
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ મહિલાની બર્બરતાથી હત્યા કરી દેવાઈ હતી. હત્યારાએ સ્તન પણ કાપી નાખ્યું હતું અને ચામડીને ઉતરડી લીધી હતી. એટલું નહીં, ચહેરો ઓળખાય નહીં એ રીતે વિકૃત કરી દીધો હતો. આ ઘટનાથી પાકિસ્તાનના લઘુમતિ હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો હતો અને તુરંત હત્યારાને પકડવાની માગણી ઉઠી હતી.
પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની હત્યાની એક ચકચારી ઘટના બની હતી. ૪૦ વર્ષની વિધવા મહિલા દયાબહેન ભીલનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. હત્યારાએ ખૂબ જ બેરહેમીથી મહિલાને મોતને ઘાત ઉતારી હતી. મહિલાનું ગળું કાપીને હત્યા કરી હતી. એટલું જ નહીં, નરાધમ હત્યારાએ મહિલાના શરીરમાંથી એક સ્તન પણ કાપી લીધું હતું. ૪૦ વર્ષની આ વિધવામહિલા ચાર સંતાનોની મા છે ને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી.
સિંધ પ્રાંતના સિંઝોરોમાં બનેલી આ ઘટનાથી આખાય પાકિસ્તાનના હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હિન્દુ મહિલા સાંસદ કૃષ્ણા કુમારીએ ટ્વિટરમાં આ અંગેની જાણકારી આપી હતી અને ઘટના સ્થળની મુલાકાત લઈને હિન્દુ સમાજના આગેવાનો સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. હિન્દુ મહિલા સાંસદના કહેવા પ્રમાણે મહિલાના શરીરને ઉતરડી લેવાયું હતું અને સ્તન કાપીને બર્બરતા આચરવામાં આવી હતી. મહિલાના મોંને વિકૃત કરી દેવામાં આવ્યું હતું. આ વિધવા મહિલા સાથે રેપ થયાની આશંકા વ્યક્ત થઈ હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો. રિપોર્ટ આવ્યા બાદ જ આ બાબતે વધુ જાણકારી મળશે એવું સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું.
ભારતના વિદેશ મંત્રાલયે આ બાબતે પાકિસ્તાન સરકારની ઝાટકણી કાઢીને પ્રતિક્રિયા આપતા કહ્યું હતુંઃ પાકિસ્તાનની સરકાર લઘુમતી હિન્દુ સમાજ પ્રત્યે બેદરકાર છે. વધુ એક વખત બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનની સરકાર લઘુમતી હિન્દુઓની સુરક્ષાની જવાબદારી નિભાવે તે યોગ્ય રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અગાઉ પણ પાકિસ્તાનમાં હિન્દુઓ પ્રત્યે બેરહેમીની આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં પાકિસ્તાનની સરકાર આંખ આડા કાન કરીને માથાભારે તત્વો સામે પગલાં લેવાનું ટાળે છે. પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જશે એવું પણ વિદેશ મંત્રાલયે કહ્યું હતું.