Get The App

હવે વગર વિઝાએ કરો દુબઈની ટુર, ભારતીયોને મળશે વિઝા-ઓન-અરાઈવલ, જાણી લો નિયમો

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
હવે વગર વિઝાએ કરો દુબઈની ટુર, ભારતીયોને મળશે વિઝા-ઓન-અરાઈવલ, જાણી લો નિયમો 1 - image


Indians Get Visa On Arrival For UAE : ભારતીય પ્રવાસીઓ માટે આવકારદાયક સમાચાર આવ્યા છે, અને તે એ કે હવે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપશે. ભારત અને UAE વચ્ચેના હૂંફાળા સંબંધોમાં આ એક પ્રશંસનીય પગલું ગણી શકાય એમ છે.

આ નિયમો અંતર્ગત મળશે UAE ના વિઝા-ઓન-અરાઈવલ

UAE એ ભારતના તમામ નાગરિકો માટે આ નીતિ રજૂ નથી કરી. એના માટે નીચે મુજબના પાત્રતા માપદંડ/નિયમો રાખ્યા છે.

- અમેરિકા, બ્રિટન કે યુરોપિયન યુનિયનના કોઈપણ દેશના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અથવા ગ્રીન કાર્ડ ધરાવનારને UAE ના વિઝા-ઓન-અરાઈવલ મળશે.

- જેની પાસે ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ હશે એને UAE ના વિઝા-ઓન-અરાઈવલ મળશે.

- ઉપરની બંને આવશ્યકતાઓને પૂર્ણ કરનાર પ્રવાસીને 14-દિવસના વિઝા-ઓન-અરાઈવલ આપવામાં આવશે, જેને જરૂરી ફીની ચુકવણી પછી વધારાના 60 દિવસ માટે લંબાવી શકાશે.

UAE ના વિઝા-ઓન-અરાઈવલના ફાયદા શું?

- હાલમાં UAE માં 35 લાખથી વધુ ભારતીયો રહે છે. મોટાભાગના વ્યવસાયીઓ છે, જેમના શ્રમ અને ટેલેન્ટ UAE ના અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે. UAE ના વિઝા-ઓન-અરાઈવલને લીધે બંને દેશ વચ્ચે આવાગમન સરળ અને ઝડપી બનશે. ભારતીય નાગરિકોએ હવે વિઝાની અરજી માટે આગોતરી તૈયારી નહીં કરવી પડે અને વિઝાની મંજૂરી માટે રાહ પણ નહીં જોવી પડે.

- આ નીતિ પરિવર્તનને કારણે બંને દેશ વચ્ચે વ્યવસાયની તકો વધશે. 

- વિઝા મેળવવાની ઝંઝટ ન રહેતાં પ્રવાસ માટે UAE જતાં ભારતીયોની સંખ્યામાં વૃદ્ધિ થશે, જે સરવાળે બંને દેશોના આર્થિક લાભમાં રહેશે. 

- ભારત અગાઉથી જ UAE ના નાગરિકોને વિઝા-ઓન-અરાઈવલ આપતું હોવાથી આ સમજણ હવે દ્વિપક્ષીય થઈ ગઈ છે, જે બંને દેશ વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરશે. 

વિઝા-ઓન-અરાઈવલ એટલે શું?

વિઝા એટલે કોઈપણ દેશમાં પ્રવેશવાનો પરવાનો. મોટા ભાગના દેશોમાં દાખલ થવા માટે અગાઉથી વિઝા લેવાના હોય છે. એના માટે અરજી કરીને નિયત તારીખે ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. જે-તે દેશની એમ્બેસી વ્યક્તિગત ધોરણે વિઝા મંજૂર કરતી હોય છે. પ્રત્યેક દેશે વિઝા આપવાની નીતિઓમાં થોડોઘણો ફરક જોવા મળે છે. જોકે, અમુક દેશ એવા પણ હોય છે જે એમની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રાખતાં અન્ય દેશના નાગરિકોને ‘વિઝા-ઓન-અરાઈવલ’ (VoA) આપતાં હોય છે. આ એવા વિઝા છે જે અગાઉથી અરજી કરવાને બદલે વિદેશ પહોંચ્યા પછી ત્યાંના એરપોર્ટ કે પછી સરહદ પરથી મેળવી શકાય છે. આવા વિઝાને ‘વિઝા-ઓન-અરાઈવલ’ અથવા ‘બોર્ડર ગેટ વિઝા’ કહેવાય છે.

કયા કયા અને કેટલા દેશ ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપે છે?

થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ઈરાન, જોર્ડન, માલદીવ્સ, શ્રીલંકા, મ્યાનમાર, વિયેતનામ, કંબોડિયા, ઝિમ્બાબ્વે, ઈથોપિયા, બોલિવિયા, માડાગાસ્કર, તાજિકિસ્તાન, બહેરીન જેવા દુનિયાના 37 દેશ ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપે છે. ભારતીય પાસપોર્ટ ધરાવતી કોઈપણ વ્યક્તિ આ સગવડનો લાભ લઈ શકે છે. UAE આ લિસ્ટમાં લેટેસ્ટ ઉમેરણ છે. અમુક દેશ આવા વિઝા આપવા બદલ ફી લે છે તો અમુક તદ્દન ફ્રીમાં આવા વિઝા આપી દે છે. જોકે, એની સમયમર્યાદા હોય છે ખરી. 

વિઝા-ઓન-અરાઈવલ મેળવવા માટે આટલી વસ્તુની જરૂર પડે છે

વિઝા-ઓન-અરાઈવલ મેળવવા માટેની આવશ્યકતાઓ પ્રત્યેક દેશ પ્રમાણે બદલાય છે, પરંતુ સામાન્ય રીતે તેમાં પાસપોર્ટ, પાસપોર્ટ-સાઇઝના ફોટોગ્રાફ્સ, મુલાકાતના હેતુનો પુરાવો, પર્યાપ્ત ભંડોળનો પુરાવો અને સ્વદેશ પાછા ફરવાની ટિકિટનો સમાવેશ થતો હોય છે.

ભારત ફક્ત ત્રણ દેશોને વિઝા-ઓન-અરાઈવલ આપે છે 

જાપાન, દક્ષિણ કોરિયા અને UAE આ ત્રણ જ દેશના નાગરિકોને ભારત વિઝા-ઓન-અરાઈવલ આપે છે. એમાં પણ UAE ના નાગરિકો માટે એવો નિયમ છે કે જેમણે અગાઉ ભારતની મુલાકાત લેવા માટે ઈ-વિઝા અથવા પેપર વિઝા મેળવ્યા હોય એમને જ બીજી વારમાં વિઝા-ઓન-અરાઈવલ આપવા. ત્રણે દેશના નાગરિકોને માત્ર બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈ ખાતેના છ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જ વિઝા-ઓન-અરાઈવલ આપવામાં આવે છે. 

કોઈ દેશ બીજા દેશને શા માટે વિઝા-ઓન-અરાઈવલ આપે છે?

કોઈ દેશ અન્ય દેશના નાગરિકને વિઝા-ઓન-અરાઈવલ આપવાનું કેવી રીતે નક્કી કરે છે તેના માટે કોઈ કડક નિયમો નથી. દરેક દેશના પોતાના નિયમો હોય છે. અમુક સામાન્ય બાબતો જોઈએ તો, 

- જે દેશ સાથે લાંબા સમયથી હૂંફાળા રાજદ્વારી સંબંધો હોય એના નાગરિકોને વિઝા-ઓન-અરાઈવલ અપાય છે.

- જે દેશમાંથી મોટી માત્રામાં ગેરકાયદે ઘૂસણખોરી થતી હોય છે એને વિઝા-ઓન-અરાઈવલ અપાતા નથી. 

- મોટાભાગના દેશો પ્રવાસન/ટુરિઝમ થકી કમાવા માટે એમને સુરક્ષિત લાગતા હોય એવા દેશના નાગરિકોને વિઝા-ઓન-અરાઈવલ આપતાં હોય છે.

આ પણ વાંચો : કેનેડામાં સ્ટુડન્ટ વિઝા બાદ હવે ટેમ્પરરી વિઝા પર પણ તવાઈ, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય

વૈશ્વિક સ્તરે ભારતનો પાસપોર્ટ કેટલો મજબૂત? 

દરેક દેશના પાસપોર્ટનો ‘પાવર’ અલગ-અલગ હોય છે. કોઈ દેશના નાગરિકને વિશ્વના કેટલા દેશ આગોતરા વિઝા લીધા વિના પોતાના દેશમાં પ્રવેશ આપે છે, એને આધારે ‘વૈશ્વિક પાસપોર્ટ પાવર રેન્ક’ નક્કી થતા હોય છે. એ હિસાબે જોઈએ તો લિસ્ટમાં પહેલા નંબરે ગૌરવવંતુ સ્થાન ધરાવે છે સિંગાપોર. સિંગાપોરનો નાગરિક દુનિયાના 195 દેશોમાં 'વિઝા વિના' પ્રવેશ મેળવી શકે છે. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ રેન્કમાં બીજા ક્રમે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને સ્પેન આવે છે, જ્યાંના નાગરિકો 192 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. 190 દેશો સાથે યુ.કે. ચોથા સ્થાને અને 186 દેશો સાથે અમેરિકા આઠમા ક્રમે છે. ભારત આ લિસ્ટમાં   82 મા સ્થાને છે.

હવે વગર વિઝાએ કરો દુબઈની ટુર, ભારતીયોને મળશે વિઝા-ઓન-અરાઈવલ, જાણી લો નિયમો 2 - image

UAEVisa

Google NewsGoogle News